મોત વ્હાલું કર્યું:અમદાવાદના યુવક-યુવતી લગ્ન ન થવાના ડરે ઘરેથી ભાગ્યા, પરિવાર રાજી થયા પણ બન્નેએ સાબરમતીમાં કૂદી જીવન ટૂંકાવ્યું

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બન્ને પરિવારો પોતાના જુવાનજોઘ સંતાનો નાસી જતાં શોધીને લગ્ન કરાવવા તૈયારી કરી રહ્યા હતા
  • આરબીઆઈ બેન્ક પાસે સાબરમતી નદીમાંથી યુવક-યુવતીની લાશને તરવૈયાઓએ બહાર કાઢી

કહેવાય છે કે જન્મ, લગ્ન અને મરણ બધા લેખ વિધાતાએ લખ્યા હોય છે, જેને કોઈ મિથ્યાં કરી શકતું નથી. અમદાવાદના યુવક-યુવતી એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતા. પ્રેમને સંબંધનું નામ આપીને એકસાથે જીવનભર રહેવા માટે લગ્ન કરવા માંગતા હતાં, પરંતુ પરિવાર માનતો ન હતો. જેથી બન્ને ઘરેથી ભાગ્યા પણ ડર લાગતા બન્નેએ નદીમાં ઝંપલાવ્યું હતું. બીજી તરફ પરિવારે દીકરો-દીકરી જતાં રહ્યાની જાણ થતાં બન્નેના લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું. પરિવારે બન્નેને શોધીને ગોળ-ધાણા ખાવાનું નક્કી કર્યું પણ તે પહેલાં નદીમાંથી બન્નેની લાશ મળી હતી.

સાબરમતીમાંથી તરવૈયાઓએ બન્નેની લાશ બહાર કાઢી
અમદાવાદ સાબરમતી નદીમાં આરબીઆઇ બેન્ક પાસે નદીમાં યુવક યુવતીએ ઝંપલાવ્યું હતું. જે ઘટનામાં બન્નેનાં મોત નિપજ્યા હતાં. તરવૈયાએ બન્નેની લાશ બહાર કાઢી તો મૃતક યુવક-યુવતી હોવાનું સામે આવ્યું હતું. આ વાતની જાણ થતાં અમદાવાદ રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

બન્ને એક દિવસ પહેલા ઘરેથી ભાગ્યા હતા
પોલીસની ટીમ ત્યાં પહોંચી તો જાણવા મળ્યું કે, મરનાર યુવતીનું નામ ગુનગુનબેન (ઉ.વ. 19) હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે યુવક રાકેશ (ઉ.વ. 21) હોવાનું જાણવા મળ્યું હતું. આ બન્ને યુવક-યુવતી એકબીજાને પ્રેમ કરતા હતા અને લગ્ન કરવા માગતા હતા. પરંતુ પરિવાર લગ્નની મજૂરી આપી ન હતી. જેથી એક દિવસ અગાઉ બન્ને ઘરેથી ભાગી ગયા હતા.

ઘરેથી ભાગ્યા બાદ બન્ને ડરી ગયા હતા
ઘરેથી ભાગી ગયા બાદ બન્ને ડરી ગયા હતા કે હવે શું થશે અને આગળ શું થશે. તે ચિંતામાં બન્નેએ નદીમાં ઝંપલાવ્યું હતું અને પોતાનું જીવન ટૂંકાવવા માટે ગયા હતા. બીજી તરફ બન્નેના પરિવારજનોને પણ તેઓ ગુનગુન અને રાકેશ સાથે ભાગી ગયા હોવાની જાણ થતાં તેઓ એકબીજાને મળ્યા હતા. તે દરમિયાન તેઓએ નક્કી કર્યું કે દીકરા દીકરીને ઈચ્છા પ્રમાણે તેમના લગ્ન કરવી દઈએ.

પરિવારો બન્નેને શોધી લે તે પહેલા તેમની લાશ મળી
બન્ને પરિવારે યુવક-યુવતી મળે એટલે વાજતેગાજતે ગોળ ધણા ખાવાનું નક્કી કર્યું હતું. પહેલા બન્નેને શોધવાનું શરૂ કર્યું હતું.પણ તેઓ મળે તે પહેલાં તેમની લાશ મળી આવી હતી. બધી ખુશી મનમાં રહી ગઈ અને પરિવારજનો ખુશીનો માંડવો બાંધવાને બદલે બન્નેની નનામી બાંધવાનો વારો આવ્યો છે. હાલ રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે અકસ્માતે નોંધ કરીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...