કોરોનાનું સંક્રમણ:GLSમાં લૉનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ, ઓફલાઈન પરીક્ષામાં કોરોના થયાનો પહેલો કેસ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • 7મા સેમના વિદ્યાર્થીએ બે પેપર આપ્યા પછી ચેપની જાણ થઈ
  • સાથે પરીક્ષા આપનારા અન્ય વિદ્યાર્થી, સુપરવાઈઝરે કોરોના ટેસ્ટ કરાવવો પડશે

જીએલએસ કેમ્પસની એલ એ શાહ લો કોલેજમાં પાંચ વર્ષના ઈન્ટિગ્રેટેડ લો કોર્સના સાતમાં સેમિસ્ટરનો વિદ્યાર્થી બે પેપર આપ્યા પછી પોઝિટિવ આ‌વ્યો છે. વિદ્યાર્થી સત્તાવાળાને ઈમેલથી જાણ કરીને 14 દિવસ માટે હોમ ક્વોરન્ટાઈન થઈ ગયો છે. વિદ્યાર્થીએ ક્લાસ રૂમમાં પરીક્ષા આપી હતી તેને બંધ કરી દેવામાં આવ્યો છે. તેમજ તેની સાથે પરીક્ષામાં બેસનારા અન્ય વિદ્યાર્થી અને સુપરવાઈઝરને કોરોનાનો ટેસ્ટ કરાવી લેવા કહેવાયું છે. જે વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે તેને શરદી કે તાવ સહિતના કોઈ લક્ષણ ન હતા.

આ વિદ્યાર્થીએ જણાવ્યું કે, 7 જાન્યુઆરીએ તેની મમ્મીને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. કોલેજમાં થર્મલ સ્કેનરથી ચકાસણી થઈ હતી, પરંતુ મને તાવ, શરદી કે અન્ય કોઈ લક્ષણ નહોતા. છતાં સત્તાવાળાઓને આ અંગેની જાણ કરી છે. જેથી કોલેજ તકેદારીના યોગ્ય પગલાં લઈ શકે અને ચેપ અન્યને ફેલાતો અટકાવી શકાય.

આ અંગે જીએલએસ લો કોલેજના પ્રિન્સિપાલ ડો. મયુરીબેન પંડયાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

પરીક્ષા ખંડને સીલ કરી દેવામાં આવ્યો
ગુજરાત યુનિવર્સિટીના લો ફેકલ્ટી ડીન ડો. ઋષિકેશ મહેતાએ જણાવ્યું હતું કે, લો ફેકલ્ટીની પરીક્ષા આપનારા જે વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવ્યો છે.તેણે જે પરીક્ષાખંડમાં પરીક્ષા આપી છે તે પરીક્ષા ખંડ બંધ કરી દેવાયો છે. આ પરીક્ષા ખંડમાં પરીક્ષા આપનારા અન્ય વિદ્યાર્થીઓ તેમજ ક્લાસ સુપરવાઈઝરને તકેદારીના ભાગરૂપે કોરોનાનો ટેસ્ટ કરી લેવા માટે જણાવાશે અને જરૂર લાગશે તો હોમ ક્વોરન્ટાઈન કરવાનું કહેવાશે.

અન્ય સમાચારો પણ છે...