પટેલ ‘નરેશ’:લેઉવા પાટીદારોના આગેવાન નરેશ પટેલ અમદાવાદમાં, રાજકારણમાં જોડાવા અંગે કહ્યું-સમય નક્કી કરશે

અમદાવાદએક મહિનો પહેલા
ડાબેથી ત્રીજા પૂર્વ મંત્રી વલ્લભ કાકડિયા અને નરેશ પટેલ
  • પૂર્વ મંત્રી કાકડિયાની બાજુમાં બેઠા, કાર્યક્રમમાં 300 લોકો જ હાજર
  • નિકોલ ખાતે બાઇક રેલીમાં માત્ર 50 બાઇકો સાથે જ પાટીદાર યુવાનો જોડાયા

સૌરાષ્ટ્રમા લેઉવા પાટીદાર સમાજના ખોડલધામ મંદિરને 21 જાન્યુઆરી 2022ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થતાં ખોડલધામ ખાતે માતાજીના ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ખોડલધામમાં પાટોત્સવની ઉજવણીનું આમંત્રણ આપવા ખોડલધામ મંદિરના ટ્રસ્ટી અને લેઉવા પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ આજે અમદાવાદમાં છે. નિકોલમાં યોજાયેલા કાર્યક્રમમાં નરેશ પટેલ પૂર્વ મંત્રી વલ્લભ કાકડિયાની બાજુમાં બેઠા હતા. રાજકારણમાં જોડાવા અંગે નરેશ પટેલે કહ્યું કે, એ સમયની વાત છે સમય નક્કી કરશે.

ખોડલધામ જેટલું મારું છે એટલું જ તમારું છે
નરેશ પટેલે કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે, ઘણા સમય પછી મળવાનું થયું છે. 4 વર્ષ પછી આવવાનું થયું છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી વચ્ચે વિશ્વ ઝઝૂમતું હતું જેમાં ઘણા આપણા સંબંધીઓ આપણી વચ્ચે નથી. ખોડલધામ સમિતિએ કોરોનામાં યોદ્ધા તરીકે કામ કર્યું છે. 21 જાન્યુઆરીના કાર્યક્રમની આ મિટિંગ છે. ખોડલધામ જેટલું મારું છે એટલું જ તમારું છે. પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે પંચવર્ષીય પાટોત્સવ યોજાય છે, ત્યારે એકતાની શક્તિ બતાવવાની છે. ખોડલધામ સંસ્થા નથી એક વિચાર છે. યુવાનોને નિવેદન છે કે સંગઠનની જ્યોતને મજબૂતથી પકડી રાખજો. આજે ઘણા સમયે અમદાવાદમાં સભાને સંબોધન કરી રહ્યો છું.

સમાજના દીકરા દીકરીઓ સરકારી નોકરીઓમાં પાસ થાય
આપણા સમાજના દીકરા દીકરીઓ સરકારી નોકરીઓમાં પાસ થાય. હું આજે વિનંતી કરું છું કે ધંધા રોજગાર બંધ રાખવા પડે તો પણ એક દિવસ માતાના પાટોત્સવમાં આવે. આવતાં અઠવાડિયે દક્ષિણ ગુજરાત, મુંબઈ, નવી મુંબઈ, પુના અને હૈદરાબાદ યાત્રા કરી આમંત્રણ આપવા જવાનો છું.

પૂર્વ મંત્રી વલ્લભ કાકડિયા સાથે વાતો કરી રહેલા નરેશ પટેલ
પૂર્વ મંત્રી વલ્લભ કાકડિયા સાથે વાતો કરી રહેલા નરેશ પટેલ

2 લાખની વસ્તી છતાં કાર્યક્રમમાં માત્ર 300 લોકો જ હાજર
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નિકોલ વિસ્તારમાં નરેશ પટેલની પાટીદાર યુવાનોની રેલી યોજાઈ હતી. જેમાં માત્ર 50 જેટલા બાઇકો સાથે યુવાનો જોડાયા હતા. નરેશ પટેલનું નિકોલ ખોડિયાર મંદિર ખાતે સ્વાગત કર્યા બાદ પાટીદાર યુવાનો ઉત્તમનગર ખોડિયાર મંદિર સુધી રેલી યોજી હતી. બાપુનગર નિકોલ-નરોડા અને ઠક્કરબાપાનગર વિસ્તારમાં સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના આશરે 2 લાખ પાટીદારો છે. પરંતુ આજે ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલના કાર્યક્રમમાં માત્ર 300 લોકોની હાજરી જ જોવા મળી હતી.

નિકોલ ખાતે આવી પહોંચેલા નરેશ પટેલની કાર પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી
નિકોલ ખાતે આવી પહોંચેલા નરેશ પટેલની કાર પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી

નરેશ પટેલનું ભવ્ય સ્વાગત કર્યું
અમદાવાદ ખોડલધામ સમિતિ અને સૌરાષ્ટ્ર પાટીદાર સમાજની સંસ્થાઓ દ્વારા નરેશ પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઠક્કરબાપા નગરના ભાજપના ધારાસભ્ય વલ્લભ કાકડીયા, AMTS ચેરમેન વલ્લભભાઈ પટેલ, AMTS ભૂતપૂર્વ ચેરમેન બાબુભાઇ ઝડફિયા સહિતના ભાજપના નેતાઓ કાર્યક્રમમાં હાજર રહ્યા છે.

નરેશ પટેલના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પાટીદારો
નરેશ પટેલના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પાટીદારો

પાટીદાર સમાજની અલગ અલગ સંસ્થાઓ દ્વારા સન્માન
ખોડલધામ સમિતિ અમદાવાદના આગેવાન શહેર કન્વીનર નરસિંહ પટેલ અને સહ કન્વીનર સાજન પેથાણીના જણાવ્યા મુજબ ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ નિકોલ ઉત્તમનગર પહોંચ્યા ત્યારે ઢોલ નગારા અને પાટીદાર સમાજની મહિલાઓ દ્વારા માથે બેડાં લઈને તેઓનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. અમદાવાદના સમગ્ર સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજની અલગ અલગ સંસ્થાઓ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ખોડલધામના પાટોત્સવનું આમંત્રણ આપવા આવ્યા છે
21મી જાન્યુઆરી 2022ના રોજ ખોડલધામ કાગવડ ખાતે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેનું આમંત્રણ આપવા માટે નરેશ પટેલ આવ્યા છે. સાંજે નિકોલ ખાતે કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પશ્ચિમ વિસ્તારમાં વસ્ત્રાપુરના સિંધુભવન ખાતે પણ આ જ રીતે પાટોત્સવમાં આમંત્રણ માટે નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં અમદાવાદ જિલ્લાના આગેવાનો અને પશ્ચિમ વિસ્તારના લેઉવા પાટીદાર સમાજના લોકો હાજરી આપવાના છે.

અન્ય સમાચારો પણ છે...