...એ દિવસ યાદ આવતા આંસુ સરી પડે છે:અમદાવાદના મજૂર ગામમાં લઠ્ઠાકાંડમાં પતિ ગુમાવનારની પત્નીએ કહ્યું- રોજ 100-150 કમાઈને બે દીકરાને મોટા કર્યા

અમદાવાદ22 દિવસ પહેલાલેખક: અર્પિત દરજી

બોટાદમાં બનેલા લઠ્ઠા કાંડની ઘટનાએ આજથી બરોબર 13 વર્ષ અગાઉ અમદાવાદમાં બનેલા લઠ્ઠાકાંડની ઘટનાને તાજી કરી દીધી છે. રસપ્રદ બાબત એ છે કે વર્ષ 2009ના જુલાઈ મહિનામાં જ અમદાવાદ શહેરના મજૂર ગામ વિસ્તારમાં લઠ્ઠાકાંડની ઘટના બની હતી. જેમાં દેશી દારૂ પીવાના કારણે આ વિસ્તારના અલગ અલગ પરિવારજનોએ અંદાજે 16 સ્નેહીજનોને ગુમાવ્યા હતા. આજે પણ એ ઘટનાને યાદ કરતા સ્વજનોને ગુમાવનાર પરિજનોની આંખમાંથી આંસુ સરી પડે છે.

મૃતક બાબુ ભાઈ સોલંકીના પત્ની જેનાબેને દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે આજે પણ એ દિવસે યાદ આવે છે ત્યારે આંખોમાંથી આંસુ આવી જાય છે. જો કદાચ તે જીવતા હોત તો તેમના પૌત્રને રમાડવાની તક મળી હોત. પતિના ગયા બાદ બંને દીકરાની જવાબદારી તેમના શિરે આવી પડી હતી. જેનાબેન પોતે પ્લાસ્ટિકના રમકડા બનાવતા કારખાનામાં છૂટક મજૂરી કરી રોજના 100-150 કમાઈને બંને દીકરાને મોટા કર્યા અને લગ્ન કરાવ્યા.