તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંવે‘દંડ’શીલ સરકાર!:11 મહિનામાં 200 કરોડથી વધારે દંડ વસૂલ્યો; સરકારને માસ્ક ના પહેરનારા લોકો પાસેથી મહિને સરેરાશ રૂપિયા 20 કરોડની કમાણી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 46% દંડની વસૂલાત 4 મહાનગરોમાંથી 22% તો એકલા અમદાવાદમાંથી થઇ છે
  • કમાણી - 22 નવેમ્બરથી 7 મે સુધી એટલે કે પાંચ મહિનામાં રૂપિયા 122 કરોડની આવક થઇ છે

રાજ્યમાં કોરોનાની ખતરનાક લહેર કહેર મચાવી રહી છે. રાજ્યમાં સાડા છ લાખથી વધારે કેસ થયા છે જેમાં પાંચ લાખથી વધારે દર્દીઓ સાજા થયા છે. કોરોના નિયંત્રણ માટે માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂંકનાર લોકો પાસેથી દંડ વસુલવાની કામગીરીમાં આજ સુધી દંડ પેટે રૂપિયા 202 કરોડ વસૂલવામાં આવ્યા છે. આજ સુધીમાં દંડના કુલ 32.32 લાખ કેસ કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં સૌથી વધુ દંડ વસૂલાયો
ગત 21 નવેમ્બર સુધી રૂપિયા 78 કરોડ વસૂલવામાં આવ્યા હતા. ગત 15 જૂનથી અત્યાર ‌સુધી કુલ 200 કરોડથી વધારે દંડ વસુલ કરાયો છે. દર મહિને સરેરાશ રૂપિયા 20 કરોડની કમાણી સરકારને માસ્કના દંડની આવકમાંથી થઈ છે અને દર મહિને સરેરાશ 3 લાખથી વધારે કેસ કરવામાં આવે છે. અમદાવાદ શહેરમાં સૌથી વધારે રૂપિયા 42 કરોડ દંડ વસૂલ કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં 18 કરોડ, રાજકોટ શહેરમાં 19 કરોડ જ્યારે વડોદરા શહેરમાં 120 કરોડની વસૂલાત કરવામાં આવી છે.

પાંચ મહિનામાં 122 કરોડ વસૂલ્યા
ગત 15 જૂનથી 24 સપ્ટેમ્બર સુધી રૂપિયા 52.35 કરોડ દંડપેટે વસૂલવામાં આ‌વ્યા હતા. એ સમયગાળા દરમિયાન 17 લાખથી વધુ લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. 21 નવેમ્બર સુધી 78 કરોડની આવક થઇ હતી. 22 નવેમ્બરથી 7 મે સુધી એટલે કે પાંચ મહિનામાં રૂપિયા 122 કરોડની આવક થઇ છે. સંક્રમણને અટકાવવા જાહેર સ્થળોએ, કામકાજના સ્થળે, વાહન વ્યવહાર દરમિયાન નહારા પર માસ્ક ના પહેરેલો હોય કે ચહેરો કોઇ પણ પ્રકારના કપડાંથી ઢંકાયેલો ના હોય તે વ્યક્તિઓ પાસેથી દંડ વસુલવામાં આવે છે.

ખુલ્લેઆમ રેલીઓ અને નેતાઓને કોઈ દંડ નહીં!
કોરોનાના સમયગાળા દરમિયાન જ રાજ્યમાં મહાનગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ યોજાઈ હતી. સામાન્ય નાગરિકોને નિયમ બતાવી દંડ ફટકારતી પોલીસ ચૂંટણી સભાઓ વખતે મૂકદર્શક બનીને ઉભી રહેતી હતી. માસ્ક વિના રેલીઓ કરતા નેતાઓ પણ પોલીસને દેખાયા નહોતા. જેને કારણે લોકોમાં નેતાઓ અને પોલીસ પ્રત્યે રોષની લાગણી પણ જોવા મળી હતી.

માસ્ક દંડ મામલે પણ સરકારે વારંવાર નિર્ણયો બદલ્યા
માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી દંડ વસૂલવાના મામલે પણ સરકારે વારંવાર નિર્ણય બદલ્યા છે. ગુજરાતમાં માસ્ક નહીં પહેરવાનો દંડ પહેલાં 500 રૂપિયા હતો પરંતુ તે વધુ લાગતો હોવાથી સરકારે 200 રૂપિયા કર્યો હતો પરંતુ કોરોના સંક્રમણની સંખ્યા વધી જતાં નિયંત્રણ માટે સરકારે 500 રૂપિયાનો દંડ વસૂલ કરવાની જોગવાઇ કરી હતી. પછી હાઇકોર્ટના આદેશ પછી રાજ્ય સરકારે દંડની રકમ બમણી કરવાનો નિર્ણય કર્યો હતો. ગત 11 ઑગસ્ટથી રૂપિયા 1000 દંડ લેવામાં આવી રહ્યો છે.

છેલ્લા 5 મહિનામાં 122 કરોડ દંડની વસૂલાત

સમયગાળોદંડની રકમ
15 જૂનથી 24 સપ્ટેમ્બર52 કરોડ
25 સપ્ટેમ્બરથી 21 નવેમ્બર26 કરોડ
22 નવેમ્બરથી 6 મે122 કરોડ