ઇન્જેક્શન મળશે?:અમદાવાદમાં રેમડેસિવિર માટે 1 કિમી લાંબી લાઈન, AMCએ લારી-ગલ્લા બંધ કરાવતા પાણીના પણ ફાંફાં, સોલા પોલીસે તરસ મટાડી

અમદાવાદ2 વર્ષ પહેલા
ઝાયડસ બહાર ઈન્જેક્શન લેવા પહો�
  • અમદાવાદમાં ઝાયડસ દ્વારા આજથી રેમડેસિવિર ઈન્જેક્શનનું વેચાણ શરૂં કરાયું
  • ઝાયડસની બહાર ઈન્જેક્શન લેવા મોટી સંખ્યામાં લોકો પહોંચતા 1 કિ.મી લાંબી લાઈન લાગી
  • તડકામાં ઊભેલા લોકોની મદદ માટે સોલા પોલીસે આગળ આવીને પાણીની બોટલોનું વિતરણ કર્યું

રાજયમાં રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવા માટે પડાપડી થઈ રહી છે. સુરત શહેરમાં હોસ્પિટલ લાંબી લાઈન બાદ આજે અમદાવાદ શહેરમાં થલતેજમાં આવેલી ઝાયડ્સ હોસ્પિટલમાં આજથી રેમડેસિવિર ઈન્જેક્શનનું વેચાણ શરૂ કરાયું છે. એવામાં હોસ્પિટલ બહાર વહેલી સવારથી જ રેમડેસીવીર ઈન્જેકશન મેળવવા માટે લોકો લાઈનમાં ઉભા રહી ગયા હતા. સવારે 6 વાગ્યાથી લોકો લાઈનમાં હતા.

હોસ્પિટલ બહાર 1 કિલોમીટરથી વધુ લાંબી લાઈન લાગી ગઈ હતી. હાલની સ્થિતિએ 700 લોકોને ટોકન આપવામાં આવ્યા છે. ટોકન આપવામાં આવશે તે મુજબ ઇન્જેક્શન આપવામા આવી રહ્યા છે. ઈન્જેક્શન લેવા માટે વહેલી સવારથી તડકામાં ઊભેલા લોકોને રાહત માટે પોલીસ મદદે દોડી આવી હતી. કલાકોથી તડકામાં ઉભેલા લોકોને સોલા પોલીસે પાણીની બોટલનું વિતરણ કર્યું હતું.

સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા પોલીસ પહોંચી
ઝાયડ્સ હોસ્પિટલની બહાર મોટી લાઈન અને સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા ઈન્ચાર્જ ડીસીપી મુકેશ પટેલ અને સોલા પોલીસ દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરવામાં આવી હતી. સોલા પોલીસ દ્વારા માઇકથી એનાઉસમેન્ટ કરી માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા લોકોને અપીલ કરવામાં આવી હતી. હાલની સ્થિતિએ જેટલા લોકોને ટોકન મળ્યા છે તેટલા લોકોને જ ઇન્જેક્શન આજે આપવામાં આવી રહ્યા છે.

ઝાયડસ બહાર લોકોની 1 કિમી લાંબી લાઈન
ઝાયડસ બહાર લોકોની 1 કિમી લાંબી લાઈન

જરૂર વિના ઈન્જેક્શન લેવાથી કિડની-લીવરને અસર
શહેરમાં કોરોનાના વધતા સંક્રમણને પગલે રેમડેસિવિર ઈન્જેકશન ખરીદવા માટે લાઈનો લાગતા ફિઝિશિયન ડો. પ્રવિણ ગર્ગે કહ્યું કે, ખાનગી હોસ્પિટલના કેટલાક તબીબો આડેધડ દર્દીઓને રેમડેસિવિર ઈન્જેકશન પ્રિસ્ક્રિપ્શન કરી રહ્યા છે. કારણ વગર દર્દીને રેમડેસિવિર ઈન્જેકશન આપવામાં આવે તો દર્દીના કિડની અને લીવર પર માઠી અસર થવાની સંભાવના છે.

સોલા પોલીસે લોકોને પાણીની બોટલો વિતરણ કરી
કાળઝાળ ગરમીમાં લાઈનમાં ઉભા રહી પોતાના સ્વજન માટે ઇન્જેકશન લેવા આવેલા લોકોને પાણીની જરૂરિયાત ઉભી થઇ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઈકાલ શનિવારથી જ પાનના ગલ્લાઓ બન્ધ કરી દેવામાં આવ્યા છે. કાળઝાળ ગરમીમાં પાણી માટેની ક્યાંય વ્યવસ્થા ન હોય સોલા પોલીસ દ્વારા લાઈનમાં ઉભેલા લોકોને પાણી આપવામાં આવ્યું હતું. સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી જાડેજાએ લોકોને પાણીની બોટલોનું વિતરણ કરાવ્યું હતું. પોલીસ દ્વારા કાળઝાળ ગરમીમાં પાણી પૂરું પાડવામાં આવતાં લોકોએ પોલીસનો પણ આભાર માન્યો હતો.

આજથી ઝાયડસમાં રેમડેસિવિરનું વેચાણ શરૂં
ઉલ્લેખનીય છે કે આ ઝાયડસ હોસ્પિટલ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી લોકોને જરૂરિયાત મુજબ ઈન્જેક્શનનું વેચાણ કરાતું હતું. જોકે સ્ટોક ખૂટી પડતા ઝાયડસ કંપનીએ ગઈકાલે તેનું વેચાણ બંધ કર્યું હતું. જેના કારણે આજે કોરોનાના દર્દીઓના પરિવારની ચિંતામાં વધારો થયો હતો. જોકે આજથી ફરી ઝાયડસ રેમડેસિવિર ઈન્જેકશનનું વેચાણ શરૂ કરાતા મોટી સંખ્યામાં દર્દીના સ્વજનો ત્યાં પહોંચી ગયા હતા.