નોઈઝ પોલ્યુશન:અમદાવાદમાં સામાજિક-ધાર્મિક પ્રસંગોએ ઉંચા અવાજે વાગતા લાઉડ સ્પીકરથી લોકો ત્રાહિમામ, 5 વર્ષમાં 34 હજાર ફરિયાદ

અમદાવાદએક મહિનો પહેલા
  • ઉંચા અવાજે લાઉડસ્પીકર વાગવાથી અવાજનું પ્રદૂષણ ફેલાતું હોય છે
  • લાઉડ સ્પીકરથી વૃધ્ધો, અશક્ત લોકો, વિદ્યાર્થીઓ અને બિમાર લોકોને ઘણી તકલીફ

અમદાવાદમાં સતત અવાજનું પ્રદૂષણ વધી રહ્યું છે. દેશમાં લાઉડ સ્પીકર વાપરવા મુદ્દે હાલ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં પોલીસને લોકોએ 100 નંબર પર ફોન કરીને લાઉડ સ્પીકર બાબતે ફરિયાદ કરી છે. એક RTI (રાઈટ ટુ ઈન્ફર્મેશન) અંતર્ગત મળેલી માહિતી અનુસાર છેલ્લા 5 વર્ષમાં એટલે કે જાન્યુઆરી 2018થી 15 માર્ચ 2022 સુધીમાં અમદાવાદ શહેર પોલીસને 100 નંબર પર સામાજિક-ધાર્મિક પ્રસંગોએ ઉંચા અવાજે વાગતા લાઉડસ્પીકર બંધ કરાવવા કુલ 34,459 ફોન કોલ્સ આવ્યા હતા. જેમાં તમામ પ્રકારના નોઈઝ પોલ્યુશનના ફોન કોલ્સ આવેલા છે.

લાઉડસ્પીકરના અવાજને પગલે લોકોને મુશ્કેલીઓ વેઠવી પડે છે
સામાજિક-ધાર્મિક પ્રસંગોએ શહેરમાં ઉંચા અવાજે લાઉડસ્પીકર વાગતા હોય છે અને અવાજનું પ્રદૂષણ ફેલાતું હોય છે, જેના પરિણામે વૃધ્ધો, અશક્ત લોકો, વિદ્યાર્થીઓ અને બિમાર લોકોને ઘણી તકલીફ પડતી હોય છે. સાથે સાથે ટ્રાફિક જામ થવાથી શહેરીજનોને અવર-જવર કરવામાં મુશ્કેલી પડતી હોય છે. આ બધી બાબતોને ધ્યાને લઈને એક નાગરિકે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરની કચેરીના પોલીસ કંટ્રોલ રૂમમાં એક RTI દાખલ કરી એ જાણવા પ્રયાસ કર્યો હતો.

લાઉડસ્પીકર બંધ કરાવવા 100 નંબર પર ફોન કોલ્સ
નાગરિકે પોલીસ કંટ્રોલ રૂમમાં RTI દાખલ કરી એ જાણવા પ્રયાસ કર્યો કે હતો, સામાજિક-ધાર્મિક પ્રસંગોએ ઉંચા અવાજે વાગતા લાઉડસ્પીકર બંધ કરાવવા 100 નંબર પર આવેલા ફોન કોલ્સની સંખ્યા કેટલી છે. અમદાવાદ શહેરમાં આવેલા સરકારી પાર્ટી પ્લોટ અને હોલની આસપાસ ઉંચા અવાજે વાગતા લાઉડસ્પીકર બંધ કરાવવા 100 નંબર પર આવેલા ફોન કોલ્સની સંખ્યા કેટલી છે. અમદાવાદ શહેરમાં આવેલા ખાનગી પાર્ટી પ્લોટ અને હોલની આસપાસ ઉંચા અવાજે વાગતા લાઉડસ્પીકર બંધ કરાવવા 100 નંબર પર આવેલા ફોન કોલ્સની સંખ્યા કેટલી છે અને લાઉડ સ્પીકર બંધ કરાવવા માટે આવેલા કુલ ફોન કોલ્સમાંથી કેટલા કોલ્સ પર ત્વરિત કાર્યવાહી કરવામાં આવી, ક્યાં પ્રકારની કાર્યવાહી કરવામાં આવી અને શું કાર્યવાહી કરવામાં આવી તેની માહિતી મેળવવા પ્રયાસ કરાયો હતો.

રોજ તમામ પ્રકારના આવતાં કોલને નોંધવામાં આવે છે
જાહેર માહિતી અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટર (વહીવટ), પોલીસ કંટ્રોલ રૂમ, અમદાવાદ શહેરે 7 એપ્રિલ 2022ના પત્રથી માહિતી આપી હતી કે, પોલીસ કંટ્રોલ રૂમના ‘100’નંબર ઉપર રોજના આશરે 3500થી 4 હજાર તમામ પ્રકારના ફોન કોલ્સ આવે છે અને તે ફોન કોલ અન્વયે મેસેજ નોધવામાં આવતા હોય છે.

પોલીસ કંટ્રોલે સમયના અભાવે અમુક માહિતી ન આપી
અમદાવાદ પોલીસને લોકોએ 100 નંબર પર ફોન કરીને જાન્યુઆરી 2018થી 15 માર્ચ 2022 સુધી 34,459 ફરિયાદ કરી છે. જોકે આ ફરિયાદમાં કેટલી ફરિયાદમાં કંઈ કાર્યવાહી કરાઈ છે તે સામે આવ્યું નથી. પોલીસે જાહેર માહિતી અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટર (વહીવટ), પોલીસ કંટ્રોલ રૂમે મુદ્દા નંબર 2થી 4ની માંગેલી માહિતી શોધવામાં પોલીસનો અઘટિત સમય વ્યતિત થાય તેમ હોય પૂરી પાડી શકાય તેમ નથી તેમ જણાવ્યું હતું.

પોલીસ કંટ્રોલના ફોન કોલ્સનું એનાલિસીસ
લાઉડ સ્પીકરના પગલે ત્રાહિત લોકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ફરિયાદો કરે છે. આ મુદ્દે એક આરટીઆઈ કરવામાં આવી હતી. નાગરિકે કરેલી આરટીઆઈમાં પોલીસે 5 વર્ષના ફોન કોલ્સની આંકડાકીય માહિતી આપી છે. જેમાં વર્ષ 2018માં 5,253 હોવાનું જણાવ્યું છે. જોકે આ ફોન કોલ્સ જુલાઈથી ડિસેમ્બર 2018 સુધીના છે. એ સિવાયના ફોન કોલ્સના રેકર્ડ નીતિનિયમો અનુસાર નાશ કરાયા હોવાનું જણાવ્યું છે. 2019માં 12,664 ફોન કોલ્સ થયા હતા. 2020માં 6,704 ફોન કોલ્સ થયા હતા. 2021માં 7,570 ફોન કોલ્સ થયા હતા. તો 2022માં 15 માર્ચ સુધી 2,268 ફોન કોલ્સ લાઉડ સ્પીકરની ફરિયાદને લગતા થયા છે.

અન્ય સમાચારો પણ છે...