નમસ્કાર,
આજે ગુરુવાર છે, તારીખ 26 મે, વૈશાખ વદ-એકાદશી.
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં દરેક જિલ્લાના પ્રી-મોન્સૂન એકશન પ્લાનની ચર્ચા માટે બેઠક મળશે
2) RTE અંતર્ગત ખાલી જગ્યાઓ પર પ્રવેશ માટે આજથી ત્રીજો રાઉન્ડ શરૂ થશે
3) પ્રધાનમંત્રી આજે હૈદરાબાદની ISBના વાર્ષિક સમારોહ અને દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે
4) NSA અજીત ડોભાલ આજે ક્ષેત્રીય સુરક્ષા વાર્તામાં ભાગ લેવા તઝાકિસ્તાનના પ્રવાસે જશે
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) એલપીજી ડીલર્સને પરવાના લેવામાંથી મુક્તિ મળી, હવે પુરવઠા અધિકારીઓ મનમાની નહીં કરી શકે
કોઈ પણ એલપીજીના વેચાણ કરવા માટે જે-તે એજન્સીને પરવાનો મેળવવો પડતો હોય છે. આ પરવાનાને આધારે હજારો ડીલર્સ ગેસના બાટલા રજિસ્ટર્ડ ગ્રાહકોને ગેસના બોટલ આપી શકે છે. જો કે આ પ્રોસેસ દરમિયાન ક્યારેય જો ગેસના બાટલાને લગતી સમસ્યા ઊભી થાય તો તેવા સંજોગોમાં પુરવઠા અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે ડીલર્સના પરવાના રદ્દ કરી દેવામાં આવતા હતા. જો કે આજ રોજ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે એલપીજી ડીલર્સને પરવાના લેવામાંથી મુક્તિ આપવામાં આવશે. આ નિર્ણયને કારણે રાજ્યના હજારો એલપીજી ડીલર્સને ફાયદો થશે. રાજ્ય સરકાર આ અંગે જાહેરાત કરી છે જેમાં વર્ષ 1981થી ચાલ્યા આવતાં કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે.
2) પાવર પેક્ડ વીકએન્ડ:PM મોદી અને અમિત શાહનો ગુજરાત પ્રવાસ, અમદાવાદમાં IPLની બે મેચ, બોલિવૂડ સેલિબ્રિટી પણ આવશે
ગુજરાત માટે ચાલુ સપ્તાહના અંતિમ દિવસોમાં ક્રિકેટથી માંડીને રાજકીય મહાનુભાવોની હાજરીથી પોલીસ સહિત તમામ સરકારી વિભાગોને સતત દોડતું રહેવા પડે એવી સ્થિતિ ઉદભવવાની છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં IPL ટૂર્નામેન્ટની અંતિમ બે મેચ રમાવાની છે. શુક્રવારે ક્વોલિફાયર-2 અને રવિવારે ફાઇનલ રમાશે. 1 લાખની ક્ષમતા હોવા છતાં સ્ટેડિયમ હાઉસફુલ બને એવી શક્યતા છે. આ સંદર્ભમાં સુરક્ષાની સમીક્ષા કરવા અમદાવાદ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ સોમવારે સ્ટેડિયમ ખાતે પહોંચી હતી, જ્યાં એક કલાક સુધી મીટિંગ પણ યોજાઈ હતી.
3) કોંગ્રેસને પાટીલની ચેતવણી:'રામમંદિર મુદ્દે આવો પ્રયત્ન વાંરવાર કરશો તો હિન્દુ ધર્મના ભાઇ-બહેનો તમને પાઠ ભણાવશે'
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ અંતર્ગત બુધવારે વડોદરાના પાદરા ખાતે દિવ્યાંગ, વિધવા બહેનો, NGO, સરકારી યોજનાના વિવિધ લાભાર્થીને સંબોધન કર્યું અને પાદરા ટાઉનહોલ ખાતે શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. જ્યાં સી.આર.પાટીલે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગઇકાલે કોંગ્રેસ ગુજરાતના આગેવાને રામ મંદિર માટે નિવેદન કર્યું હતું તેનાથી લાગે છે કે, તેમને મેન્ટલ હોસ્પિટલમાં લઇ જઇ ચેક અપ કરાવવાની જરૂર છે. તેમના નિવેદનથી હિન્દુ ધર્મના ભાઇ-બહેનોની લાગણીઓ સાથે રમત રમવાનું બંધ કરે, તેમને હું અહીથી ચેતવણી આપું છું કે, આવો જો પ્રયત્ન વાંરવાર કરશો તો આ હિન્દુ ધર્મના ભાઇ-બહેનો તેમને પાઠ ભણાવશે.
4) યાસીન મલિકને આજીવન કેદ, ટેરર ફંન્ડિંગને લગતા બે કેસમાં યાસીનને આજીવન કેદ; 4 કેસમાં દસ-દસ વર્ષની જેલ,10 લાખ દંડ કરાયો
અલગતાવાદી નેતા યાસીન મલિકને પટિયાલા હાઉસ કોર્ટે ટેરર ફંન્ડિંગ કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે. યાસીનને NIA કોર્ટ અગાઉ જ દોષિત ઠરાવી ચુકી છે. યાસીન પર પાકિસ્તાનનું સમર્થન કરી કાશ્મીર ઘાટીમાં આતંકવાદી ઘટનાઓને ફન્ડિંગ કરવા તથા આતંકવાદીઓને શસ્ત્રો-હથિયારો ઉપલબ્ધ કરાવવાનો આરોપ છે. બીજી બાજુ શ્રીનગરના અનેક બજારો બંધ થઈ ગયા છે. લાલ ચોક સહિત અનેક વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.શ્રીનગરની આજુબાજુના વિસ્તારોમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.
5) ટેક્સાસમાં માસૂમ વિદ્યાર્થીઓ વીંધાયાં:ટેક્સાસમાં 18 વર્ષીય વિદ્યાર્થીએ કર્યો ગોળીબાર, 18 બાળક સહિત 21નાં મોત; રાષ્ટ્રીય શોક જાહેર
અમેરિકન ગન કલ્ચરની વરવી સાબિતીરૂપે બનેલી એક ઘટનામાં ટેક્સાસની એક પ્રાથમિક શાળામાં 18 વર્ષીય એક શૂટરે 18 બાળક અને 3 શિક્ષકને ગોળીઓથી વીંધી નાખીને મોતને ઘાટ ઉતારી દીધા છે. 13 બાળક, સ્કૂલના સ્ટાફ મેમ્બર્સ અને કેટલાક પોલીસકર્મીઓ પણ આ ગોળીબારમાં ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ હુમલાખોર પણ જવાબી કાર્યવાહીમાં માર્યો ગયો છે. ટેક્સાસ પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોર યુવક પોતાના વાહનમાંથી નીકળીને સ્કૂલમાં પ્રવેશ્યો હતો. તેની પાસે એક હેન્ડગન અને એક રાઇફલ હતી.
6) કપિલ સિબ્બલે કોંગ્રેસ છોડી, સિબ્બલે સપાના સમર્થનથી રાજ્યસભા માટે નોમિનેશન ફાઇલ કર્યું, કહ્યું- 16 મેથી જ છોડી છે પાર્ટી
કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પાર્ટી છોડી દીધી છે. બુધવારે તેમણે સમાજવાદી પાર્ટીના સમર્થનથી રાજ્યસભા માટે નોમિનેશન દાખલ કર્યું છે. સિબ્બલ કોંગ્રેસ હાઈકમાન્ડ પર ખાસ કરીને રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવી ચૂક્યા છે, એવામાં એમ માનવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસ તેમને કદાચ જ રાજ્યસભામાં મોકલશે. નોમિનેશન પહેલાં સિબ્બલ સપાની ઓફિસે ગયા હતા અને અખિલેશની સાથે જ રાજ્યસભા ગયા હતા.
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) પાટનગરમાં પરિવર્તન:46 વર્ષ બાદ ગાંધીનગર સચિવાલયની શિકલ બદલાશે, 4 અબજના ખર્ચે કોર્પોરેટ લુક અપાશે
2) કચ્છથી પોરબંદર સુધીના દરિયાકાંઠે 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, માછીમારોને 27થી 29 મે દરિયામાં ન જવા સૂચના
3) ફૂડ પોઈઝનિંગ:સુરતના કતારગામમાં લગ્નપ્રસંગના જમણવારમાં અંગુર રબડી ખાતા 50ની તબિયત લથડતા આરોગ્ય વિભાગે કેટર્સ સીલ કર્યુ
4) જમ્મુ કાશ્મીરના બારામૂલામાં 3 પાકિસ્તાની આતંકી ઠાર, અથડામણમાં પોલીસનો જવાન પણ શહીદ
5) વધુ નિકાસ મર્યાદા, મોંઘવારી પર અંકુશ માટે સ્ટીલ બાદ હવે ખાંડ પર નિકાસ પ્રતિબંધ, સુગર સ્ટોક્સમાં ઘટાડો
6) ગૃહમંત્રી અમિત શાહ એક્ટર અક્ષય કુમારની 'પૃથ્વીરાજ' ફિલ્મને રિલીઝના બે દિવસ પહેલાં જોશે
7) ‘સ્કેમ 1992’ ફેમ 54 વર્ષીય બોલિવૂડ ડિરેક્ટર હંસલ મહેતાએ 17 વર્ષ બાદ લિવ ઇન પાર્ટનર સફીના સાથે લગ્ન કર્યાં
8) સચિને દીકરા અંગે ચુપ્પી તોડી:કહ્યું- અર્જુનને ક્રિકેટથી પ્રેમ હશે તો મહેનત કરશે, MIમાં પસંદગી મુદ્દે હું હસ્તક્ષેપ કરતો નથી
આજનો ઈતિહાસ
વર્ષ 2014માં આજના દિવસે નરેન્દ્ર મોદીએ ભારતના 15મા વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.
અને આજનો સુવિચાર
શિક્ષણ ભવિષ્યનો પાસપોર્ટ છે, કારણ કે આવનારી કાલ તેની છે, જે તેના માટે આજથી તૈયારી કરે છે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.