તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્ચ્યુઅલ મામેરું:સરસપુરમાં 'નાથ'નું મહારાષ્ટ્રીયન વસ્ત્રો-આભૂષણો સાથેનું મામેરું ભરાયું, મહિલાઓ ઉમટી પડી, ચેવડા-પેંડાનો પ્રસાદ વહેંચાયો

અમદાવાદએક મહિનો પહેલા
સરસપુર મંદિરમાં ભગવાનના મામેરાની તસવીર.
  • કોરોનાને કારણે મીડિયા અને ઓનલાઇન માધ્યમથી મામેરાનાં દર્શન કરી શકશે
  • મામેરું કરનારા પરિવારને રથયાત્રા માટે 35 પાસ બનાવી આપવામાં આવશે
  • ભક્તો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પેજ પર મામેરાના દર્શન કરી શકશે

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે. કોરોનાની ગાઇડલાઇન્સ મુજબ, આ વર્ષે રથયાત્રા મર્યાદિત લોકોની હાજરીમાં યોજાય એવી શક્યતા વચ્ચે ભગવાનના મોસાળ પક્ષ તરફથી મામેરાની તૈયારીઓ પણ ચાલી રહી છે. આજે સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં ભગવાનના મામેરાનાં દર્શન ફેસબુક પર Rathyatra In Saraspur પેજ તથા ઈન્સ્ટાગ્રામ પર rathyatra_in_saraspur પેજ કર્યા હતા. આ દરમિયાન મંદિરમાં ભક્તોને ચેવડા-પેંડાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. ઓનલાઈન દર્શન રાખવા છતાં મોટી સંખ્યામાં મહિલાઓ મંદિરમાં 'નાથ'ના દર્શન માટે ઉમટી હતી. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી માટે આ વર્ષે મામેરામાં મહારાષ્ટ્ર પહેરવેશના પાઘડી સહિતના વાઘા બનાવવામાં આવ્યા છે.

રાત્રે 8 સુધી મામેરાનાં દર્શન
રાતે 8 વાગ્યા સુધી મામેરાનાં ભક્તો દર્શન કરી શકશે. મંદિરમાં કોરોનાની ગાઇડલાઇન્સ પ્રમાણે, લોકોને દર્શન કરવા દેવામાં આવશે. સરસપુર મંદિરના ટ્રસ્ટી ઉમંગ પટેલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાને કારણે દરેક ભક્તને વિનંતી છે કે મીડિયા માધ્યમથી અને ઓનલાઈન ભગવાનના મામેરાનાં દર્શન કરે. કોરોનાની ગાઈડલાઈન્સ હોવાથી લોકો મંદિરે રૂબરૂ દર્શનની જગ્યાએ ઓનલાઇન દર્શનનો લાભ લે.

ભગવાનના મામેરાના દર્શન
ભગવાનના મામેરાના દર્શન

મર્યાદિત સંખ્યામાં લોકો હાજર રહેશે
શહેર કોટડા પીઆઇ એસ.જે રાજપૂતે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મર્યાદિત લોકો અને કોરોનાની ગાઇડલાઇન્સ મુજબ દર્શન કરી શકશે. મંદિર તરફથી તેમણે મર્યાદિત લોકોને જ બોલાવ્યા છે એમ જણાવવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ-બંદોબસ્ત મંદિરે રાખવામાં આવશે.

ભક્તોમાં ચેવડા-પેંડાનો પ્રસાદ વહેંચાયો
ભક્તોમાં ચેવડા-પેંડાનો પ્રસાદ વહેંચાયો

સેટેલાઈટના ભાવિ ભક્ત મામેરું કરશે
મૂળ ભગવાનના મોસાળ સરસપુરના રહેવાસી અને હાલ સેટેલાઈટમાં રહેતા મહેશભાઈ ઠાકોર તરફથી આ વર્ષે રથયાત્રામાં ભગવાનનું મામેરું કરવામાં આવશે. મહેશભાઈના પિતા ભગવાનદાસભાઈ 50 વર્ષથી મામેરું કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. તેઓ રણછોડજી મંદિરના ટ્રસ્ટ સાથે સતત સંપર્કમાં હતા અને અંતે આ વર્ષે નંબર આવ્યો. આ વર્ષે પણ કોરોનાની સ્થિતિ છે ત્યારે મામેરું પરંપરાગત રીતે જ કરવામાં આવશે. સરકાર દ્વારા જાહેર કરાયેલી તમામ ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવશે. મામેરું કરનારા પરિવારને 35 પાસ પણ બનાવી આપવામાં આવશે. પાસ આપવામાં આવ્યા છે તે વ્યક્તિઓ જ મામેરા સમયે હાજર રહી શકશે.

મામેરાનો અવસર મેળવનાર મહેશભાઈ ઠાકોર.
મામેરાનો અવસર મેળવનાર મહેશભાઈ ઠાકોર.

50 વર્ષે મામેરું કરવાની ઈચ્છા પૂરી થઈ
મામેરું કરનાર યજમાન મહેશભાઈ ઠાકોરે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે વર્ષોથી સરસપુરમાં રહેતા હતા. દર વર્ષે રથયાત્રા નીકળે ત્યારે અમને મામેરું કરવાની ઈચ્છા થતી હતી. છેલ્લાં 50 વર્ષથી મારા પિતા પ્રયત્ન કરતા હતા. મંદિરના ટ્રસ્ટનો પણ સંપર્ક કર્યો હતો અને મામેરા માટે નામ આપેલું હતું, પરંતુ છેલ્લાં 4-5 વર્ષથી ચિઠ્ઠીઓ ઉછાળીને નામ પસંદ કરવામાં આવતું હતું, જેમાં આ વર્ષે અમારું નામ ખૂલ્યું હતું. મામેરું કરવા મળશે એવી વાત સાંભળીને મારા પિતા ખૂબ જ ખુશ થયા છે.

ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પેજ પર મામેરું જોઈ શકાશે
ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પેજ પર મામેરું જોઈ શકાશે

મામેરામાં મહારાષ્ટ્રિયન વસ્ત્રો
આ વર્ષે ભગવાનનું મામેરું કરવાનો અવસર મળ્યો છે ત્યારે એમાં કોઈ કચાશ નહીં રહે. અમે મામેરા માટે મહારાષ્ટ્રિયન વસ્ત્રો અને દર વર્ષની જેમ આભૂષણ તૈયાર કરાવ્યા છે. ઘરે પણ પૂરેપૂરી તૈયારી કરવામાં આવી રહી છે. અમારા સેટેલાઇટ ખાતેના નિવાસસ્થાને 6 જુલાઈએ ભગવાનને લાવવામાં આવશે અને તેમનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવશે. એ બાદ ભગવાનને ઘરમાં બિરાજમાન કરાશે. આ દરમિયાન લોકો મામેરાનાં દર્શન કરી શકે એ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ભગવાનના મામેરામાં 35 લોકો હાજર રહ્યા
ભગવાનના મામેરામાં 35 લોકો હાજર રહ્યા