મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:લગ્નમાં 150 લોકોની જ મર્યાદા, રાજ્યમાં કોરોનાના 7476 નવા કેસ અને 3 મોત, સુરતમાં પહેલીવાર 2000ને પાર

4 મહિનો પહેલા

નમસ્કાર,
આજે બુધવાર છે, તારીખ 12 જાન્યુઆરી, પોષ સુદ-દશમ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજથી 22 જાન્યુઆરી સુધી રાજ્યમાં લગ્ન સમારોહમાં 150 લોકોની જ મર્યાદા 2) આજે અમદાવાદ, અમરેલી, કચ્છ, બનાસકાંઠામાં કાતિલ ઠંડી પડશે 3) આજે કેબિનેટની બેઠક, કોરોના, વેક્સિનેશન અને ઉત્તરાયણ મુદ્દે ચર્ચા થશે 4) પીએમ નરેન્દ્ર મોદી તામિલનાડુમાં 11 નવી સરકારી મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન કરશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

* રાજ્યમાં 7476 નવા કેસ અને 3 મોત, સુરતમાં પહેલીવાર 2000ને પાર, જૂન-ડિસેમ્બરના 6 મહિના કરતાં ડબલ કેસ જાન્યુઆરીના 11 દિવસમાં

રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 8 મહિના બાદ પહેલીવાર રાજ્યમાં 7 હજારથી વધુ કેસ આવ્યા છે. 24 કલાકમાં રાજ્યમાં 7476 નવા કેસ નોંધાયા છે. ત્રીજી લહેરમાં પહેલીવાર સુરતમાં 2 હજારથી વધુ કેસ નોંધાયા છે. વલસાડ, સુરત અને પોરબંદર જિલ્લામાં 1-1 દર્દી મળી રાજ્યમાં 3 દર્દીના મોત થયા છે.

વાંચો સમાચાર વિગતવાર

* લગ્ન સમારોહ માટે 150 વ્યક્તિની જ છૂટ, સામાજિક, ધાર્મિક અને રાજકીય સહિતના કાર્યક્રમોમાં પણ 150 લોકોની મર્યાદા

રાજ્યમાં કોરોના વિસ્ફોટને પગલે સરકાર એક બાદ એક નવા નિયંત્રણો જાહેર કરી રહી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરિકોના વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ ફેરફારો આવતીકાલે એટલેકે તારીખ 12 મી જાન્યુઆરી 2022થી અમલમાં આવશે અને અને તારીખ 22 જાન્યુઆરી 2022 ના સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં રહેશે.

વાંચો સમાચાર વિગતવાર

* છેડતીનો આક્ષેપ અને 10 કોર્પોરેટરનાં રાજીનામાં છતાં શહેજાદખાન પઠાણને AMCના વિપક્ષના નેતા બનાવ્યા, નીરવ બક્ષીને ઉપ-નેતા બનાવ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આખરે વિપક્ષના નેતાની નિમણૂકની ગૂંચવણનો ઉકેલ આવી ગયો છે. દાણીલીમડા વોર્ડના યુવા કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણને આગામી એક વર્ષ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે, જ્યારે નીરવ બક્ષીને વિપક્ષના ઉપ-નેતા અને વિપક્ષના દંડક તરીકે જગદીશ રાઠોડની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે 10 કોર્પોરેટરે રાજીનામા આપી દીધા હોવાછતાં શહેજાદ ખાનને નેતા વિપક્ષ બનાવવાનો કડક નિર્ણય કર્યો છે.

વાંચો સમાચાર વિગતવાર

* ગુજરાત સરકાર 3300 વિદ્યા સહાયકોની ભરતી કરશે, ટેટ પાસ ઉમેદવારોને પ્રાથમિકતા

ગુજરાત સરકાર આગામી સમયમાં 3300 વિદ્યાસહાયકોની ભરતી કરશે. જેમાં ધોરણ 1થી 5માં 1300 અને ધોરણ 6થી 8માં 2000 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. જેનો લાભ ટેટ પાસ કરનારા ઉમેદવારોને મળશે. આ અંગે શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ જાહેરાત કરી હતી.

વાંચો સમાચાર વિગતવાર

* પતંગ પકડવા જતાં 9 વર્ષના માસૂમને 11,000 વોલ્ટનો કરંટ લાગ્યો, 10 ટકા હૃદય કામ કરતું હતું ને અમદાવાદ લાવ્યા, 12 દિવસે હસતો-રમતો થયો

આજે અમારો અયાન જીવતો છે, તેના માટે ભગવાન અને ડોકટરનો આભાર માનીએ છીએ, આ શબ્દો છે એક 9 વર્ષના બાળકનાં માતા-પિતાના. નડિયાદ શહેરમાં રહેતો નવ વર્ષનો બાળક ધાબા પરથી પતંગ પકડવા માટે દોડ્યો હતો. ત્યારે પતંગ પકડવા જતા બાજુમાંથી પસાર થતાં 11,000 વોલ્ટેજનો કરંટ લાગતાં ચોંટી ગયો હતો. 10 ટકા જ હૃદય કામ કરતું હતું ત્યારે બાળકને બચાવવા માટે અમદાવાદની ડિવાઇન ચાઇલ્ડ હોસ્પિટલના ડો. હાર્દિક પટેલ અને ડો. દેવાંગ સોલંકીએ ચાલુ એમ્બ્યુલન્સમાં ઓન કોલ સારવાર આપી અમદાવાદ લાવ્યા હતા. ડોકટરોની અથાગ મહેનતથી અયાન 12 જ દિવસમાં સાજો થઈ અને ગઈકાલે માતા-પિતા સાથે ઘરે પરત ફર્યો હતો.

વાંચો સમાચાર વિગતવાર

* TATAએ ચાઈનીઝ કંપની VIVOની હકાલપટ્ટી કરી, ભારત-ચીનના તણાવના કારણે ટાઈટ્લ રાઈટ્સ ટ્રાન્સફર ના થયા

ચીનની મોબાઈલ ફોન નિર્માતા કંપની VIVO(વિવો) હવે IPLની ટાઈટલ સ્પોન્સર રહેશે નહીં. એને સ્થાને TATA ગ્રુપને IPLનું નવું ટાઈટલ સ્પોન્સર બનાવવામાં આવ્યું છે. આવતા વર્ષથી એટલે કે 2023થી આ ટૂર્નામેન્ટ હવે TATA IPL તરીકે ઓળખાશે. ગયા વર્ષે, ચીન અને ભારતમાં તણાવ વચ્ચે VIVO પાસેથી ટાઈટલ રાઈટ્સ ટ્રાન્સફર થઈ શક્યા ન હતા.

વાંચો સમાચાર વિગતવાર

* 24 કલાકમાં 1.68 લાખ નવા દર્દી મળ્યા, દિલ્હીમાં ત્રીજી લહેરમાં એક દિવસમાં સૌથી વધુ 23 લોકોના મોત, 3 દિવસમાં 57 લોકોએ જીવ ગુમાવ્યો

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1.67 લાખ કેસ સામે આવ્યા છે. 69,798 લોકો સાજા થયા છે. આ ઉપરાંત સારવાર હેઠળ એટલે કે એક્ટિવ કેસની સંખ્યા 97,475 જેટલો વધારો થયો છે. વર્તમાન સમયમાં 8 લાખ જેટલા દર્દી સારવાર હેઠળ છે. જોકે દિલ્હીમાં મંગળવારે 24 કલાકમાં કોરોના વાયરસને લીધે 23 લોકોના મોત થયા છે, જે ત્રીજી લહેર સમયે કોઈ એક રાજ્યમાં એક દિવસમાં સૌથી વધારે મૃત્યુ થયા છે. દિલ્હીમાં સોમવારે પણ 17 લોકોના મોત થયા હતા. રાજધાનીમાં હવે છેલ્લા 7 દિવસમાં 87 લોકોના મોત થયા છે, જ્યારે 57 લોકોના છેલ્લા 3 દિવસમાં મોત થયા છે.

વાંચો સમાચાર વિગતવાર

* સરકાર વોડાફોન-આઇડિયામાં 35.8%ની માલિક બનશે ગવર્નમેન્ટ, દેવાંને ઈક્વિટીમાં બદલશે

વોડાફોન આઈડિયા(VI)એ કહ્યું છે કે સરકાર તેમની કંપનીમાં 35.8% હિસ્સાની માલિક બનશે. એના બોર્ડે દેવાંને ઈક્વિટીમાં કન્વર્ટ કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય બાદ કંપનીનો શેર આજે 19% ઘટીને 12.05 રૂપિયા થઈ ગયો હતો, જોકે બાદમાં એમાં થોડો સુધારો થયો હતો.વોડાફોન આઈડિયા(VI) દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર કંપની છે. સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે ઈક્વિટીમાં જે પણ દેવું કન્વર્ટ કરવામાં આવશે એમાં અત્યારના દરેક શેરધારકો સામેલ થશે. આ અંતર્ગત રૂ. 16,000 કરોડનું દેવું ઇક્વિટીમાં ફેરવાશે. આમાં તેના ફાઉન્ડર્સ પણ હશે. વોડાફોન ગ્રુપ PLC પાસે આશરે 28.5% ભાગીદારી રહેશે, જ્યારે આદિત્ય બિરલા ગ્રુપ પાસે 17.8% ભાગીદારી રહેશે.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) અમદાવાદમાં વિદ્યાર્થીઓના ભારે વિરોધ બાદ GTUએ 20 જાન્યુઆરીથી યોજાનારી ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખી, નવી તારીખ 10 દિવસ બાદ જાહેર કરાશે 2) અમદાવાદમાં 15 થી 18 વર્ષની વયના 70 ટકા બાળકોનું વેક્સિનેશન પૂર્ણ, હવે ટ્યુશન અને કોચિંગ ક્લાસમાં પણ વેક્સિન અપાય છે 3) ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, MSUની સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગની 6 વિદ્યાર્થિનીઓ સંક્રમિત 4) IIM અમદાવાદમાં વધુ 13 કોરોનાના કેસ, માત્ર 10 દિવસમાં 78 સ્ટાફ મેમ્બર્સ અને વિદ્યાર્થીઓ સંક્રમિત થયા 5) વાપીમાં ત્રણ વર્ષની દીકરીને ઝેર આપ્યા બાદ માતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, દીકરીનું મોત 6) ઈનકમટેક્સ રિટર્ન ભરવાની ડેટ 15 માર્ચ સુધી વધારવામાં આવી, સરકારે લોકોની પરેશાન જોઈને લીધો નિર્ણય 7) ઓમિક્રોનના સંકટમાં ઘેરાયું અમેરિકા, હોસ્પિટલોમાં છેલ્લી લહેરની પીક કરતાં પણ વધુ દર્દી દાખલ, મોટે ભાગે 60 વર્ષથી ઓછી ઉંમરના

આજનો ઈતિહાસ
વર્ષ 1863માં આજના દિવસે સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો. તેમની જયંતી નિમિત્તે દર વર્ષે 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે

અને આજનો સુવિચાર
ખ્યાતિ નદીની જેમ ઉદ્દગમ સ્થાન પર ખૂબ જ સાંકડી અને ખૂબ જ દૂરના સ્થાન પર અતિ વિશાળ હોય છે

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...