રશિયા-યુક્રેન યુદ્ધને લીધે ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવ ઉછળીને બેરલ દીઠ 139 ડોલરની સપાટી વટાવી ગયા હોવાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો ઝીંકાવાની લોકોને દહેશત છે. વધારામાં 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂરું થતાં સરકાર સોમવારે મધરાતથી જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં લિટરે રૂ.10નો વધારો કરશે તેવી ભીતિને લીધે શહેરના તમામ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઇનો લાગી હતી.
લોકોએ ભાવ વધારા પહેલા શક્ય એટલું પેટ્રોલ-ડીઝલ પૂરાવી લેવા પમ્પો પર લાઇન લગાવતા કેટલાક પેટ્રોલ પમ્પે સ્ટોક ખૂટી ગયો હોવાના પાટિયા મારી પમ્પ બંધ કરી દીધા હતા. પેટ્રોલ પમ્પના કેટલાક ડિલરોના જણાવ્યા અનુસાર ભાવવધારાની દહેશતે સામાન્ય દિવસની સરખામણીએ પેટ્રોલ-ડીઝલના વેચાણમાં 20થી 25 ટકાનો વધારો થયો હતો.
પેટ્રોલ પમ્પ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે, કેટલાક પેટ્રોલ પમ્પ બહાર વાહનોની લાંબી લાઇનને કારણે રોડ પર પણ ટ્રાફિક જામ થઈ ગયો હતો. તેમણે કહ્યું કે, રવિવારે પણ સામાન્ય દિવસો કરતા પેટ્રોલ-ડીઝલના વેચાણમાં વધારો થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.