રથયાત્રાના થશે ‘દૂર થી દર્શન’:અમદાવાદમાં સમગ્ર રૂટ પર કર્ફ્યૂ સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે, તમામ બ્રિજ બંધ રહેશે, અષાઢી બીજે વરસાદની પણ આગાહી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રથયાત્રા નિજ મંદિર પરત નહીં ફરે ત્યાં સુધી તમામ બ્રિજ બંધ રહેશે
  • જેને પણ વેક્સિનના બે ડોઝ લીધા હશે તે ખલાસીઓને અગ્રિમતા અપાશે
  • રથયાત્રાના રૂટ પર તમામ દુકાનો અને પોળની બહાર પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો

અમદાવાદમાં રથયાત્રા યોજવાની સરકારે મંજૂરી આપી છે. આ અંગે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર રૂટ પર કર્ફ્યૂના અમલ સાથે રથયાત્રા યોજવામાં આવશે, પણ પ્રસાદ આપવામાં આવશે નહીં. તમામ ભક્તોએ ઓનલાઈન દર્શન કરવા પડશે. પૂર્વ અને પશ્ચિમને જોડતા તમામ બ્રિજ રથયાત્રા સવારે નીકળી અને પરત ન આવે ત્યાં સુધી બંધ રહેશે. રૂટ પર રહેતા લોકો ઘરે મહેમાનોને બોલાવી શકશે નહીં.

રથયાત્રાના દિવસે જ વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં આગામી બે દિવસમાં વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે, રથયાત્રાના દિવસે જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે. મહત્વનું છે કે હવે આગામી રથયાત્રાને લઈ અસમંજસની સ્થિતિ દૂર થઈ ગઈ છે, ત્યારે રથયાત્રાના દિવસે જ વરસાદ પડી શકે તેવું અનુમાન સેવાઈ રહ્યું છે. 12 જુલાઈએ રથયાત્રાના દિવસે જ વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં રથયાત્રાના દિવસે વરસાદી ઝાપટા સાથે વરસાદ પડી શકે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

શાહ મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે, CM પહિંદ વિધિ કરશે
ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, રથયાત્રાના સમગ્ર માર્ગ પર પ્રસાદના વિતરણ પર પ્રતિબંધ રહેશે. રથયાત્રા જ્યાંથી પસાર થવાની છે ત્યાં કર્ફ્યૂનો અમલ કરાવીને મંદિરથી પ્રસ્થાન કરીને નિજ મંદિરે પરત આવે ત્યાં સુધી દર્શનાથીઓ રથની નજીક આવીને કોરોના પ્રોટોકોલનો ભંગ ન કરે તે માટે કર્ફ્યૂના અમલ સાથે રથયાત્રા કાઢવાની પરવાનગી આપી છે. અમદાવાદની ઐતિહાસિક અને ભવ્ય રથયાત્રા છે તેમાં સવારે દેશના ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીની અંદર ઉપસ્થિત રહીને વર્ષોની પરંપરા અનુસાર હાજર રહેશે. સવારે રથના પ્રસ્થાનની પહિંદ વિધિ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મર્યાદિત લોકોની હાજરીમાં પહિંદ વિધિ કરીને પછી રથનું પ્રસ્થાન કરવામાં આવશે.

ઘરે બેઠા લાઈવ દર્શન કરી શકાશે
પ્રદિપસિંહે આગળ કહ્યું કે, આ જે ચિંતા કરી રહ્યા છે તેનું કારણ બીજી કોરોનાની લહેરનો આપણને અનુભવ છે અને સંભવિત ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર અત્યારે આગોતરું આયોજન કરી રહ્યું છે. તેમાં આના કારણે કોઈ સમસ્યા ઉભી ન થાય તે માટે આ પ્રોટોકોલ રાખવામાં આવ્યા છે. લોકોને હું વિનંતી કરું છું કે રથયાત્રાના લાઈવ કવરેજ કરવામાં આવનાર છે. જેથી કરીને જુદી જુદી પોળોમાં લોકો એકત્રિત થતાં હોય છે, સમૂહ ભોજન કરતાં હોય છે. તેવામાં કોરોના પ્રોટોકોલ હેઠળ જે પરવાનગી આપી છે તેમાં કોઈએ રોડ પર આવીને દર્શન કરવાના નથી અને ટીવી ચેનલના લાઈવ કવરેજના માધ્યમથી દર્શન કરવાના છે.

3 રથ અને મહંત સાથે પાંચ વાહનોને પરવાનગી
રથયાત્રામાં પાંચ જેટલાં વાહનો રથયાત્રાની પરંપરાગત 3 જેટલાં રથ, મહંત શ્રી સાથે પાંચ વાહનોને પરવાનગી આપવામાં આવશે. જે ખલાસીઓ રથ ખેંચતા હોય છે તેઓને 48 કલાક RT-PCR નેગેટિવ અને પ્રથમ ડોઝ રસીનો લીધો હોવો જોઈએ અને બંને ડોઝ લીધા હોય તેવા ખલાસીને અગ્રીમતા આપવામાં આવશે. નિયત માત્રાની અંદર અંતર રહે તેમજ નક્કી કરેલા લોકો સિવાય રથ પર કોઈ ઉપસ્થિત ન રહે તેની સૂચના આપવામાં આવી છે. જે લોકો રથયાત્રા સાથે જોડાશે તેમણે ફેસ કવર, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. કોરોનાની મહામારીની વચ્ચે પણ કોરોનાના કેસો સતત અભ્યાસ કરીને કયા પ્રકારે લોકોની આસ્થાનું જતન કરી શકાય તે માટે સીએમ રૂપાણી દ્વારા કોર કમિટીની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

હાથી, ટ્રકો, ભજન મંડળીઓ અને અખાડાઓ નહીં હોય
ખાસ કરીને અમદાવાદ શહેરની રથયાત્રા નીજ મંદિરથી નીકળીને સરસપુર મોસાળમાં નિયત કરેલાં સમયે નિયત કરેલા લોકો ઉપસ્થિત રહેશે અને નિયત સમય સુધી જ રોકાણ કરાશે અને ફરીથી નીજ મંદિર સુધી પહોંચે ત્યાં સુધીનું આયોજન કરાયું છે. આ વખતની રથયાત્રા પરંપરાગત રથયાત્રા કરતાં અલગ રીતે કરવામાં આવી છે. હાથી, ટ્રકો, ભજન મંડળીઓ અને અખાડાઓને મંજૂરી આપવામાં આવેલી નથી.

7 પોલીસ સ્ટેશનનો વિસ્તાર રથયાત્રા સાથે સંકળાયેલ છે અને તેમાં કર્ફ્યૂ લગાવવામાં આવશે. આગોતરી લોકોને જાણકારી આપવામાં આવી છે કે રથ નીજમંદરિથી નીકળી અને પરત ફરે ત્યાં પશ્ચિમ અને પૂર્વ અમદાવાદને જોડતાં તમામ બ્રિજ ટ્રાફિક માટે બંધ રાખવામાં આવશે.

પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો
રથયાત્રાને પગલે ગત વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભગવાનના મોસાળ સરસપુર ખાતે પણ આજથી પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રથયાત્રાના રૂટ પર તમામ દુકાનો અને પોળની બહાર પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે.

સરસપુર આવવાના તમામ રસ્તાઓ પર બંદોબસ્ત
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે 4 દિવસ જ બાકી છે ત્યારે તૈયારીઓને આખરી આપી દેવામાં આવ્યો છે. નિજમંદિર ખાતે એની પુરજોશમાં તૈયારી ચાલી રહી છે, સાથે જ ભગવાનના મોસાળ સરસપુર ખાતે પણ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સરસપુર રણછોડજી મંદિરે દર્શન માટે આવનારા ભક્તોનો ધસારો વધ્યો છે અને હજુ વધતો રહેશે. તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સરસપુર મંદિર,સરસપુરના મુખ્ય રોડ, પોળ તથા સરસપુર આવવાના તમામ રસ્તાઓ પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રથયાત્રાના બંદોબસ્ત માટે બહારથી આવેલી પોલીસ પણ સરસપુર ખાતે પહોંચી છે.
રથયાત્રાના બંદોબસ્ત માટે બહારથી આવેલી પોલીસ પણ સરસપુર ખાતે પહોંચી છે.

દર 50થી 100 મીટરના અંતરે પોલીસકર્મીઓ તહેનાત
રથયાત્રાના બંદોબસ્ત માટે બહારથી આવેલી પોલીસ પણ સરસપુર ખાતે પહોચી છે. દર 50થી 100 મીટરના અંતરે PSI અને 4 પોલીસકર્મી તહેનાત કરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને બહારથી આવેલા ઉચ્ચ અધિકારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરીને રૂટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પોલીસ ઉપરાંત CRPFની ટીમ પણ બંદોબસ્તમાં જોવા મળી હતી. રથયાત્રાના દિવસ સુધી હવે આ પ્રકારનો જ બંદોબસ્ત રાખવામાં આવશે.

પોલીસ અધિકારી-કર્મીઓને બંદોબસ્ત ફાળવી દેવાયો
રથયાત્રા આડે હવે માંડ 4 દિવસ બાકી છે ત્યારે બુધવારથી જ રથયાત્રાના આખા રૂટ પર પોલીસ-સુરક્ષાકર્મીનો બંદોબસ્ત ગોઠવાયો છે. રથયાત્રાના બંદોબસ્ત માટે હાલમાં એસઆરપીની 10 કંપની પણ તહેનાત કરી દેવાઈ છે. રથયાત્રા દર વર્ષની જેમ નિર્ધારિત રૂટ પર નીકળે એવી શક્યતા છે, જેથી હવે પોલીસે એ દિશામાં તૈયારીઓ શરૂ કરી દીધી છે.

પોલીસ ઉપરાંત CRPFની ટીમ પણ બંદોબસ્તમાં જોવા મળી હતી.
પોલીસ ઉપરાંત CRPFની ટીમ પણ બંદોબસ્તમાં જોવા મળી હતી.

દરેક પોલીસ સ્ટેશનમાંથી 70 કર્મચારી મુકાયા
રથયાત્રાના રૂટમાં આવતાં પોલીસ સ્ટેશન સિવાયનાં તમામ પોલીસ સ્ટેશનોમાંથી પીઆઈ અને 50થી 70 પોલીસકર્મીને રથયાત્રાના રૂટ પર બંદોબસ્ત માટે બોલાવાયા છે. બહારથી આવનારા પોલીસકર્મચારીઓ પણ આજે આવી પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...