અમદાવાદ શહેરમાં વારંવાર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ પર રેડ થઇ રહી છે. શહેર પોલીસના નાક નીચે દારુ બેફામ વેચાઈ રહ્યો છે. રાજ્યમાં ઇલેક્શન જાહેર થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેમ છતાં દારુ બેફામ વેચાણ થતાં અમદાવાદ શહેરના ઉચ્ચ અધિકારીઓ તેને રોકવામાં કે કેસો કરવામાં નિષ્ફળ રહ્યા હોવાની ચર્ચા થઇ રહી છે. તેવામાં સ્ટેટ મોનિટરિંગ સેલે સાબરમતી, રાણીપ, બાપુનગર અને શાહિબાગમાંથી મોટી માત્રામાં દારુ પકડતા ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને એક ઉચ્ચ અધિકારીએ ઠપકો આપ્યો હતો. બાદમાં સફાળી જાગેલી ક્રાઇમ બ્રાંચે ઘાટલોડીયા વિસ્તારમાંથી દારુ અને અન્ય મુદ્દામાલ સહિત 5.56 લાખની મત્તા કબ્જે કરી હતી.
અધિકારીઓ દ્વારા કાર્યવાહી ન કરતા ચર્ચાનો વિષય
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી બેફામ દારુ વેચાણ થઇ રહ્યો અને તેને સ્થાનિક પોલીસ ન પકડતી હોવાનો પુરાવો જાણે સ્ટેટ મોનિટરિંગ સેલે જ આપ્યો હોય તેમ લાગી રહ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદમાં અનેક જગ્યા પર જુગાર અને દારુના કેસો કર્યા હતા. જેમાં સાબરમતી વિસ્તારમાંથી પકડાયેલા જુગારના અડ્ડા રેડ કરી ચાર પોલીસ કર્મીઓને પકડી પાડ્યા હતા. જેમાં એક એજન્સીના એસીપીના વહિવટદાર, એજન્સીના પીઆઇના વહિવટદાર સહિત ચાર પોલીસકર્મી પકડાયા હતા. દરમિયનમાં પોલીસ સ્ટેશન નજીક રાણીપ વિસ્તારમાં જુગારના અડ્ડા પર રેડ કરી હતી. બાદમાં શાહિબાગ અને બાપુનગર વિસ્તારમાં દારુની રેડ કરવામાં આવી હતી. જોકે તમામ રેડોમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ક્વોલીટી કેસ કર્યો હતો. તેમ છતાં ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા ચર્ચાનો વિષય બન્યો હતો.
દારુના જથ્થા સહિત 5.56 લાખનો મુદ્દામાલ જપ્ત
વારંવાર અમદાવાદ શહેરમાં રેડો થવા છતાં પણ સ્થાનિક પોલીસ અને એજન્સી સક્રિય ન થતાં ચર્ચાનો વિષય બન્યો હતો. આખરે શહેરના એક ઉચ્ચ અધિકારીએ ક્રાઇમ બ્રાંચનો ઉધડો લીધો હતો. જેના કારણે ક્રાઇમ બ્રાંચ સફાળી જાગી હતી અને ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી શ્રીનાથ સોસાયટીમાંથી દારુનો ઝથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે આ કેસમાં ગણેશ સોલંકી, મોનજ સોલંકી, અર્જુન સોલંકી, અક્ષય ઠાકોર, સાહિલ ચૌહાણ અને ક્રિશ ઠાકોર સામે ગુનો નોધ્યો હતો. પોલીસે દારુના જથ્થા સહિત વાહનો, મોબાઇલ મળી કુલ 5.56 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે ક્રાઇમ બ્રાંચે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.