તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રામાં DB ફર્સ્ટ:ભગવાન જગન્નાથના રથ ખમાસા AMC ઓફિસ ખાતે પાંચ મિનિટ રોકાશે, એકાદ કલાકમાં સરસપુર મંદિરે પહોંચી જશે

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • કૉપી લિંક
  • અમદાવાદના શાસકો ભગવાનના દર્શન કરી શહેરની રક્ષા અને સુખાકારી માટે પ્રાર્થના કરશે.
  • રથયાત્રામાં માત્ર એક જ સ્થળે રથ પાંચ મિનિટ રોકવા માટેનું આયોજન.
  • કોર્પોરેશન ખાતે સ્વાગત માટે માત્ર મર્યાદિત લોકો હાજર રહે તેવી વ્યવસ્થા ગોઠવાશે.

કોરોના મહામારીના કારણે ગત વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિસરમાં યોજવામાં આવી હતી. જો કે આ વર્ષે કોરોનાના કેસોની સ્થિતિ ધ્યાનમાં રાખી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામા આવશે. જો કે રથયાત્રા કાઢવાની સંપૂર્ણપણે તૈયારીઓ મંદિર અને સરકાર કરી રહી છે. કોરોનાની સ્થિતિને જોઈ વધુ લોકોની ભીડ ન થાય તેના માટે મર્યાદિત લોકોની હાજરીમાં ઝડપથી રથયાત્રા ફરીને મંદિર પરત આવે તેવું આયોજન થઈ રહ્યું છે. સૂત્રો મુજબ રથયાત્રા નિજમંદિરેથી નીકળી અને ખમાસા ખાતે AMC ઓફિસ (કોર્પોરેશન) ખાતે 5 મિનિટ માટે રથ રોકવામાં આવશે.

જૂનાગઢ ગીરનારના સંતો રથયાત્રામાં નહીં જોડાય
ખમાસા ખાતેની AMCની ઓફિસ ખાતે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિગ ચેરમેન, પક્ષના નેતા અને દંડક સહિત ભાજપના શાસકો દ્વારા ભગવાનનું સ્વાગત કરવામાં આવશે. પોલીસ દ્વારા કોર્પોરેશન ખાતે રથના સ્વાગત માટે મર્યાદિત લોકોની જ હાજરી રહે તેવી વ્યવસ્થા ગોઠવાશે. ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા યોજવા મામલે સરકાર ગુરુવારે જાહેરાત કરી શકે છે. આ વર્ષે જૂનાગઢ ગીરનારના સંતો રથયાત્રામાં નહીં જોડાય. મંદિરના સંતો અને અમદાવાદના કેટલાક સંતો જ રથયાત્રામાં જોડાઈ શકે છે.

રથ ખેંચવા કયા ખલાસી ભાગ લેશે તે નક્કી કરાશે
ખલાસી કૌશલભાઈએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રથ ટ્રેકટર મારફતે ખેંચીને કોઈપણ રીતે ન લઈ જઈ શકાય. રથને હાથેથી ખેંચીને જ લઈ જઈ શકાય છે. ખલાસીઓની ઝડપથી રથ ખેંચવાની પુરી તૈયારી છે. જો રથ ભીડ અને લોકો વગર આગળ વધે તો 5 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે એવી તૈયારીઓ કરી છે.1200માંથી 120 ક્યાં ખલાસીઓ લેવા તે નક્કી કરવા માટે બે દિવસમાં સમાજન આગેવાનોની મીટીંગ મળશે જેમાં નક્કી કરીશું કે કેવા ખલાસીઓ રથ ખેંચવામાં ભાગ લેશે. શારીરિક રીતે તંદુરસ્ત હોય તથા વેકસીન લીધેલી હોય અને રથ ખેંચવામાં અનુભવ વધારે હોય તેવા લોકોને રથયાત્રામાં રથ ખેંચશે તે લિસ્ટમાં સામેલ કરવામાં આવશે.

પરંપરાગત રૂટ પર જ રથયાત્રા યોજાશે
ઉચ્ચ સ્તરીય સૂત્રોએ DivyaBhaskarને જણાવ્યું હતું કે આ વર્ષે 144મી રથયાત્રામાં મર્યાદિત સંખ્યામાં ખલાસીઓ રથ ખેંચીને ભગવાનને નગરચર્યાએ લઈ જશે. વહેલી સવારે મુખ્યમંત્રીના હસ્તે પહિંદવિધિ બાદ રથયાત્રાના પરંપરાગત રૂટ પર જ રથયાત્રા યોજાશે, પરંતુ રસ્તામાં રથને કોઈપણ જગ્યાએ ઊભી રાખવામાં નહીં આવે. ખલાસીઓ રથને સતત ખેંચી એકથી બે કલાકમાં સરસપુર મંદિરે પહોંચી જશે. 10 જુલાઈના રોજ યોજાનારી ધ્વજારોહણ વિધિ અને નેત્રોત્સવમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજર રહેશે.

11 વાગ્યાની આસપાસ રથ સરસપુર ખાતે પહોંચશે
બપોરે 11 વાગ્યાની આસપાસ રથ સરસપુર ખાતે પહોંચશે.સરસપુરમાં 10 મિનિટ રથ રોકાશે, મામેરું અર્પણ કરાશે. રથ સરસપુર પહોંચ્યા બાદ દર વર્ષથી જેમ મહાજમણવાર નહીં થાય અને ભગવાન 10 મિનિટ જેટલું જ રોકાણ કરશે. મામેરાની વિધિ અગાઉથી પૂર્ણ કરી દેવામાં આવશે. સરસપુર ખાતે ભગવાનને મામેરું અર્પણ કરી તરત જ રથ રવાના કરી દેવામાં આવશે. બપોરે 12થી 1 વાગ્યાની આસપાસ રથ નિજમંદિરે પરત પહોંચી જશે. બપોર બાદ મંદિરમાં લોકો રથમાં બિરાજમાન ભગવાનના દર્શન કરી શકશે. મંદિરે તમામ દર્શનાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ અને ગાઇડલાઇન્સ મુજબ દર્શન કરશે.

નિજ મંદિરેથી નીકળી રથયાત્રા સરસપુર મંદિરે એકાદ કલાકમાં પહોંચશે
નિજ મંદિરેથી નીકળી રથયાત્રા સરસપુર મંદિરે એકાદ કલાકમાં પહોંચશે

રથયાત્રામાં લોકોને મગ-જાબુંનો પ્રસાદ અપાશે
જોકે પરંપરા અનુસાર, રથયાત્રામાં લોકોને મગ-જાબુંનો પ્રસાદ પણ આપવામાં આવશે. મર્યાદિત લોકોની હાજરીમાં જ રથયાત્રા યોજાય એવી પૂરી તૈયારીઓ કરી દેવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મંદિરના ટ્રસ્ટીઓ તેમજ મહંત સાથે રથયાત્રાને લઈ દરરોજ ચર્ચા કરવામાં આવી રહી છે. ભગવાન જગન્નાથની રથયાત્રા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહ રાજયમંત્રી સહિતના નેતાઓને પણ આમંત્રણ આપવામા આવશે.

ખલાસીઓના લીસ્ટ મંગાવવામાં આવ્યા
જમાલપુર જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા કાઢવા મામલે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જગન્નાથ મંદિરમાં રથયાત્રા નિમિત્તે મગનો પ્રસાદ સ્વીકારવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકો દ્વારા મંદિરમાં પ્રસાદમાં મગ આપવામાં આવી રહ્યા છે. મંદિરનાં સૂત્રો મુજબ રથયાત્રામાં ત્રણેય ભગવાનના રથ ખેંચવા માટે ખલાસીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે. જે ખલાસીઓએ વેક્સિન લઈ લીધી છે તેમના લિસ્ટ મગાવવામાં આવ્યા છે.

એક રથ સાથે માત્ર 40 ખલાસી હાજર રહેશે
એક રથ સાથે માત્ર 40 ખલાસી હાજર રહેશે, જેને લઈ ખલાસીઓનું લિસ્ટ પણ મગાવવામાં આવ્યું છે. 150 જેટલા ખલાસીઓને જ હાજર રાખવામાં આવશે. આ તમામ 150 ખલાસી એવા હશે, જેમને વેક્સિનેટેડ કરી દેવાયા હશે. રથયાત્રા પહેલાં મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને જગન્નાથ મંદિરમાં સેવા આપતા મોટા ભાગના સેવકોએ વેક્સિન લઈ લીધી છે. રથયાત્રા પહેલાં જોડાનારા સેવક- સ્વયંસેવકોએ વેક્સિન લેવાની રહેશે, જેના માટે જગન્નાથ મંદિર પરિસરમાં પણ વેક્સિનનો કેમ્પ લગાવવામાં આવ્યો છે.

રથયાત્રાને લઈ પોલીસ પણ તૈયારી કરી રહી છે
ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ પોલીસ પણ તૈયારી કરી રહી છે. એક મહિનાથી પોલીસ દ્વારા રથયાત્રાના સંભવિત પ્લાન માટે પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે, જેમાં પોલીસ કર્ફ્યૂ, જનતા કર્ફ્યૂ અને સામાન્ય રથયાત્રા પર વિચાર કરી રહી છે અને કોઇપણ સંજોગોમાં રથયાત્રા નીકળે એ માટે પ્લાન અને વિચારણા હાથ ધરી છે. અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં અને અન્ય વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને ફલેગ માર્ચ શરૂ કરી દેવામાં આવ્યું છે. એની સાથે માથા ભારે તત્ત્વોની અટકાયત કરવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસ દ્વારા રથયાત્રાના માર્ગમાં આવતાં પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટિંગ પણ હાથ ધરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...