અમદાવાદમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જાય છે. પોલીસની ઢીલી નીતિના પાપે અસામાજિક તત્વોનો ત્રાસ વકરતો હોવાની શહેરીજનોમાંથી રાવ ઉઠી રહી છે.શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો છે. શહેરના ચંડોળા તળાવ નજીક કેટલાક અસામાજિક તત્વોએ રોફ જમાવવાની કોશિષ કરી હતી. હથિયારો સાથે ઘસી આવેલ શખ્સોએ સ્થાનિકો પર હુમલો કર્યો હતો. હુમલાનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
મારામારીમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરમાં ચંડોળા તળાવ પાસે ક્રિકેટ મેચ રમવા બાબતે સ્થાનિકો અને પરપ્રાંતિયો વચ્ચે તકરાર થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ક્રિકેટ મેચ રમવા અંગે થયેલી માથાકુટમાં ત્યાં આવેલા સ્થાનિકોને પરપ્રાંતિય લોકોએ લાકડીઓથી માર માર્યો હતો. તેમને દોડાવી દોડાવીને માર્યા હતાં. આ ઘટનામાં અનેક લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી. જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે.
વિસ્તાર કેટલીક શકમંદ ગતિવિધિઓ માટે બદનામ
આ વિસ્તાર કેટલીક શકમંદ ગતિવિધિઓ માટે બદનામ છે. ત્યાં અનેક વખત પરપ્રાંતિય લોકોનો ઉપદ્રવ વધતાં તેમને બહારની એજન્સીઓએ આવી ડિટેઈન કરીને વિદેશમાં મોકલી દીધા છે. આ ઘટનામાં પણ અન્ય દેશના ગેરકાયદે વસવાટ કરતા હોય તેવા લોકો સામેલ હોય તેવી ચર્ચા છે. હાલ પોલીસે આ સંદર્ભે કોઈ પોલીસ ચોપડે કાર્યવાહી નથી કરી.આ અંગે ઇસનપુર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી ડી ગોહિલે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે ,આ બબાલ અંગે અમે ફરીયાદ નોંધી છે.આ લોકો બાંગ્લાદેશના હોય તેવું અમારા ધ્યાન પર આવ્યું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.