AMCને ચાલુ વર્ષે વ્હીકલ ટેક્સમાં 131 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે વર્ષ 2020-21માં વ્હીકલ ટેક્સની આવક રૂ.88 કરોડથી વધુ છે. જોકે ગત વર્ષ દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં ટેક્સ ન ભરેલ વાહનો મળ્યા હતો અને વ્હીકલ ખાતા દ્વારા તેમને નોટિસ પણ આપવામાં આવી હતી. હાલમાં આરટીઓમાં વ્હીકલટેક્સ ભરેલ છે કે કેમ? તે અંગેની ચકાસણી કર્યા બાદ આરટીઓમાં પાસીંગ પ્રક્રિયા આરટીઓના સ્ટાફ દ્વારા કરવામાં આવે છે. તેમ છતાં ઘણા કિસ્સાઓમાં અનિયમિતતા સામે આવી છે.
તાજેતરમાં જ આરટીઓમાં વ્હીકલટેક્સની ખોટી પહોંચ રજૂ કરવાના મુદે પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર દાખલ કરવામાં આવી છે. આવી અનિયમિતતા દૂર કરવા તેમજ તમામ વાહનનોના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વ્હીકલટેક્સ ભરાઈ જાય તે સુનિશ્ચિત કરવા આ મામલે રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે મ્યુનિ કમિશનરને પત્ર લખીને પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી સુભાષબ્રિજ અને સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી વસ્ત્રાલની ઓફિસમાં એક-એક સિનિયર ક્લાર્ક તથા એક-એક ઓફિસ સુપ્રિટેન્ડન્ટની ફાળવણી કરવા ભલામણ કરી છે.
મ્યુનિ. કમિશરને લખેલા પત્રમાં વધુમાં કહેવાયું છે કે, આરટીઓમાં નોંધણી અરજીઓની ચકાસણી કરવાની કામગીરી આપણા સ્ટાફને સોંપવામાં આવે તો આ કાર્ય સંપૂર્ણ ચીવટ તેમજ જવાબદારી પૂર્વક થાય અને વ્હીકલ ટેક્સની કામગીરી વધુ અસરકારક થઈ શકે તેમ છે. આમ ઉપરોક્ત જગ્યાએ સ્ટાફની ફાળવણી કરવાથી રેવન્યુ લીકેજીસ અને અનિયમિતા દૂર કરી આપણાં ખૂબજ અગત્યના સ્ત્રોતની આવક વધારી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.