હવામાન વિભાગની આગાહી:ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના, 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં ઉનાળાની શરૂઆત થાય તેની પહેલા જ ચોમાસું શરૂ થયું હોય તેમ લાગી રહ્યું છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદની સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ પંથકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને પગલે ખેડૂતોના પાકને મોટું નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર સહિતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવેથી મધ્યમ વરસાદ પડી શકે છે અને 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં તાપી, ડાંગ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં હિંમતનગર, સાબરકાંઠા બનાસકાંઠા પંથકમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભારે પવન શરૂ થતા પદયાત્રીઓ મૂંઝવણમાં મુકાયા
ભારે પવન શરૂ થતા પદયાત્રીઓ મૂંઝવણમાં મુકાયા

અમદાવાદમાં પણ રાત્રિના સમયે વાતાવરણ પલટાયું
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સન અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફને કારણે રાજ્યભરમાં ઠેર-ઠેર કમોસમી વરસાદ પડ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઇંડ્યુઝ સાઈઝર સક્રિય છે. ઈંડ્યુઝ સાઇઝર સિસ્ટમ વરસાદી વાદળો બનાવે છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વાતાવરણમાં ભેજ વધશે. રાજ્યમાં દિવસ દરમ્યાન ભારે બફારો અનુભવાશે. માવઠાની સાથે ગરમીનો પણ અહેસાસ થશે. આગાહી પ્રમાણે અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ તેમજ પવનની ગતિ વધુ નોંધાઇ છે. ભારે પવન શરૂ થતા પદયાત્રીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા. વરસાદી વાતાવરણ વચ્ચે પણ ડાકોર પદયાત્રીઓનો અવિરત ઘસારો ડાકોરના ઠાકોર માટેની ભક્તિભાવના દર્શાવી રહી છે. ભારે ઉત્સાહ સાથે રથ લઈને જતા લોકોના જય રણછોડના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

અમરેલીમાં ચોમાસા જેવો માહોલ જામ્યો
અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ પડતાં ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે. ગઈકાલે તો અમરેલી જિલ્લામાં ચોમાસા જેવો માહોલ જામ્યો હતો. ધોધમાર વરસાદ પડતાં શેરીઓમાં નદીઓ જેવા દૃશ્યો સર્જાયા હતા. રાત્રે નવ વાગ્યા પછી અમદાવાદમાં પણ જોરદાર વીજળી થઈ રહી હતી અને ગડગડાટીનો અવાજ પણ સંભળાય રહ્યો હતો. ખાસ કરીને એસ. જી. હાઇવે, સરખેજ વિસ્તારમાં ઠંડો પવન પણ ફૂંકાય રહ્યો છે.

જાટાવાડા ગામે વીજળી પડતાં યુવાનનું મોત
કચ્છ પંથકમાં પણ ગાજવીજ સાથે માવઠાં વરસ્યા છે. આ દરમિયાન રાપર તાલુકાના જાટાવાડા ગામ નજીક આવેલા કારીધાર વાંઢ વિસ્તારમાં ખેતરેથી ઘરે આવવાની તૈયારી કરતા ખેત મજૂર કિશોર રઘુભાઈ કોળી (ઉં. વ. 26) પર વીજળી પડતાં તેની હાલત ગંભીર થઈ ગઈ હતી. તેને સારવાર માટે રાપર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવાનને ત્રણ વર્ષની અને દોઢ વર્ષની દીકરી છે.

ખેડૂતોને પાકોમાં નુકસાન જવાની ભીતિ
ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લામાં આવતા ત્રણ દિવસ માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના ધારી ગીર વિસ્તારમાં બપોર બાદ સુખપુર, કાંગસા, ગોવિદપુર સહિતના ગામડામાં વરસાદ છૂટો છવાયો વરસાડ પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અહીં કેસર કેરીનો ગઢ ગણાતા ધારી વિસ્તારમાં કેરી સહિત ચણા, ઘઉં અને ધાણા સહિતના તૈયાર પાકોમાં નુકસાન જવાની ભીતિ ધરતી પુત્રોમાં જોવા મળી રહી છે. બીજી તરફ ભાવનગર જિલ્લાના વાતાવરણમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જિલ્લાના સાળંગપુર, ઉમરાળા, વલભીપુર, પાલીતાણા, જેસર પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.​​​​​​​

માવઠાથી ખેડૂતોને બેવડો માર પડ્યો
સરસ્વતીના વાગદોડ પંથકમાં અચાનક વાતાવરણ વાદળછાયું થતાં શનિવારે વહેલી પરોઢે ચાર વાગ્યાના સમયે વરસાદી છાંટણા શરૂ થતાં ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી.સરસ્વતી તાલુકાના મોરપા, એંદલા, નાયતા,કાનોસણ, નાના નાયતા, અજુજા જેવાં ગામડાઓના ખેડૂતોએ એરંડાની વીણી અને જીરાના પાકને બચાવવા માટે ખેડૂતોએ દોડધામ કરવી પડી હતી. ડુંગળી, ઘઉં, ચણા, બાજરી જેવા તૈયાર પાકોને મોટું નુકસાન થયાની દહેશત છે. આ અગાઉ પાકના ભાવ ઓછા મળ્યા હતા તે પ્રશ્ન હતો ત્યા માવઠાથી ખેડૂતોને બેવડો માર પડ્યો છે.​​​​​​​

કેરીના પાકમાં નુકશાની જવાની ખેડૂતોને ભીતિ.
કેરીના પાકમાં નુકશાની જવાની ખેડૂતોને ભીતિ.

કેરી ઉત્પાદકો પણ ચિંતિત બન્યા
હવામાન વિભાગ દ્વારા કરાયેલી હળવા વરસાદની આગાહીને પગલે આજે ધારી, બગસરા, સાવરકુંડલા, બાબરા સહિતના વિસ્તારોમા કમોસમી વરસાદ ખાબકયો હતો. જેને પગલે માર્ગો પરથી પાણી દોડવા લાગ્યા હતા. વિસાવદર,લાલપુર,હસનાપુર,ગોવિંદપરા સહિતના ગામડાઓમાં વરસાદ પડતા ખેડૂતોની મૌલાતને નુકસાન થયું હતું. તેમજ કેરી ઉત્પાદકો પણ ચિંતિત બન્યા હતા.​​​​​​​

સંભવિત નુકસાનથી બચવાના આગોતરા પગલાં લીધા
દાહોદમાં પણ શનિવારના રોજ જિલ્લાના ગરબાડા અને ફતેપુરા તાલુકામાં તેની અસર જોવા મળી હતી. ફતેપુરા તાલુકા મથક સહિત કેટલાંક વિસ્તારોમાં પરોઢના સમયે વરસાદ તૂટી પડ્યો હતો. દાહોદની એપીએમસીમાં ખુલ્લામાં પડેલું અનાજ ઢાંકી દઇને વેપારીઓએ સંભવિત નુકસાનથી બચવાના આગોતરા પગલાં લીધા હતાં.​​​​​​​

આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી
સુરેન્દ્રનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડમા ખુલ્લામાં પડેલા ઉત્પાદનને પણ નુકસાન થયું હોય તેવું જાણવા મળી રહ્યું છે. સતત ચોથા વર્ષે પણ સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓએ ઉનાળાના પ્રારંભિક સમયમાં માવઠાના માર સહન કરવો પડ્યો છે. ત્યારે હજુ પણ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખેત પેદાશો તેમજ અન્ય જે ઉત્પાદિત વસ્તુઓ છે, તે સલામત સ્થળે રાખવા માટે પણ ખેડૂતોને અપીલ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...