દારૂની હેરાફેરી:દિવાળી નજીક આવતા બુટલેગરો સક્રિય, અમદાવાદમાં ગોડાઉનમાં સંતાડેલો રૂ.18 લાખનો દારૂ પકડાયો

અમદાવાદ3 મહિનો પહેલા
દારૂ સાથે પકડાયેલા આરોપીઓ
  • બુટલેગરો ફોર્ચ્યુનર કારમાં દારૂની હેરાફેરી કરતા હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું

ગુજરાતમાં દિવાળી પહેલાં દારૂની રેલમછેલ કરવા માટે બુટલેગરો સક્રિય બની ગયા છે. અન્ય રાજ્યોમાંથી દારૂ ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદની ગ્રામ્ય પોલીસે ફતેહવાડી પાસે ફાર્મમાં સંતાડેલો લાખો રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો છે. પોલીસની તપાસમાં ફોર્ચ્યુનર કારમાં દારૂની હેરાફેરી કરાતી હોવાનું પણ સામે આવ્યું છે. હાલમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે.

ફોર્ચ્યુનર કારમાં દારૂની હેરાફેરી
તહેવારની સીઝનમાં અમદાવાદ અને આસપાસ મોટો પ્રમાણે દારૂનો જથ્થો છુપાડી રખાયો હોવાની જાણ પોલીસને થઈ હતી. જિલ્લા પોલીસે ફતેહવાડી પાસેના ફાર્મમાં રેડ કરીને લાખોની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી લીધો છે. તહેવારમાં બૂટલેગર દ્વારા દારૂનો સ્ટોક કરીને મોટી કિમતે વેંચતા હોય છે. હાલ પોલીસે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડીને મુખ્ય સૂત્રધારને પકડવા પ્રયાસ હાથ ધર્યા છે. આરોપીઓ દારૂનો જથ્થો ફોર્ચ્યુનર કારમાં લઈ જતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

18 લાખનો દારૂ ગોડાઉનમાં સંતાડ્યો હતો
18 લાખનો દારૂ ગોડાઉનમાં સંતાડ્યો હતો

18 લાખનો દારૂ જપ્ત થયો
અમદાવાદ જિલ્લા પોલીસને બાતમી મળી હતી કે, વીસલપુર ગામની સીમમાં ફતેવાડી કેનાલની બાજુમાં રામચંન્દ્રસિંહ ચૌહાણના કબ્જાવાળી જમીનમાં જય અંબે ફાર્મ નામની જગ્યામાં અન્ય બીજા ઇસમોની મદદથી વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. જેના આધારે રેઇડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મેકડોવેલ્સ નંબર-1, સુપ્રીરીયર વ્હીસ્કીની નાની-મોટી 8856 બોટલો તથા 378 નંગ પેટી મળી હતી. જેની કિંમત રૂ.18,14,400 જેટલી થાય છે. તથા ગુનો કરવા માટે ઉપયોગ લીધેલ વાહનો તથા મોબાઇલ મળીને કુલ રૂ.20,91,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ગઈકાલે 22 લાખનો દારૂ પકડાયો હતો
નોંધનીય છે કે, ગઈકાલે હરિયાણાના હિસારથી ભાવનગરના વરતેજ ગામે લવાતો વિદેશી દારૂ ભરેલું ટેન્કર અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી પાડ્યું હતું. પોલીસે ડ્રાઇવરને પૂછતાં ડામર હોવાનું જણાવ્યું હતું પરંતુ ટેન્કરના ઢાંકણા ખોલી જોતા ટેન્કરમાં ત્રણ કંપાર્ટમેન્ટમાં વિદેશી દારૂ હતો. આરોપી હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશથી દાહોદમાં દારૂ ઘુસાડી વડોદરા થઈ ભાવનગર જતો હતો ત્યારે ગ્રામ્ય એલસીબી પોલીસે વટામણ ચોકડીથી આ ટેન્કર ઝડપી લીધું હતું. 5820 જેટલી દારૂની બોટલો કિંમત રૂ. 22.78 લાખની કબ્જે કરી હતી. ડ્રાઇવરની ધરપકડ કરી હરિયાણાથી દારૂ ભરી આપનાર તેમજ મંગાવનારની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સાથે પોલીસે સ્થળ પરથી જયપાલસિંહ લાલસિંહ ચોહાણ (સનાથલ), ગોરધનસિંહ મોહનસિંહ રાજપૂત, મહેન્દ્રસિંહ માધુસિંહ રાજપૂત અને રાજેન્દ્રસિંહ ગણપતસિંહ રાજપૂત (ત્રણેય રહે.રાજસ્થાન)ને ઝડપી લીધા હતા. આ ઉપરાંત ફાર્મ હાઉસમાંથી એક કાર, એક રિક્ષા, એક બાઇક, પાંચ મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 20.91 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે મોડી રાતે કનુભાઈ કીર્તિભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. જો કે પોલીસ ગોડાઉનમાં પહોંચી તે પહેલા જ બુટલેગર રુદ્રદત્તસિંહ વાઘેલા અને મહેન્દ્રસિંહ ઉર્ફે મલ્ટી ફૂલસિંહ ચૌહાણ ફોર્ચ્યુનર કારમાં દારૂની 40 પેટી ભરીને ડિલિવરી માટે લઈ ગયા હતા. વધુમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, આ ટોળકી રાજસ્થાનથી ટ્રકમાં દારૂનો જથ્થો ભરીને લાવતી હતી અને રામચંદ્રસિંહના ફાર્મ હાઉસમાં ઉતારતી હતી. ત્યાર બાદ ફોર્ચ્યુનર તેમ જ અન્ય નાની ગાડીઓમાં દારૂની ડિલિવરી કરતા હતા. જ્યારે હાલમાં રામચંદ્રસિંહ, મહેન્દ્રસિંહ, રુદ્રદત્તસિંહ, શક્તિસિંહ ભગવતસિંહ ચૌહાણ અને કુલદીપસિંહ નાસતા ફરતા હોવાથી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.

રુદ્રદત્તસિંહ દારૂના પાંચ ગુનામાં વોન્ટેડ
રુદ્રદત્તસિંહ અમદાવાદ જિલ્લાનો લિસ્ટેડ બુટલેગર છે. તેની વિરુદ્ધ સાણંદ પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરીના પાંચ ગુના નોંધવામાં આવ્યા હતા, જેમાં તેને હજુ પકડવાનો બાકી હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.