પાણીપૂરીની વાત આવે ત્યારે દરેકનું મન એ ખાવા માટે લલચાય છે, પરંતુ સામે ગુણવત્તા અને શુદ્ધતાનો સવાલ પણ આવે છે, ત્યારે અમદાવાદની એક કંપનીએ સૌપ્રથમ પાણીપૂરીનું લાઈવ મશીન બનાવ્યું છે, જેમાં ગ્રાહકની સામે જ લાઈવ મશીનમાં પાણીપૂરીની પૂરી બનશે અને ગ્રાહક જાતે મશીન વડે એમાં પાણી ભરીને ખાઇ શકશે.
કોન્ટેક્ટ લેસ પાણીપૂરી ગ્રાહકને મળશે
શહેરમાં આવેલી શેર ઇટ નામની કંપનીએ એક મશીન બનાવ્યું છે. આ મશીનમાં ગ્રાહકની સામે લાઈવ પાણીપૂરીની પૂરી તળવામાં આવશે. આ પૂરી તળ્યા બાદ કંપની દ્વારા જ ગ્રાહકને ચણા બટાટા અને રાગડાનો મસાલો આપવામાં આવશે. એ બાદ મશીનમાં ઓટોમેટિક સેન્સર દ્વારા પાણી આવશે, જેમાંથી ગ્રાહક પૂરીમાં પાણી પણ ભરી શકશે, આમ, એકદમ કોન્ટેકટ લેસ પાણીપૂરી ગ્રાહકને મળશે. એમાં શુદ્ધતા અને ગુણવત્તા પર કોઈ સવાલ નહિ રહે.
5 અલગ અલગ પ્રકારની પૂરી મળશે
એક જ જાતની પૂરી નહીં, પરંતુ 5 અલગ અલગ પ્રકારની સાઈઝ. એમાં નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના ખાઈ શકે એવી 5 સાઈઝની પૂરી રાખવાના આવી છે. આ ઉપરાંત પૂરીમાં પણ અલગ અલગ ફ્લેવર રાખવામાં આવી છે, જેમાં પેરી પેરી, પિત્ઝા, ક્રીમ એન ઓનિયન, લેમન ચિલ્લી, ટોમેટો. ગ્રાહક પોતાને ગમતી પૂરી જણાવે એ તળવામાં આવશે. આ ઉપરાંત મશીનમાં પણ 5 પ્રકારનાં પાણી રાખવામાં આવ્યા છે, જે ઓટોમેટિક પૂરી નીચે લઈ જતાં એમાં પાણી ભરાઈ જશે. આમ, ગ્રાહક એક જ સ્થળે અલગ અલગ પાણીપૂરીની મજા માણી શકશે.
આ કંપની રોજની 2 કરોડ પાણીપૂરી બનાવે છે
શેર ઇટ કંપનીના માલિક જયેશ પટેલે જણાવ્યું હતું કે આ અમારી કંપની રોજની 2 કરોડ પાણીપૂરી બનાવે છે. એમાં અમે તળેલી પૂરી પણ ગ્રાહકને આપીએ છીએ તથા જે ગ્રાહકને પાર્સલ કરવી હોય તો એને પણ તળેલી અથવા તળ્યા વિનાની એમ 2 વિકલ્પ આપીએ છીએ, એટલે ગ્રાહક પોતાના ટેસ્ટ મુજબ અલગ અલગ પાણીપૂરી ખાઈ શકે. અત્યારે અમે ફ્રેન્ચાઇસી મોડ પર પાયલોટ પ્રોજેકટ શરૂ કર્યો હતો, જે 2025 સુધીમાં અમારે 1250થી વધુ ફ્રેન્ચાઇસી આપવાનું લક્ષ્ય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.