ટ્રેનમાં ચોરી:મુંબઈની પ્રેમિકા અને જયપુરનો પ્રેમી ટ્રેનમાં મુસાફરોની દાગીના-રોકડ ચોરતાં, અમદાવાદમાં ચોર પ્રેમીપંખીડા પકડાયા

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરના વેસ્ટર્ન રેલવે ડિવિઝન LCB દ્વારા રેલવેમાં મુસાફરોની નજર ચૂકવીને રોકડ રકમ અથવા તો દાગીનાની ચોરી કરતા પ્રેમીપંખીડાની ધરપકડ કરી છે. આ ગુનામાં પોલીસે રાજસ્થાનના જયપુરમાં રહેતા વિક્રમ ગાંગડીયા અને તેની સાથે મુંબઈની ગીતા દેવીપુજકની ધરપકડ કરી છે. બંને આરોપીઓ અલગ અલગ રાજ્યમાં રહેતા હોવાથી એકબીજાને મળવા માટે રેલવેમાં મુસાફરી કરતા હતા અને મુસાફરી દરમિયાન જે પણ વૃદ્ધો અને આધેડ વ્યક્તિઓ દાગીના કે રોકડ રકમની મુસાફરી કરતા આરોપીઓને દેખાતા નજર ચૂકવીને ચોરીને અંજામ આપતા હતા.

મહિલાનું દાગીના સહિતનું પાકીટ ચોરાયું હતું
મોટેરા ખાતે રહેતા ઉષાબેન ધારીવાલ થોડાક દિવસો પહેલા મુંબઈ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદથી મુંબઈ મુસાફરી કરતા હતા. તે સમયે ટ્રેનમાં બેસતા વખતે ભીડનો લાભ લઈ તેમના પાકીટમાં મુકેલા દાગીનાની ચોરી થઈ હતી. જેમાં સોનાનો હાર, બિસ્કીટ સહિત મંગળસૂત્ર મળીને રૂ. 4,61,000ની કિંમતના દાગીના ચોરી થતાં રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

રેલવે પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા
જે ગુનામાં પોલીસે ઘટના સમયના સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. રેલવે LCB એ અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરતા તેમાં એક સ્ત્રી અને પુરુષ શકમંદ જણાતા રેલવે સ્ટેશનની આસપાસની હોટલમાં તપાસ કરતા સારંગપુરમાં આવેલી શિવગંગા હોટલમાંથી ઘટના સમયના સીસીટીવી ફૂટેજમાં દેખાતા શંકાસ્પદ યુવક-યુવતી મળી આવ્યા હતા.

યુવક કાપડનો ધંધો કરતો અને યુવતી ફૂલ લે-વેચ કરતી
જેઓને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતા તેઓએ આ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી અને બંને આરોપીઓ પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ રેલવે પોલીસે કબ્જે કર્યો હતો. આરોપીઓની પૂછપરછ કરતાં સામે આવ્યું કે, મહિલા આરોપીનો પતિ થોડાક સમય પહેલા અવસાન પામ્યો હોય પતિના મિત્ર સાથે તેને પ્રેમ સંબંધ બંધાયો હતો અને અવારનવાર તેઓ મુલાકાત કરતા હતા. આ ગુનામાં ઝડપાયેલા આરોપીઓમાં વિક્રમ દેવીપૂજક જયપુરમાં કાપડનો ધંધો કરતો હોય અને મહિલા આરોપી ગીતા વાઘેલા મુંબઈમાં ફુલની લે-વેચનું કામ કરતી હોવાનું કબૂલાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...