સાહેબ મિટિંગમાં છે:લઠ્ઠાકાંડ અને લમ્પી જેવી ક્રાઇસિસ છતાં આખી સરકારનો ભાર CM અને બે-ત્રણ મંત્રીને માથે, ...ને અગ્ર સચિવને પેટમાં દુખવા લાગ્યું

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવ્ય ભાસ્કરના વાચકો માટે અમે દર સોમવારની સવારે એક નવું નજરાણું લઈને આવીએ છીએ, જેનું નામ છે, ‘સાહેબ મિટિંગમાં છે’. આ વિભાગમાં ગાંધીનગર ઉપરાંત રાજ્યભરમાં નેતાજીઓ અને અધિકારીઓની કામગીરી ઉપરાંત ભીતરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, તો બીજી બાજુ ગુજરાત સરકાર લઠ્ઠાકાંડ અને લમ્પી વાઇરસમાં અટવાઈ ગઈ છે. ગુજરાતમાં ભાજપના 20 વર્ષના વિકાસના જોરશોરથી ચાલી રહેલા પ્રચારમાં આવી ઘટનાઓથી સરકારની છબિ ખરડાઈ રહી છે. તેમાં પણ આવી કોઈ ક્રાઇસિસ આવે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી અને એકાદ બે મંત્રીઓ જ મેદાનમાં ઉતરે છે. જ્યારે બીજા મંત્રીઓ તો ક્યાંય દેખાતા જ નથી, તે જોતા એવું લાગી રહ્યું છે કે, આખી સરકારનો ભાર મુખ્યમંત્રી અને બે-ત્રણ મંત્રીઓના માથે જ આવી જાય છે. તેમાં મંત્રી હર્ષ સંઘવી, રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વઘાણી ડેમેજ કન્ટ્રોલર બને છે, પણ એમનાથી આટલું મોટું ડેમેજ કંટ્રોલ કરવું પણ ઘણું અઘરું થઈ જાય છે.

મિ. કિરીટ પરમાર, આપ અમદાવાદના પ્રથમ નાગરિક છો, ઓફિસ બહાર નીકળો
અમદાવાદમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. સમગ્ર શહેર જળમગ્ન થઈ ગયું હતું ત્યારે અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર કિરીટ પરમાર ખોવાયા હતા. વરસાદ દરમિયાન અને બાદમાં શહેરની પરિસ્થિતિનો તાગ મેળવી અને દરેક વિસ્તારમાં જ્યાં લોકોને સમસ્યા હોય ત્યાં પહોંચી તેનો ઉકેલ લાવવાનો હોય છે. પરંતુ મેયર કાર્યક્રમો અને ઉદ્ઘાટનનોમાં જ રસ ધરાવે છે. મેયર તરીકે તેમનો 1.5 વર્ષનો કાર્યકાળ થવા જઈ રહ્યો છે, પરંતુ શહેરમાં ક્યાં શું કેવી રીતે આખી કામગીરી થાય છે. તેનું તેઓ પાસે કોઈ નોલેજ હોતું નથી. બીજી તરફ અધિકારીઓ અને સત્તાધીશો સાથે તેઓનું કોઈ સંકલન જ રહેતું નથી. જેને કારણે મેયર માત્ર કાર્યક્રમોમાં વ્યસ્ત રહે છે. સુરતના મેયર મહિલા હોવા છતાં પણ તેઓની કામગીરી ત્યાં એટલી સારી છે કે તેઓ શહેરમાં દરેક વિસ્તારમાં પરિસ્થિતિનો તાગ મેળવવા માટે જાતે પહોંચી જાય છે. પરંતુ અમદાવાદના મેયર પોતે કાર્યક્રમોમાં વ્યસ્ત રહે છે અને માત્ર ઓફિસમાં જ આખો દિવસ ગાળે છે.

સ્માર્ટ સિટીના(ઓવર) સ્માર્ટ મ્યુનિ. કમિ. નેતાઓને તો ભાવ જ આપતા નથી, જો...જો...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ અત્યારે ડામાડોળ ચાલી રહી છે. કોઈપણ પ્રકારે કોર્પોરેશનની આવકમાં વધારો થાય અને કરોડો રૂપિયાની પ્રોપર્ટી જે બંધ હાલતમાં છે, તેને ચાલુ કરી આવક મેળવવાની જરૂર છે. પરંતુ મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરાને કરોડો રૂપિયાની પ્રોપર્ટીમાંથી આવક થાય તેવી ઈચ્છા જ ન હોય તેમ લાગે છે. કોર્પોરેશનના સૂત્રો મુજબ કાંકરિયા વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી બંધ પડી રહેલી 100 કરોડની જમીન પર બનેલા જલધારા વોટરપાર્કને શરૂ કરવા માટે ખુદ મુખ્યમંત્રીએ ત્રણ વખત મ્યુનિસિપલ કમિશનરને જણાવ્યું હતું અને ટેન્ડર બહાર પાડવા માટે કહ્યું છે. પરંતુ કમિશનર આ બાબતે કોઈ ધ્યાન જ નથી આપી રહ્યા. જેના કારણે કરોડો રૂપિયાની પ્રોપર્ટી આજે ધૂળ ખાઈ રહી છે. કમિશનર પણ હવે ભાજપના સત્તાધીશોની વાતને ઉડાડી અને પોતાની મનમાની રીતે કામ કરવા માટે ટેવાઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે.

ચૂંટણી કયારે, બધો આધાર નેશનલ ગેમ્સ કયારે પુરી થાય તેના પર
રાજયમાં હવે ચૂંટણી એકાદ મહિનો વહેલી આવે તેવા ચર્ચા ચાલુ થઇ છે. રાજ્યમાં વધી રહેલી રાજકિય ગતિવિધિને પગલે ચૂંટણી વહેલી યોજાવા જઇ રહી હોય તેવું ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ જણાવી રહ્યા છે. પરંતુ કેટલોક વર્ગ તેમાં જો અને તોની વાત કરતાં જણાવે છે કે, રાજ્યમાં આગામી મહિનાઓ નેશનલ ગેમ્સ યોજાવાની છે. તેવી જાહેરાત અગાઉ થઈ ચૂકી છે. જો કે 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર વચ્ચે નેશલ ગેમ્સ યોજાવાની બિનસત્તાવાર માહિતી મળી રહી છે. ત્યારે જો ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં જ નેશનલ ગેમ્સ પુરી થાય તો નવેમ્બરના અંતમાં ચૂંટણી આવી શકે તેમ છે. તેની સાથે એવી પણ વાત વહેતી થઇ છે કે, જાન્યુઆરીમાં ગુજરાતમાં યોજાતી પ્રિમીયમ બિઝનેસ ઇવેન્ટ વાઇબ્રન્ટ સમિટને પણ એક નવા ક્લેવર કે વધુ સારી યોજવા બે મહિનાનો સમયગાળો જોઇએ તેથી ડિસેમ્બરના અંતમાં નવી સરકાર શપથ લઇ લે તેવું આયોજન ભાજપ તરફથી થઇ રહ્યું છે.

GPCBમાં સિનિયરો નિવૃત્તિ થતા મહત્વના પોસ્ટિંગનો આશાવાદ
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ(GPCB)માં ત્રણ સિનિયર અધિકારીઓ નિવૃત્ત થતાં હાલના અધિકારીઓ નવી તકો ઝડપી લેવા ટાંપીને બેઠા છે. GPCBમાં મહત્વના પોસ્ટિંગ એવા વાપીના અધિકારી એમ.બી.પટેલ, કચ્છમાં ઉર્વશી ઉપાધ્યાય અને મહેસાણામાં અધિકારી પ્રિયદર્શી હવે આગામી મહિનાઓમાં નિવૃત્ત થઇ રહ્યા છે. આ નિવૃત્તિને પગલે નવો રોલ અદા કરવાનો ઉત્સાહ કર્મચારીઓમાં વર્તાઇ રહ્યો છે. સાથે નવી પેઢી પણ હવે સરકારી વિભાગોમાં પોતાના નેતૃત્વથી કંઇક કરી દેખાડવા માંગે છે અને સિનિયરોના પદે કેટલાકને મહત્વના પોસ્ટિંગનો આશાવાદ જન્મ્યો છે.

પેટમાં દુઃખવા લાગતા અગ્ર સચિવની ગેરહાજરીમાં વીડિયો કોન્ફરન્સ યોજી
શનિવારે બપોરે સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-1ના બીજા માળે રાજ્યના અતિ મહત્વના એક મુદ્દા પર વીડિયો કોન્ફરન્સનું આયોજન હતું. આ બેઠકમાં અગ્ર સચિવ તથા મંત્રી ઓનલાઈન હાજર રહેવાના હતા. બપોરે 12.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સ યોજાવાની હતી ત્યારે લગભગ 12.21 મિનિટે મંત્રીના અંગત સચિવ આવ્યા અને કહ્યું કે, અગ્ર સચિવ વીડિયો કોન્ફરન્સમાં હાજર નહીં રહી શકે. ગેરહાજરીના કારણો અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે અંગત સચિવ કહે છે કે, અગ્ર સચિવને પેટમાં દુઃખાવો હોવાને કારણે તેઓ ઘરે જઈ રહ્યા છે. આમ, અગ્ર સચિવની ગેરહાજરીમાં વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી.

તલાટી કમ મંત્રીઓની હડતાળ લંબાવવા પાછળ સરકાર જવાબદાર ?
રાજ્યના તલાટી કમ મંત્રી પોતાની પડતર માંગને લઈને હડતાળ પર ઉતરી ગયા છે. બુધવારના રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ અંગે મુખ્યમંત્રી દ્વારા પૂછવામાં આવ્યું તો સંબંધિત મંત્રીએ નાણા વિભાગ પ્રશ્નોનું નિરાકરણ કરવાની ના કહેતા હોવાનું રટણ કર્યું. એવામાં જ નાણાં મંત્રીએ પોતાના જવાબ રજૂ કરતા કહ્યું કે, મારી પાસે આ બાબતે કોઈ ફાઈલ આવી જ નથી. અંતે મુખ્યમંત્રીએ બંને પક્ષે બેઠક કરી બુધવાર સાંજ સુધીમાં પોતાની પાસે તમામ માહિતી સાથે આવવા જણાવ્યું. જો કે, આજદિન સુધી આ બાબતે વિભાગના અધિકારીઓ કે તલાટી કમ મંત્રી કે પછી મંત્રી સ્તરે કોઈ બેઠક થઈ ન હોવાને કારણે રાજ્યમાં તલાટી કમ મંત્રીઓની હડતાળ ખેંચાઈ રહી હોવાની માહિતી મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...