તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AMCની બેવડી નીતિ:લો- ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ ફૂડ વાનને ભાડામાંથી મુક્તિ પરંતુ ગુજરી બજારના વેપારીઓ પાસેથી 3.50 લાખ ભાડુ વસૂલ્યુ

અમદાવાદ3 મહિનો પહેલા
ગુજરી બજારના નાના ધંધાર્થીઓએ 10 મહિનાનું ભાડુ ચૂકવ્યું
  • 16 મહિનામાં ગુજરી બજાર માત્ર દોઢ મહિના માટે ખુલ્યું અને 10 મહિનાનું ભાડુ વસૂલ્યું
  • ગુજરી બજારમાં 1200 વેપારીઓ પાથરણા રાખી મહિનામાં ચાર રવિવારે જ કમાણી કરે છે.
  • AMCના સ્ટેન્ડિંગ ચેરમેને લો- ગાર્ડન વેપારીઓને રાહત આપી પરંતુ ગુજરી બજારને ભાડું પરત કરશે?

કોરોનાના કારણે નાના ધંધા રોજગાર બંધ છતાં વેપારીઓ પાસેથી પોતાની જગ્યાના ભાડાના પૈસા વસૂલવા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બેવડી નીતિ અપનાવે છે. એલિસબ્રિજ રિવરફ્રન્ટ પર ભરાતુ ગુજરી બજાર છેલ્લા 16 મહિનાથી બંધ હોવા છતાં વેપારીઓ પાસેથી તંત્રએ 10 મહિનાનું રૂ. 3.50 લાખ જેટલું ભાડું વસુલ કર્યું છે. વેપારીઓએ ભાડું નહીં ભરતા નોટિસો આપવામાં આવી હતી. એક તરફ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોએ લો- ગાર્ડનમાં હેપ્પી ફૂડ સ્ટ્રીટના ફૂડવાનના માલિકોના ભાડા કોરોનામાં બંધ હોવાથી માફ કરી દીધા છે. બીજી તરફ ગુજરી બજારમાં એક જ દિવસ વેપાર કરતા 1200 વેપારીઓ પ્રત્યે બેવડું વલણ અપનાવવામાં આવી રહ્યું છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શું કહે છે?
આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સાબરમતી રિવરફ્રન્ટ પર ભરાતા ગુજરી બજારના ભાડા માફ કરવા અંગે અમારી પાસે કોઈ રજૂઆત આવી નથી. મારા પાસે રજુઆત આવે તો અમે મદદ કરી શકીએ. લો- ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ ફૂડ અને ગુજરી બજાર બંનેની વાત અલગ છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહે છે, લો- ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ ફૂડ અને ગુજરી બજાર બંનેની વાત અલગ છે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહે છે, લો- ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ ફૂડ અને ગુજરી બજાર બંનેની વાત અલગ છે

દોઢ મહિનો ધંધો કર્યો અને 10 મહિનાનું ભાડુ ચૂકવ્યુ
ગુજરી બજાર એસોસિએશનના પ્રમુખ નફિસભાઈએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનામાં 16 મહિનાથી ગુજરી બજાર દિવાળીમાં 1 મહિનો અને માર્ચમાં બે રવિવારે ચાલુ હતું. બાકીના મહિનામાં બંધ હતું છતાંય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાડું વસુલ કરવામાં આવ્યું છે. 1200 જેટલા વેપારીઓ ગુજરી બજાર બંધ હોવાના કારણે બેકાર છે. છતાં પણ ભાડું માગવામાં આવ્યું છે. એક તરફ લો ગાર્ડનના ખાણીપીણી બજારના ફૂડવાનના માલિકોના ભાડા કોર્પોરેશન માફ કરે છે. તો અમારા જેવા નાના ગરીબ વેપારીને કેમ ભાડું માફ કરવામા આવતું નથી.

ગુજરી બજાર એસોસિએશનના પ્રમુખ નફિસભાઈ
ગુજરી બજાર એસોસિએશનના પ્રમુખ નફિસભાઈ

ભાડુ માફ થાય તો વેપારીઓને રાહત થઈ શકે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભાડું માફ કરવા માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને અમે બે વખત અરજી કરી છે પરંતુ તેઓએ અમને કોઈ જવાબ આપ્યો નથી. ભાડું ભરવા માટે બે નોટિસ અમને આપવામાં આવી હતી. ગઈકાલે રવિવારથી ફરી અમારું ગુજરી બજાર શરૂ થયું છે પરંતુ છતાં અમને બજાર ચાલુ ન કરવા દેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જો મ્યુનિસિપલ તંત્ર ભાડું માફ કરે તો વેપારીઓને થોડી ઘણી રાહત થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...