શહેરમાં આવેલા અનેક વિસ્તારોમાં હજી પાણી સહિત કેટલીક સુવિધાઓનો અભાવ છે. નાગરિકોને પોતાની પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવું પડી રહ્યું છે. જેનો હવે લોકો વિરોધ કરી રહ્યાં છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા લાંભા વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાથમિક સુવિધાઓ ન અપાતા આજે અપક્ષ કોર્પોરેટર કાળુ ભરવાડ સાથે સ્થાનિકો લોકોએ દેખાવો કર્યા હતા.
સ્થાનિકોએ કોર્પોરેશનની ઓફિસે થાળી-વેલણ વગાડી વિરોધ કર્યો
દક્ષિણ ઝોનની ઓફિસ ખાતે મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈને થાળી-વેલણ વડે દેખાવો કર્યા હતા. લાંભા વોર્ડમાં છેલ્લા ઘણા સમયથી રોડ-રસ્તા, પાણી અને ગટરની સુવિધા માટે લોકો વલખાં મારી રહ્યા છે. આ અગાઉ પણ તેઓએ વિરોધ કરી અને સુવિધાઓ માટે રજુઆત કરી કરી હતી છતાં તેઓએ કોઈ ધ્યાન ન આપતાં આજે ફરી વિરોધ કર્યો હતો.
મહિના અગાઉ પણ દેવાખો કર્યા હતા
નોંધનીય છે કે, આ અગાઉ જુલાઈ મહિનામાં પણ લાંભા વોર્ડમાં જ સ્થાનિક કોર્પોરેટર સાથે લોકોએ સુવિધાના અભાવે કોર્પોરેશનની કચેરીમાં વિરોધ કર્યો હતો. જોકે તેના મહિના બાદ પણ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી દેખાઈ રહ્યું. પરિણામે આજે ફરી વખત લોકો દ્વારા કચેરીએ જઈને વિરોધ કરવામાં આવ્યો હતો.
લાંભામાં ડ્રેનેજ લાઈનના અભાવે ગંદા પાણીનું તળાવ બની ગયું
લાંભા વિસ્તાર આમ પણ વિવિધ સમસ્યાઓને લઈને વગોવાયેલો છે ત્યારે નારોલ સર્કલથી અસલાલી સર્કલની વચ્ચે આવેલી કેટલીક સોસાયટીઓના રહિશો ડ્રેનેજ લાઈનની સમસ્યાને લઈને પરેશાન છે. આ રોડ પર આવેલી ટીપી 79માં ડ્રેનેજ એપ્રુવ્ડ હોવા છતાં ડ્રેનેજ લાઈન નંખાઈ ન હોવાથી આસપાસની 5 જેટલી સોસાયટીઓનું પાણી ખૂલ્લામાં વહી જાય છે. જેથી અહીં ગંદા પાણીનું તળાવ ભરાયું છે. સ્થાનિકો હેરાન થઈ ગયા છે. લાંભાની આ સમસ્યાને લઈને રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યાં છે.
સ્મશાનની હાલત પણ જર્જરિત છે
શહેરના લાંભા વિસ્તારને વિકાસથી વંચિત રાખવામાં આવી રહ્યો હોવાની ફરિયાદો અવાર નવાર થાય છે ત્યારે લાંભાના સ્મશાનની હાલત હજુ પણ જર્જરિત હોવાની ફરિયાદો ઉઠી છે. જ્યાં દીવાલ પણ બનાવવામાં નહી આવતી હોવાને કારણે અનેક સમસ્યા ઉભી થાય છે. આ બાબતે સ્થાનિક રહીશોએ મ્યુનિ. સમક્ષ લેખિતમાં કરેલી રજૂઆત પ્રમાણે લાંભા સ્મશાનગૃહને વ્યવસ્થિત કરવા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. જોકે, સ્મશાનની ફરતે દીવાલ પણ બનાવવામાં આવી રહી નથી. એટલું જ નહી પણ દીવાલ નહી હોવાને કારણે ત્યાં કુતરા અવારનવાર ફરતાં જોવા મળે છે. સ્મશાનની બાજુમાં જ આવેલા તળાવને ડેવલપ કરવા માટે મોટો ખર્ચ કરાય છે. ઉપરાંત સ્મશાનમાં ઇલેક્ટ્રીક ભઠ્ઠી મુકવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. તેમજ સ્મશાનમાં પાણી અને લાઇટ જેવી સુવિધા ઉભી કરવા તેમજ સ્મશાનની છતનું સમારકામ કરવા પણ રજૂઆત કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.