ખેલૈયાઓમાં માટે ખુશખબર:ગુજરાતમાં હવે રાતના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે, ગૃહ રાજ્યમંત્રીએ કર્યું ટ્વીટ

અમદાવાદ2 મહિનો પહેલા

નવરાત્રી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે લાઉડ સ્પીકર મામલે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકરની વગાડવાની છૂટ આપવામાં આવી છે. રાજ્ય સરકારે નવરાત્રીના નવ દિવસ દરમિયાન લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી 12 વાગ્યા સુધી કરી છે. જેના પગલે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકશે.

જ્યારે હોસ્પિટલ, કોર્ટ અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસનો 100 મીટર કે તેથી વધુનો વિસ્તાર સાઇલન્સ ઝોન જાહેર કરવામાં આવશે.

આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું કે, ગુજરાતની સંસ્કૃતિનો મહત્ત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા મા દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ, ઉત્સાહ, આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને 9 દિવસ રાત્રીના 12:૦૦ સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.

નવરાત્રીનું મહાત્મ્ય
આ વર્ષે શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી રહેશે. સોમવારથી દેવી આરાધનાનું પર્વ શરૂ થવું શુભ રહેશે. સોમવાર હોવાના કારણે દેવીનું વાહન હાથી રહેશે. જોકે, દેવીનું વાહન સિંહ છે, પરંતુ દરેક નવરાત્રીમાં માતા દુર્ગા અલગ-અલગ વાહન ઉપર સવાર થઈને ધરતી ઉપર આવે છે. દેવીનાં વિવિધ વાહન ઉપર સવાર થઈને આવવાથી તેનું અલગ-અલગ શુભ-અશુભ ફળ જણાવવામાં આવ્યું છે. ત્યાં જ, દશમ તિથિ બુધવારે હોવાથી દેવી હાથી ઉપર સવાર થઈને જ વિદાય લેશે.

દેવી ભાગવત પ્રમાણે માતા દુર્ગા જે વાહનથી પૃથ્વી ઉપર આવે છે, તેના પ્રમાણે વર્ષભરમાં થતી ઘટનાઓનું પણ આંકલન કરવામાં આવે છે. પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે દેવીનું વાહન હાથી હોવું શુભ રહે છે. આ શુભફળના લીધે વર્ષભર પાણી વરસતું રહે છે. માતાનું વાહન હાથી જ્ઞાન અને સમૃદ્ધિનું પ્રતીક છે. જેના કારણે દેશના લોકોનાં સુખ તથા જ્ઞાનમાં વધારો થશે અને તે સમૃદ્ધિનું સૂચક છે. તેનાથી સુખ વધશે. દેશની અર્થવ્યવસ્થા મજબૂત થશે. એટલે આ નવરાત્રિ શુભ રહેશે.

પૂજા કેવી રીતે કરો
1. નવરાત્રીમાં દેવીને શ્રૃંગારનો સામાન ચઢાવવો જોઈએ. નારિયેળ અને સાડી પણ ચઢાવવી જોઈએ. સુહાગનો સામાન અને જાસૂદનાં ફૂલ ચઢાવવાથી દેવી પ્રસન્ન થાય છે. તેનાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
2. નવ દિવસ સુધી વ્રત કે ઉપવાસ કરવો જોઈએ. તેના દ્વારા સ્વાસ્થ્ય સારું રહે છે અને તપ વધે છે. નવરાત્રીમાં આ પ્રકારે દેવીની આરાધના કરવાથી શક્તિ અને ઉંમર વધે છે.
3. નવરાત્રીમાં જરૂરિયાતમંદ લોકો અને કન્યાઓને ભોજન કરાવવાનું વિધાન દેવી ભાગવતમાં ઉલ્લેખવામાં આવ્યું છે. આવું કરવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે.

અન્ય સમાચારો પણ છે...