વિરોધ:અમદાવાદના ગોમતીપુર વોર્ડમાં સંકલન સમિતિની મીટિંગના સ્થાનિકોએ ગંદા પાણીની બોટલો સાથે દેખાવ-સૂત્રોચ્ચાર કર્યા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોમતીપુર વોર્ડની ઓફિસ બહાર વિરોધ કરતા સ્થાનિકો - Divya Bhaskar
ગોમતીપુર વોર્ડની ઓફિસ બહાર વિરોધ કરતા સ્થાનિકો
  • પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ કમિશનરની અધ્યક્ષતામાં ગોમતીપુર વોર્ડમાં સંકલન સમિતિની બેઠક

અમદાવાદના પૂર્વ ઝોનમાં ખાતે આજે શનિવારે આસિસ્ટન્ટ કમિશનર હિતેશ ગજ્જરના અધ્યક્ષ સ્થાને ગોમતીપુર વોર્ડના ડેપ્યુટી સિટી એન્જિનિયર તેમજ તમામ વિભાગના અઘિકારીઓની સાથે સંકલન સમિતિની મીટીંગ મળી હતી. જેમાં ગોમતીપુરના કાઉન્સિલર ઇકબાલ શેખ, ઝુલ્ફિખાન, કમળાબેન, રૂકસનાબેન વિસ્તારના આગેવાનો અને નાગરીકો હાજર રહ્યા હતાં. સ્થાનિક નાગરિકોએ પ્રદુષણયુક્ત ગંદા પાણીની ફરિયાદ કરી હતી. ગંદા પાણીની બોટલો સાથે દેખાવ અને સૂત્રોચાર કર્યા હતા. સમિતિની બેઠકમાં ગોમતીપુર વોર્ડમાં 22 જેટલી જનરલ ફરિયાદો, 5 મેલેરિયાની 12 હેલ્થ સફાઈને લગતી, 13 પોલ્યુશનની ફરિયાદોની યાદી સાથે આવેદન આપી ઉગ્ર રજુઆત કરી હતી.

આસિસ્ટન્ટ કમિશનર હિતેશ ગજ્જરના અધ્યક્ષ સ્થાને ગોમતીપુર વોર્ડમાં મળેલી બેઠકની તસવીર
આસિસ્ટન્ટ કમિશનર હિતેશ ગજ્જરના અધ્યક્ષ સ્થાને ગોમતીપુર વોર્ડમાં મળેલી બેઠકની તસવીર

અગાઉ અર્જુન મોઢવાડિયાએ ગંદકીનો વીડિયો ટ્વીટ કર્યો હતો
નોંધનીય છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા જાળવવા લોકોને આગ્રહ કરે છે અને પોતે ખુદ સ્વચ્છતાના આગ્રહી છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ ગત વર્ષે પાંચમા સ્થાને હતું. પરંતુ હવે તેનાથી પણ નીચેના સ્થાને રહેશે. કારણ કે અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલાં જોવા મળી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કચરો ઉપાડવામાં ન આવતો હોવાની અનેક ફરિયાદો મળી છે. કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડીયાએ પણ થોડા દિવસો અગાઉ જમાલપુર વિસ્તારમાં કચરાના ઢગલાનો વીડિયો ટ્વિટ કર્યો હતો. ત્યારબાદ કોર્પોરેશન તંત્ર દોડતું થયું હતું.

જમાલપુરનો વીડિયો ટ્વિટ કર્યો
આજે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને સિનિયર નેતા અર્જુન મોઢવાડીયાએ વીડિયો ટ્વિટ કરી લખ્યું હતું કે (અ)સ્વચ્છ ભારત, (અ)સ્વચ્છ અમદાવાદ! આ ડમ્પિંગ સાઈટ નહીં, પણ અમદાવાદનું જમાલપુર છે. હજારો લોકોની અવરજવરથી સતત ધમધમતા જમાલપુર ચાર રસ્તા અને રહેણાંક વિસ્તાર એવી ગંદકીથી ખદબદી રહ્યો છે કે, જાણે ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોને કોલેરા મહામારીમાં ઘકેલવાની કોઈ યોજના અમલમાં મુકી હોય.

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખની ટ્વિટથી સફાઈ થઈ
મોઢવાડીયાના ટ્વિટ બાદ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. તાત્કાલિક અસરથી અધિકારી જમાલપુર ખાતે પહોંચી જઈ સફાઈ કરી હતી. જો કે સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓએ બચાવ કર્યો હતો કે, જમાલપુર ચાર રસ્તા પાસેની ચાલી ખાતે મુખ્ય ગટર લાઈનની ખોદાણની કામગીરી ચાલી રહી છે. જેથી ચાલીનાં રહીશો દ્વારા રસ્તા પર કચરો નાંખવામાં આવે છે, તે જગ્યાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ઉચ્ચ અધિકારી દ્વારા રૂબરૂ સ્થળ મુલાકાત લઈ સફાઈ કામગીરી કરાવી છે. વધુમાં નાગરિકોને તેઓનો કચરો AMC દ્વારા મોકલવામાં આવતા ડોર ટુ ડોર વાહનમાં જ નાખવા માટે સમજાવ્યા હતા.