કમોસમી વરસાદની આગાહી:રાજ્યમાં 26થી 30 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડા સાથે હળવા વરસાદની આગાહી, કચ્છમાં હીટવેવની પણ આગાહી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તથા કચ્છમાં કમોસમી વરસાદની આગાહી - Divya Bhaskar
સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તથા કચ્છમાં કમોસમી વરસાદની આગાહી
  • રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ તથા કચ્છમાં વાવાઝોડા સાથે હળવા વરસાદની આગાહી કરાઈ.
  • કચ્છ, પોરબંદર તથા ઉત્તર ગુજરાતમાં બે દિવસ માટે હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી

રાજ્યમાં હાલ લોકો કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છે. તેની વચ્ચે ધરતીપુત્રોની કમોસમી વરસાદે ચિંતા બમણી કરી દીધી છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, વલસાડ અને અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારમાં તો ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. માવઠાના કારણે ઉનાળું પાકનું વાવેતર કરનારા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. જોકે હવામાન વિભાગે હજુ પણ આગામી દિવસોમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની આગાહી કરી છે. આ સાથે જ તાપમાનનો પારો પણ 2-3 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધશે જેથી હીટવેવની પણ આગાહી કરાઈ છે.

રાજ્યમાં વરસાદ અને હીટવેવ બંનેની આગાહી
હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે કરેલી આગાહી મુજબ, 26 અને 27 એપ્રિલ દરમિયાન કચ્છ, પોરબંદર, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લાઓમાં હીટવેવની સ્થિતિ રહેશે. એવામાં લોકોને બપોરના સમયે તાપમાં બહાર ન નીકળવા સૂચન કરાયું છે. બીજી તરફ 26થી 30 એપ્રિલ દરમિયાન અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છ તથા સૌરાષ્ટ્રના છૂટા છવાયા વિસ્તારોમાં વાવાઝોડા સાથે હળવો વરસાદ પડી શકે છે. આ દરમિયાન 40 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદ શહેરમાં પણ વાદળ છાયુ વાતાવરણ રહેશે, તથા તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

સુરેન્દ્રનગર નગરના ચોટીલામાં કરા સાથે વરસાદ
સુરેન્દ્રનગર નગરના ચોટીલામાં કરા સાથે વરસાદ

રાજકોટમાં સિવિલ હોસ્પિટલ મેદાનમાં મંડપ ધરાશાયી
સતત બીજા દિવસે રાજકોટ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાજકોટ શહેરમાં પણ રેલનગર, જંકશન પ્લોટ, મોરબી રોડ,જામનગર રોડના કેટલાક વિસ્તારમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં વીજળી અને ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડતા સિવિલ હોસ્પિટલમાં ચૌધરી હાઈસ્કૂલ મેદાનમાં મંડપ ધરાસાઇ થયા હતા. મંડપની નીચે રહેલી 4થી 5 એમ્બ્યુલન્સ તેમાં દબાઈ ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આ મંડપ વેઈટિંગમાં રહેલા એમ્બ્યુલન્સના દર્દીઓ માટે બાંધવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગરના ચોટીલામાં ગાજવીજ સાથે વરસાદ
નોંધનીય છે કે આજે, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને ઠાંગા વિસ્તારના વાતાવરણમાં આજે બપોરે પલટો જોવા મળ્યો હતો. 40 ડિગ્રીના આકરા તાપ વચ્ચે કમોસમી વરસાદ વરસાત લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. બપોરના સમયે ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસતા ઉનાળુ પાકોનું વાવેતર કરનારા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો હતો. તો હળવદમાં ભારે પવન ફૂંકાતા રણમાં મીઠું પકવતા અગરિયાઓની સોલર પેનલો ઉડતા લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે માવઠું થયું
અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે માવઠું થયું

કચ્છના અબડાસા તાલુકામાં કરા સાથે વરસાદી ઝાપટું
કચ્છ જિલ્લામાં અઠવાડિયા પહેલા શરૂ થયેલા કમોસમી વરસાદનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો હતો. પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું હતું. નાના બાળકોએ આ વરસાદમાં રાબેતા મુજબ પલળવાનો આનંદ માણ્યો હતો. જ્યારે ખેડૂત અને માલધારી વર્ગ ચિંતામાં મુકાયો છે. ખેતરોમાં તૈયાર જીરાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે માવઠું
અમરેલી જિલ્લામાં આજે સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. જિલ્લાના ધારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર, સાવરકુંડલાના હાથસણી અને આસપાસના વિસ્તાર અને ખાંભાના અનિડા, ઈંગોરાળા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. ક્યાંક વરસાદી ઝાપટા તો ક્યાંક ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.

વલસાડ અને સંઘપ્રદેશ દાનહમાં કમોસમી વરસાદ
આજે દક્ષિણ ગુજરાતના વલસાડના ધરમપુર અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. વલસાડના ધરમપુરમાં ધોધમાર વરસાદ વરસતા ચૈત્રમાં અષાઢી માહોલ જેવો માહોલ સર્જાયો હતો. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. કમોસમી વરસાદના કારણે કેરીના બગીચા ધરાવતા ખેડૂતોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ધરમપુર ઉપરાત સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ સાંજના સમયે કરા સાથે વરસાદ વરસ્યો હતો.