વર્ષ 2021નું પહેલાં વાવાઝોડાં 'તાઉ-તે'(મ્યાંમાર દ્વારા અપાયેલું નામ, બર્મીઝ ભાષાનો શબ્દ જે એક ગરોળીના નામ પરથી છે)ની સંભાવનાઓ પ્રવર્તિ રહી છે. દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રમાં 14 મેની સવારથી સર્જાઇ રહેલું લો પ્રેશર 15 મેના પૂર્વ-મધ્ય અરેબિયન સમુદ્રમાં સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઇને ઉત્તર-ઉત્તરપશ્ચિમ આગળ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 19-20 મેના રોજ 'તાઉ-તે' વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવના છે અને 35-40 કિમીની સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
સૌરાષ્ટ્ર-કચ્છના કયા વિસ્તારમાં અસર થશે?
19 મેના રોજ 'તાઉ-તે' વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ પર ત્રાટકવાની સંભાવના છે. ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વેરાવળ, પોરબંદર, ભાનવડ, સલાયા, દ્વારકા, જામનગર, મોરબી, કુડામાં વાવાઝોડાંની અસર જોવા મળશે. જ્યારે કચ્છના માંડવી, ગાંધીધામ, નલિયા, ભાડલી, રાપર, ખાવડા, લખપતમાં વધુ સર જોવા મળશે.
19-20 મે ગુજરાતમાં વાવાઝોડું તોફાની બનીને તેના પીક પર પહોંચશે
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 19-20 મેના રોજ ગુજરાતમાં વાવાઝોડું તાઉ-તે ભયંકર તોફાની બનીને તેના પીક પર પહોંચશે અને અમદાવાદ સુધી 35-40 કિમીની સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વર્ષ 2021નું આ સૌપ્રથમ વાવાઝોડું છે અને મ્યાંમાર દ્વારા તેને તાઉ-તે નામ આપવામાં આવ્યું છે. જોકે, આ વાવાઝોડું કઇ દિશામાં આગળ વધશે તેને લઇને હજુ અસ્પષ્ટતા છે.
લો પ્રેશર સર્જાયા બાદ જ વાવાઝોડાંની દિશા નક્કી થશે
વાવાઝોડું કંઈ દિશામાં આગળ વધશે તેને લઈને એક અનુમાન પ્રમાણે તે ઓમાનનો દરિયો ઓળંગી શકે છે તો એક અનુમાન એવું પણ છે કે તે દક્ષિણ પાકિસ્તાન તરફ આગળ ધપી શકે છે. જે મુજબ ગુજરાતના દરિયાકાંઠાના હિસ્સાને અસર થઇ શકે છે. લો પ્રેશર સર્જાયા બાદ જ તેની દિશા અંગે કંઇક કહી શકાશે. 14 મેના લો પ્રેશર સર્જાયા બાદ લક્ષદ્વિપ, કેરળ, કર્ણાટકના દરિયાકાંઠા, તામિલનાડુ ઘાટના વિસ્તાર, મહારાષ્ટ્રના કેટલાક હિસ્સામાં ભારે વરસાદ પડી શકે છે.
ગત રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદ પડ્યો
અરબી સમુદ્રમાં 14 મેના લો પ્રેશર સર્જાશે જે 15 મેના ડિપ્રેશનમાં ફેરવાશે. જેના પરિણામે 19 અને 20 મેના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર વાવાઝોડું ફૂંકાવાની હાલના તબક્કે સંભાવના વ્યકત થઇ રહી છે. બીજી તરફ મંગળવારે મોટાદડવા, બળધોઈ, વિરનગરમાં જોરદાર પવન સાથે ઝાપટાં પડ્યા હતાં. જ્યારે કોટડાસાંગાણી પંથકમાં વરસાદને પગલે ખેડૂતોમાં દોડધામ મચી હતી. જસદણમાં પવનના સૂસવાટા અને ગાજવીજ સાથે અમી છાંટણા પડતાં શહેરના કેટલાય વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ થવાથી લોકો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા. કચ્છના રાપરમાં પણ પવન સાથે કમોસમી ઝાપટું વરસતા ઠંકડ પ્રસરી હતી. શહેરના માર્યો પર પાણી વહી નીકળ્યા હતાં. તો ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો.
15 દિવસ પહેલાં મિની વાવાઝોડું ફૂંકાયું હતું
15 દિવસ પહેલા પૂનમે મિની વાવાઝોડું આવ્યું હતું. મોરબી સહીત સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ગુજરાતના કેટલાક ભાગમાં પવન સાથે હળવો વરસાદ પડ્યો હતો. રાજ્યમાં કેટલાક સ્થળે 30 થી 40 કિમીની ઝડપથી પવન સાથે હળવું વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી સહિતના ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ અને મિની વાવાઝોડાંની અસર જોવા મળી હતી. આ ઉપરાંત કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, જુનાગઢ સહીત સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.