વાતાવરણમાં પલટો:હાશ! હવે ગુજરાતમાં હવે ઠંડી ઘટશે, 22 જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાત અને કચ્છમાં માવઠાની આગાહી

અમદાવાદ4 મહિનો પહેલા
  • વાતાવરણમાં સતત પલટો આવવાને કારણે રવી પાકને ભારે નુકસાનની ભીતિ
  • અમદાવાદ સહિત રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં ઠંડીનો પારો 2થી 4 ડીગ્રી વધ્યો

છેલ્લા એક મહિનાથી રાજ્યમાં માવઠાને લીધે ખેડૂતોની ચિંતાઓમાં વધારો થયો છે. હવે ફરીવાર હવામાન વિભાગ દ્વારા 21 અને 22 જાન્યુઆરીએ હળવા વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, રાજ્યમાં 18 જાન્યુઆરીથી તાપમાનમાં 3 ડીગ્રી સુધીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરેલું છે.એ ઉપરાંત 22 જાન્યુઆરી સુધી રાજ્યમાં મોટા ભાગનાં શહેરોમાં વાતાવરણ વાદળછાયું રહેવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે.

રાજ્યમાં નલિયા સૌથી ઠંડુંગાર શહેર
ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડો પવન ફૂંકાતાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં મોટા ભાગનાં શહેરોમાં 10 ડીગ્રીથી નીચું તાપમાન નોંધાઈ રહ્યું છે. રાજ્યમાં નલિયા સૌથી ઠંડુંગાર શહેર છે. એ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર સહિતનાં શહેરોમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. આગામી 18થી 22 જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ઉત્તર ગુજરાતમાં આગામી બે દિવસ યલો એલર્ટ
રાજ્યમાં છેલ્લા એક મહિનામાં સાઇક્લોનિક સિસ્ટમને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને કારણે કમોસમી વરસાદ પણ થયો છે. ત્યારે વધુ એક વખત માવઠાની વકીને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજથી ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે. અનેક વિસ્તારોમાં 2થી 4 ડીગ્રી તાપમાન વધવાની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે 18, 19 અને 20,21 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે, જેને કારણે રવી પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે. એટલું જ નહીં, ફેબ્રુઆરીમાં પણ માવઠાની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરેલું છે.

3થી 4 દિવસમાં ઠંડી વધુ 3 ડીગ્રી ઘટી શકે છે
ઉત્તર-પૂર્વના કાતિલ ઠંડા પવનની અસરથી છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જોકે રવિવારથી પવનની દિશા બદલાતાં ઉત્તરથી ઉત્તર-પૂર્વના ઠંડા પવન શરૂ થયા છે, જેને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં મોટા ભાગનાં શહેરોના લઘુતમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે. આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીનો પારો 3થી 5 ડીગ્રી વધતાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે.

માવઠાથી રવી પાકને મોટું નુકસાન થાય એવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે ( પ્રતીકાત્મક તસવીર).
માવઠાથી રવી પાકને મોટું નુકસાન થાય એવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે ( પ્રતીકાત્મક તસવીર).

છેલ્લા ચાર દિવસ દરમિયાન ઠંડીનો પારો 10 ડીગ્રીની આસપાસ નોંધાયો
હવામાન વિભાગના આંકડા મુજબ, ઠંડા પવનની અસરથી છેલ્લા અઠવાડિયાથી અમદાવાદનું લઘુતમ-મહત્તમ તાપમાન ગગડતાં શહેરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળતાં અમદાવાદમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન ઠંડીનો પારો 10 ડીગ્રીની આસપાસ નોંધાયો હતો. જોકે સોમવારથી પવનની દિશા બદલાતાં ઉત્તરથી ઉત્તર-પૂર્વના પવન શરૂ થતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાતાં અમદાવાદનું મહત્તમ તાપમાન 26.9 ડીગ્રી અને લઘુતમ તાપમાન 4 ડીગ્રી વધીને 12.8 ડીગ્રી નોંધાયું હતું. અમદાવાદ સહિત રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં ઠંડીનો પારો 2થી 4 ડીગ્રી વધ્યો હતો. સમગ્ર રાજ્યમાં 5.0 ડીગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું હતું. આ સિવાય ડીસામાં ઠંડીનો પારો 9.2 અને ભુજમાં 10.6 ડીગ્રી નોધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...