નમસ્કાર,
આજે મંગળવાર છે, તારીખ 17 મે, વૈશાખ વદ-એકમ
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) સ્ટોક એક્સચેન્જ પર આજે LICના IPOનું લિસ્ટિંગ થશે
2) ગુજરાત યૂથ કોંગ્રેસ દ્વારા 'ગુજરાત માગે રોજગાર' કેમ્પેન હેઠળ ગાંધીનગરમાં શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કરાશે
3) જ્ઞાનવાપી મસ્જિદમાં કરાયેલા સર્વેનો રિપોર્ટ આજે વારાણસી સિવિલ કોર્ટમાં રજૂ કરાશે
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ઓવૈસીની બનાસકાંઠામાં સભા:AIMIM ચીફે કહ્યું - 'હું અલ્લાહથી ડરું છું મોદી અને યોગીથી નહીં'
AIMIMના ચિફ અસદુદ્દીન ઓવૈસીએ વડગામના મજાદર ખાતે સભા સંબોધી હતી. વિધાનસભાની ચૂંટણીને લઈ વડગામ બેઠક પર ચૂંટણીલક્ષી સભા યોજી અને ઓવેસીના ઉમેદવારને જીતાડવા અપીલ કરી હતી. જ્યારે ઓવૈસીએ જાહેરમાં કહ્યું હતું કે, હું અલ્લાહથી ડરું છું મોદી અને યોગીથી નહી.
2) મોંઘવારી સામે કોંગ્રેસ રસ્તા પર:રાજકોટમાં ગળા પર લીંબુ-મરચાં પહેરી કોંગ્રેસનું હલ્લાબોલ, મોંઘવારીનું બેસણું કરે એ પહેલાં ટીંગાટોળી સાથે અટકાયત
રાજકોટમાં આજે જિલ્લા કોંગ્રેસ-પ્રમુખ અર્જુન ખાટરિયાની અધ્યક્ષતામાં મોંઘવારી મુદ્દે વિરોધપ્રદર્શન યોજાયું હતું. લીંબુ-મરચાં પહેરી કોંગી કાર્યકરોએ બહુમાળી ભવન ચોક ખાતે હલ્લાબોલ મચાવ્યો હતો અને મોંઘવારીનું નાટકીય બેસણું યોજે એ પહેલાં કોંગી કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરવામાં આવી હતી.
3) કોળી સમાજમાં 'બખેડો': વર્તમાન અને પૂર્વ પ્રમુખ વચ્ચે હુંસાતુંસી, અજીત કોન્ટ્રાક્ટરે કહ્યું-'કુંવરજી સમાજના નામે રાજકારણ કરી મંત્રી બનેલા'
સુરતના કામરેજ ખાતે દાદા ભગવાન મંદિરમાં યોજાયેલા અખિલ ભારતીય કોળી સમાજનું રાષ્ટ્રીય સંમેલન મળ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે હુંસાતુસી શરૂ થઇ છે. કુંવરજી બાવળિયાને સસ્પેન્ડ કરાયા બાદ વિવાદનો મધપુડો છંછેડાયો છે. ત્યારે દિવ્ય ભાસ્કર સાથે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અજીત કોન્ટ્રાક્ટર(પટેલ)એ વાત કરતા કુંવરજી બાવળિયા ઉપર મોટા આક્ષેપો કરતાં કહ્યું કે, આ સંમેલનમાં હાજર ન રહીને બાવળિયાએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું છે. તથા સમાજના નામે રાજકારણ રમીને કુંવરજી કેબિનેટ મિનિસ્ટર બન્યાં હતાં.
4) જ્ઞાનવાપી મસ્જિદની અંદરથી મળ્યું શિવલિંગ:કોર્ટનો જિલ્લા પ્રશાસનને આદેશ- એ જગ્યાને સીલ કરીને લોકોના ત્યાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવે
જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. સરવે ટીમને પરિસરની અંદર શિવલિંગ મળી આવ્યું છે. આ વાત સામે આવ્યા બાદ વારાણસી કોર્ટે ડીએમને જ્યાંથી શિવલિંગ મળી આવ્યું છે એ જગ્યાને તાત્કાલિક સીલ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ અધિકારીઓને સ્થાનોની જાળવણી અને સુરક્ષાની વ્યક્તિગત જવાબદારી સોંપી છે.સરવે માટે ટીમ ત્રીજા દિવસે જ્ઞાનવાપી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ટીમે ત્યાં શિવલિંગ જોયું. સરવે ટીમમાં સામેલ હિન્દુ પક્ષના વકીલ હરિશંકર જૈને તરત વારાણસી કોર્ટમાં અરજી કરી, જેમાં કોર્ટને કહેવામાં આવ્યું હતું કે શિવલિંગ ત્યાંથી મળી આવ્યું છે. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ પુરાવા છે. CRPF કમાન્ડન્ટને જગ્યા સીલ કરવાનો આદેશ આપવાની માગ કરવામાં આવી હતી. વરિષ્ઠ ડિવિઝન જજ રવિ કુમાર દિવાકરે ડીએમને તાત્કાલિક સ્થળ સીલ કરવાનો આદેશ આપ્યો છે.
5) વડાપ્રધાન મોદીનો નેપાળ પ્રવાસ:PMએ કહ્યું- અયોધ્યામાં રામમંદિર બનવાથી નેપાળના લોકો પણ ખુશી અનુભવી રહ્યા હશે
બુદ્ધ પૂર્ણિમાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સવારે આશરે 10.30 વાગે નેપાળના લુંબિની પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે લોકોને સંબોધન આપતા કહ્યું કે માયા દેવી મંદિરમાં દર્શન કરવાનો જે અવસર પ્રાપ્ત થયો તે મારા માટે સૌભાગ્યની વાત છે. જ્યાં ભગવાન બુદ્ધે જન્મ લીધો ત્યાંની ચેતના અદ્ભુત છે. 2014માં જે છોડ રોપ્યો તે આજે વૃક્ષ બની ગયુ છે. નેપાળે પોતાના આધ્યાત્મિક આશીર્વાદથી મને કૃતાર્થ કર્યો છે. નેપાળ વગર અમારા રામ અધૂરા છે. આજે આયોધ્યામાં રામજીનું મંદિર બની રહ્યું છે તો નેપાળના લોકો પણ આ વાતની ખુશી અનુભવી રહ્યા હશે. નેપાળ સાથેના સારા સંબંધો ભારત માટે મોટી પૂંજી સમાન છે.
6) આસામમાં પૂર:7 જિલ્લામાં લગભગ 57 હજાર લોકો અસરગ્રસ્ત; રેલવેના પાટા હવામાં લટકી રહ્યા, સેના દ્વારા ટ્રેનમાં ફસાયેલા મુસાફરોને એરલિફ્ટ કરાયા
આસામમાં પૂરને કારણે સ્થિતિ વધુ વણસી ગઈ છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, રાજ્યના સાત જિલ્લામાં લગભગ 57,000 લોકો અસરગ્રસ્ત થયા છે, જ્યારે લગભગ 222 જેટલાં ગામો પૂરથી અસરગ્રસ્ત થયાં છે. શનિવારે દિમા હસાઓ જિલ્લાના હાફલોંગ વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં એક મહિલા સહિત ત્રણ લોકોનાં મોત થયાં હતાં.
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ધો.10-12નું પરિણામ જાહેર થવાની અફવા, દિવ્ય ભાસ્કરની તપાસમાં વાઈરલ પરિપત્ર ફેક નીકળ્યો, બોર્ડે પોલીસ ફરિયાદ કરી
2) વેપારી સંગઠનના પ્રમુખનું નિવેદન:‘GST લાગુ થયાના 4 વર્ષમાં 1100 ફેરફારો કરાયા પણ વેપારીઓને ભૂલ સુધારવા 1 તક નથી અપાતી’
3) કાલુપુર પોલીસ સ્ટેશન એક્ટર બનવાનું એક્ટિંગ ક્લાસ બન્યું, પોલીસકર્મીઓએ ફિલ્મી ડાયલોગનો વીડિયો બનાવ્યો, DCPએ સસ્પેન્ડ કર્યા
4) પડધરીના મોવિયામાં PGVCLના ઇજનેર પર હુમલો કરનાર ભાજપ નેતા સહિત 5ની જામીન અરજી કોર્ટે ફગાવી
5) જ્ઞાનવાપી પર મહેબૂબાએ કહ્યું- આ લોકો મસ્જિદોની લિસ્ટ આપી દે, ઓવૈસી બોલ્યા- જ્ઞાનવાપી કયામત સુધી ત્યાં જ રહેશે
6) ભાજપના પ્રવક્તાએ શરદ પવાર સામે વાંધાજનક ટિપ્પણી કરી હતી, NCPના કાર્યકરે થપ્પડ મારી દીધી
7) યુઝર્સે અમિતાભ બચ્ચનને મહાનાલાયક ને ડોસો કહ્યો, બિગ બીએ જડબાંતોડ જવાબ આપ્યો
8) બોલિવૂડમાં વધુ એક ડિવોર્સ:આમિર ખાનનો ભાણિયો ઈમરાન ખાન પત્નીને છૂટાછેડા આપશે, 2019થી બંને અલગ રહે છે
આજનો ઈતિહાસ
17 મે, 2010નાં રોજ ભારતીય બોક્સરે કોમનવેલ્થ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં તમામ છ ગોલ્ડ મેડલ જીત્યા હતા.
અને આજનો સુવિચાર
તમારી ઓળખ એ છે જે તમે સ્વયં કરો છો. ઓળખ એ નથી, જે તમે કરશો.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.