મોર્નિંગ ન્યૂઝ બ્રીફઆજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટી-20 મેચ:ગુજરાતમાં રાતના 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડી શકાશે, IIAના વડા ઇલ્યાસીએ મોહન ભાગવતને રાષ્ટ્રપિતા કહ્યા

3 દિવસ પહેલા

નમસ્કાર,
આજે શુક્રવાર, તારીખ 23 સપ્ટેમ્બર, ભાદરવા વદ તેરસ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે PM મોદી એકતાનગરમાં આયોજીત તમામ રાજ્યોના પર્યાવરણમંત્રીઓની 2 દિવસીય રાષ્ટ્રીય પરિષદનું વર્ચ્યુઅલી ઉદઘાટન કરશે
2) આજે નાગપુરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચ પૈકીની બીજી ટી20 મેચ રમાશે, ભારત 1-1થી બરાબરી માટે રમશે
3) AMCના કર્મચારીઓનું આંદોલન તમામ કર્મચારીઓ 23મી સપ્ટેમ્બરે કાળી પટ્ટી બાંધી વિરોધ કરશે, અચોક્ક્સ મુદતની હડતાળની ચીમકી
4) રાજકોટમાં નવનિર્મિત સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અને સ્પોર્ટસ હોસ્ટેલનું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી લોકાર્પણ કરશે
5) આજે ખગોળીય ઘટના, દિવસ અને રાત એકસરખા રહેશે
6) આજથી ભુજના સ્મૃતિવન મુલાકાતીઓ માટે ખુલ્લું મુકાશે, પ્રવેશ ફી રૂ. 20- મોર્નિંગ વોક માટે ફ્રી, અર્થકવેક મ્યુઝિયમની ફી રૂ. 300

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ગુજરાતમાં હવે રાતના 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડી શકાશે, ગૃહ રાજ્યમંત્રીનું ખેલૈયાઓને ખુશ કરતું ટ્વીટ
નવરાત્રી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે લાઉડ સ્પીકર મામલે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકરની વગાડવાની છૂટ આપવામાં આવી છે. રાજ્ય સરકારે નવરાત્રીના નવ દિવસ દરમ્યાન લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી 12 વાગ્યા સુધી કરી છે. જેના પગલે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકશે.
વાંચો સમાચાર વિગતવાર

2) ભારતીય ઇમામ સંગઠનના વડાએ મોહન ભાગવતને રાષ્ટ્રપિતા કહ્યા, RSS સુપ્રીમોની મસ્જિદમાં એક કલાક સુધી બેઠક ચાલી હતી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ગુરુવારે અખિલ ભારતીય ઇમામ સંગઠનના વડા ડૉ. ઉમર અહેમદ ઇલ્યાસી સાથે મુલાકાત કરી હતી. RSS સુપ્રીમોની મુસ્લિમ ધાર્મિક નેતા સાથેની આ પ્રથમ મુલાકાત છે. બંને વચ્ચે દિલ્હીની કસ્તુરબા ગાંધી માર્ગ મસ્જિદમાં બંધબારણે લગભગ એક કલાક સુધી બેઠક ચાલી હતી.
વાંચો સમાચાર વિગતવાર

3) સુરતમાં મોદી-શાહની મુલાકાતો વધારી ભાજપે સૌરાષ્ટ્રના દિગ્ગજ માંડવિયા-રૂપાલા-સંઘાણીને સુરતમાં ઉતાર્યા, વિમુખ થયેલા પાટીદારો મેઇન 'ટાર્ગેટ'
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં માહોલ જામી રહ્યો છે. શાસક ભાજપ માટે પાટીદારોની નારાજગીએ ફરી ચિંતા વધારી છે, પણ આ ચિંતાનું કારણ કોંગ્રેસ નહીં બલકે આમ આદમી પાર્ટી (AAP) છે. સુરત આમ તો ભાજપનો મજબૂત ગઢ છે, પરંતુ સુરત લૂંટાવાનો ઇતિહાસ પણ રહ્યો છે. આ વખતે AAP સુરતમાં ગાબડું પાડે તો નુકસાન સૌરાષ્ટ્રમાં થાય એવું છે. આ કારણે જ ભાજપે અત્યારથી મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી જેવા દિગ્ગજ નેતાઓને સુરતમાં વરાછા-કતારગામની શેરીઓમાં ઉતારી દીધા છે.
વાંચો સમાચાર વિગતવાર

4) જગન્નાથ મંદિરની કરોડોની જમીન બારોબાર મુસ્લિમોને વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરનારને ગળું કાપી નાખવાની ધમકી, એક મહિનાથી સરકાર રક્ષણ નથી આપતી
અમદાવાદ જગન્નાથ મંદિરની કરોડો રૂપિયાની કિંમતની જમીન મુસ્લિમોને ભાડા કરાર કરી આપ્યાનો વિવાદ છેલ્લા કેટલાક સમયથી સર્જાયો છે અને હાઈકોર્ટમાં પહોંચ્યો છે. તેની સામે લડત ચલાવી રહેલા વીએચપીના પૂર્ણકાલીન કાર્યકર્તા ધર્મેન્દ્ર પટેલને ઉદયપુરના કનૈયાની જેમ ગળું કાપી નાખવાની ધમકી મળી રહી છે. વધારે ગંભીર વાત એ છે કે તેમણે એક મહિના કરતાં વધારે સમયથી પોલીસ રક્ષણ માગ્યું હોવા છતાં ગુજરાત પોલીસે હજુ સુધી તેમને રક્ષણ પૂરું પાડ્યું નથી.
વાંચો સમાચાર વિગતવાર

5) 'તારા વિના શ્યામ મને એકલડું લાગે...' પર કોપીરાઇટ મેળવનાર અતુલ પુરોહિતે કહ્યું- આ ગરબા પર કોઈ રોયલ્ટી નથી લેવાનો, ગરબો બધા ગાઈ શકે છે
નવરાત્રિમાં તારા વિના શ્યામ મને એકલડું લાગે.... ગરબો તમે સાંભળ્યો હશે અને એના પર ગરબે પણ ઘૂમ્યા હશો, પરંતુ તમને જણાવી દઈએ કે આ ગરબો વડોદરા સહિત દેશ અને દુનિયાના લોકોને પોતાના અવાજના સૂરથી ડોલાવતા ગાયક અતુલ પુરોહિત અને તેમના મિત્રોનું સહિયારું પ્રદાન છે, જેથી આ ગરબા પર હવે અતુલ પુરોહિતે કોપીરાઇટ હાંસલ કર્યો છે, પરંતુ તેમણે એમ પણ કહ્યું છે કે હું આ ગરબા પર કોઈ રોયલ્ટી વસૂલવાનો નથી. ગરબો બધા ગાઈ શકે છે.
વાંચો સમાચાર વિગતવાર

6) અમદાવાદનું સૌથી મોટું જુગારધામ ઝડપાયું, રૂપિયા ગણવા માટે મશીન રાખતા, રોકડના કેસથી બચવા કેસિનોની જેમ ટોકન સિસ્ટમ
અમદાવાદના રાણીપ વિસ્તારમાં શહેરનું સૌથી મોટું જુગારધામ ઝડપાયું છે. આ જુગારધામમાં વરલી મટકાના આંકડા લખવાથી લઇને અન્ય જુગાર રમાડવામાં આવતા હતા. જેમાં ક્લબની જેમ ટોકન સિસ્ટમ પણ હતી અને ટોકન કેશ કરવાની પણ આખી વ્યવસ્થા ઊભી કરાઈ હતી. તેમજ કેશ ગણવા માટે મશીન પણ રાખવામાં આવ્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

7) PFIના સ્થળો પર NIA-EDની કાર્યવાહી, 106ની ધરપકડ, આતંક માટે પૈસાથી લઈને ટ્રેનિંગ સુધી...જાણો શા માટે 13 રાજ્યોમાં દરોડા પાડ્યા
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગુરુવારે અડધી રાત્રે 13 રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (PFI)ના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતાછે. ટેરર ફંડિંગ કેસમાં કરવામાં આવી રહેલી આ કાર્યવાહી હેઠળ સંગઠન સાથે જોડાયેલા 106 લોકોની પણ ધરપકડ કરાઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંગઠન પ્રમુખ ઓમા સાલમની પણ ધરપકડ કરાઈ છે.
વાંચો સમાચાર વિગતવાર

8) ગેહલોત અધ્યક્ષ બનશે તો CMની ખુરસી છોડી દેશે, રાહુલ ગાંધી બોલ્યા- એક વ્યક્તિ એક પદ નિયમ લાગુ થશે
રાહુલ ગાંધીએ ગુરુવારે કોચીમાં પાર્ટીના અધ્યક્ષ પદના ઉમેદવારોને નિર્દેશ અને સલાહ પણ આપી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને અધ્યક્ષ અને મુખ્યમંત્રી પદ એકસાથે રાખવાની વાત પર કહ્યું કે, ઉદયપુર સંમેલનમાં અમે એક વ્યક્તિ-એક પદ પર જે નિર્ણય લીધો છે તે અડગ રહેશે. જો કે ગેહલોતે ગુરુવારે સવારે જ કહ્યું હતું કે પ્રમુખ પદ એક વ્યક્તિ-એક પદના દાયરામાં આવતો નથી, પરંતુ ઈતિહાસમાં કોઈ કોંગ્રેસ અધ્યક્ષ મુખ્યમંત્રી બન્યા નથી, તેથી નિર્ણય લેવો પડશે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) રૂપિયો ફરીવાર નીચલા સ્તરે ગગડ્યો, ડોલર સામે રૂપિયો 51 પૈસા નબળો પડી 80.47એ પહોંચ્યો, US સેન્ટ્રલ બેંકના વ્યાજદરમાં વધારાની અસર વર્તાઈ
2) સુપ્રીમ કોર્ટમાં હિજાબ પર સુનાવણી પૂર્ણ, 10 દિવસ સુધી દલીલો સાંભળ્યા પછી ચુકાદો અનામત રખાયો, SCએ કહ્યું- હવે અમારું હોમવર્ક શરૂ થાય છે
3) ફરી હોમ-અવે ફોર્મેટમાં રમાશે IPL, ગાંગુલીએ કહ્યું- જુન મહિનામાં થશે આયોજન; ફેબ્રુઆરી-માર્ચમાં વુમન્સ IPL પણ યોજાશે
4) વિધાનસભામાં કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં OBC અનામત મુદ્દે ચર્ચા કરવાની માગ કરી, વેલમાં ધસી આવેલા 10 ધારાસભ્ય ફરીવાર સસ્પેન્ડ
5) જસદણમાં કોળી સમાજના મહાસંમેલનમાં મોટી સંખ્યામાં આગેવાનો હાજર, સમાજના પ્રમુખે કહ્યું: આમંત્રણ છતાં કુંવરજી બાવળિયા અને ભોળા ગોહિલ ગેરહાજર
6) જયેશ રાદડિયાએ કહ્યું- 'મારાથી મજબૂત MLA મળે ત્યારે તેને ચૂંટીને બેસાડજો', વીરપુરની જાહેરસભામાં ધારાસભાની ચૂંટણી લડવાના સંકેત આપ્યા
7) વીસનગરના સદભાવના યજ્ઞમાં અર્બુદા સેનાની હાકલ, "આવી જાઓ મેદાને કે અર્બુદા સેના તમારી સામે છે; કબડ્ડીનો પાટો ઓળંગવા નહીં દઈએ"
8) પોલીસ પરિવારો અને LRD ઉમેદવારોના ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં ઘેરાવો, 60થી વધુ આંદોલનકારીઓની અટકાયત
9) વલસાડના ધરમપુરની એકલવ્ય શાળાના રસોઈયાએ વિદ્યાર્થિનીઓના ન્હાતી સમયના વીડિયો બનાવ્યા, વાલીઓનો હોબાળો

આજનો ઈતિહાસ
વર્ષ 1803માં આજના દિવસે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ અસાઈના યુદ્ધમાં મરાઠા સેનાને હરાવ્યું હતું.

આજનો સુવિચાર
તમે જીવનમાં તમારી ભૂલોથી કશું શીખ્યો છો તો તમે સૌથી સફળ વ્યક્તિ છો.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...