સન્ડે બિગ સ્ટોરીશતાબ્દી મહોત્સવ..ન ભૂતો ન ભવિષ્યતિ!:600 એકર જમીનનું 'દાન', 50 હજારથી વધુ હરિભક્તોના 'સમર્પણ' પછી બન્યું આ ભવ્ય પ્રમુખસ્વામી નગર, જુઓ અહીં તેની ભવ્યતા!

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: મનોજ કે. કારીઆ અને અજીતસિંહ ચૌહાણ
  • કૉપી લિંક

'ભગવાન સહુનું ભલું કરે...' આ વાક્ય સાંભળતા જ એક મહામાનવની મુખાકૃતિ આપણી નજર સમક્ષ સહજરૂપે ઊપસી આવે. આ મહામાનવ એટલે કરુણાના સાગર, વાત્સલ્યમૂર્તિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ. બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના (BAPS) મહાન સંત પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણીની ઘડીઓ આવી ગઈ છે. આ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે અમદાવાદના રિંગ રોડ પણ ઓગણજ-ભાડજ પાસે 600 એકરની વિશાળ ભૂમિમાં મહોત્સવ સ્થળ પ્રમુખસ્વામી મહારાજ નગર વિકસાવવામાં આવ્યું છે. આ નગર વાસ્તવમાં એક શહેરના ઝગમગાટને પણ ધૂંધળું પાડે તેવું છે. 300થી વધુ ખેડૂતો અને બિલ્ડરોના નિઃસ્વાર્થ સહયોગથી પ્રાપ્ત થયેલી ભૂમિ પર 50 હજારથી વધુ હરિભક્તોની મહિનાઓની સેવા થકી આ નગરનું નિર્માણ શક્ય બન્યું છે.

PM મોદી-મહંતસ્વામી 14મીએ ઉદઘાટન કરશે
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં એક અલગ અને અનોખું નગર ઊભું કરવામાં આવ્યું છે. આગામી 14 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન થશે. એક મહિના સુધી ચાલનારા આ મહોત્સવમાં દરરોજે ઓછામાં ઓછા એક લાખ અને શનિ-રવિ તથા રજાઓમાં 2થી 3 લાખ મુલાકાતીઓ પ્રવેશે તેવો અંદાજ છે. આમ, આ મહોત્સવમાં એક મહિના દરમિયાન એક કરોડથી પણ વધુ મુલાકાતીઓ આવે તેનો અંદાજ છે. આટલી વિશાળ સંખ્યામાં મુલાકાતીઓના સંચાલન તેમજ સુવ્યવસ્થા માટે બારીકાઈથી એકેએક બાબતનું સચોટ આયોજન કરવામાં આવ્યું છે. આ નગરમાં આઝાદીના અમૃત મહોત્સવના વીરપુરુષોના કટઆઉટ પણ મુકાયા છે. બાળકોથી માંડીને યુવાઓ તેમ જ વડીલોને આકર્ષે તેવા નગરની રચના કરવામાં આવી છે. આ ઉદઘાટન સમારોહમાં 1 લાખથી વધુ હરિભક્તો સહિત પ્રજાજનો ઉપસ્થિત રહેશે.

મહંતસ્વામીની એક હાકલ અને નામ નોંધાવવા પડાપડી થઈ
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવાની કામગીરી છેલ્લાં બે વર્ષથી ચાલતી હતી. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ઉજવણી કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. તેમાંય વળી BAPSના વડા મહંતસ્વામીએ દિવાળી અને બેસતું વર્ષ તો નગરમાં જ ઊજવવા તેવી આજ્ઞા કરી હતી.આ આજ્ઞાના પગલે ગુજરાતભરમાંથી હરિભક્તોએ નગરમાં સેવામાં આવવા માટે નામ નોંધણી કરાવવા માટે પડાપડી કરી મૂકી હતી. પરંતુ વ્યવસ્થાને ધ્યાનમાં લઇને ઘણા હરિભક્તોને ના પાડવામાં આવી હતી. તેમને પછીની સેવામાં આવવા માટે જણાવવામાં આવ્યું છે. દિવાળીટાણે નગરમાં 14 હજાર જેટલા હરિભક્તો હતા, જેમણે તહેવારોની ઉજવણી કરવાની સાથોસાથ પ્રમુખસ્વામી નગર ઊભું કરવા માટે વિવિધ પ્રવૃત્તિમાં સેવા આપી હતી. આ હરિભક્તો 31મી ઓક્ટોબર સુધી રોકાયા હતા અને પછી બીજાનો વારો સેવામાં આવ્યો હતો.

ડાબેથી જમીન આપનાર ભીખાભાઈ પટેલ, નારણભાઈ પટેલ, ત્રિકમભાઈ પટેલ અને અલ્પેશભાઇ પટેલ
ડાબેથી જમીન આપનાર ભીખાભાઈ પટેલ, નારણભાઈ પટેલ, ત્રિકમભાઈ પટેલ અને અલ્પેશભાઇ પટેલ

મહોત્સવ માટે 27 વીધા જમીન હરિભક્તોએ સેવામાં આપી
રેસ્ટોરન્ટનો વ્યવસાય કરતા હરિભક્ત અલ્પેશ પટેલે શતાબ્દી મહોત્સવ માટે પોતાની 27 વીઘા જમીન સેવા માટે આપી છે. પોતાને આ અનોખો સેવાનો અવસર મળ્યો અને બાપાનો રાજીપો તેમના પર છે એમ માનીને તેમણે આ કાર્ય કર્યું છે. એટલું જ નહીં, નજીકમાં જ પોતાનો છ બેડરૂમવાળો બંગલો સંતોને ઉતારા માટે આપીને તે પોતે અત્યારે બે બેડરૂમના મકાનમાં ભાડે રહેવા ગયા છે. અલ્પેશભાઈના પરિવારના ચાર લોકો સાથે તેમનાં 83 વર્ષના માતા પણ પોતાના પુત્રના આ નિર્ણયથી ખુશ છે. અલ્પેશભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, સેવા કરવાથી બહુ સુખી રહેવાય છે, આધ્યાત્મિક રહી શકાય છે. અમારે કોઈ કૌટુંબિક પ્રશ્ન નથી અને પરિવારમાં બધા શાંતિ રહે છે અને જીવનમાં કોઈપણ વિપરીત સમયમાં માનસિક બેલન્સ જળવાઇ રહે છે.

ઝીરો કોસ્ટિંગ, 'રિ-યુઝ'ના કન્સેપ્ટની સાર્થકતા
'ન ભૂતો ન ભવિષ્યતિ' એવા આ જન્મ શતાબ્દી મહોત્સવની સૌથી ખાસ બાબત તેનું ઝીરો કોસ્ટિંગ આયોજન છે. એટલે કે, દાન અને સમર્પણની ભાવનાથી યોજાઈ રહેલા આ મહોત્સવમાં જમીનથી માંડીને તમામ સીધું-સામાન હરિભક્તો અને સેવાભાવી લોકોએ નિઃશુલ્ક આપ્યું છે. બીજી તરફ 50 હજારથી વધુ હરિભક્તો અને સ્વયંસેવીઓ બે મહિના કરતાં વધુ સમયથી આ પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં શ્રમદાન કરી રહ્યા છે. 'રિ-યુઝ'ના કન્સેપ્ટ પર આ આખું નગર ઊભું કરવામાં આવ્યું છે અને મહોત્સવ પૂર્ણ થયા બાદ એકેએક ચીજનું દાન કરી દેવાશે અથવા જેણે યોગદાન આપ્યું છે તેને પરત કરી દેવામાં આવશે. આટલા વિશાળ સ્તરના મહોત્સવનું 'ઝીરો કોસ્ટિંગ' કન્સેપ્ટ પર આયોજન કરવા બદલ તેનું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાશે તે નિશ્ચિત છે.

સ્વયંસેવકો માટે બે ભોજનશાળા-બે હોસ્પિટલ
આ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી લાખ્ખો હરિભક્તોનું માનવ મહેરામણ ઊમટી પડશે. જો કે આ મહોત્સવમાં 50 હજારથી વધુ સ્વયંસેવકો સેવા આપશે. તેમના માટે સંસ્થા તરફથી અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તેમજ નગરમાં સેવા કરનારા સ્વંયસેવકો માટે બે ભોજનશાળા તથા બે હોસ્પિટલો પણ ઊભી કરવામાં આવશે. તેની સાથે સાથે દેશ અને દુનિયામાંથી જોવા આવનારાઓ માટે રહેવાની વ્યવસ્થા પણ કરાઇ છે. જેમ પ્રમુખસ્વામી નગર માટે ખેડૂતો, વેપારીઓ તેમજ ઉદ્યોગપતિઓએ જમીન આપી છે. તે જ રીતે હરિભક્તોના રહેવા માટે બિલ્ડરો તરફથી પણ મકાનો આપીને સેવા કરી છે. આ મકાનોમાં બહારગામથી આવતા હરિભક્તોને 24 કલાક માટે ઉતારો આપવામાં આવશે. તેના માટે નોંધણી કરાવનાર હરિભક્તોને જ ઉતારા આપવામાં આવશે.

સેવા કરવા હરિભક્તોએ નોકરીઓ છોડી
આ મહોત્સવમાં સેવાનો લાભ લઈને જીવનને ધન્ય બનાવી દેવા સાથે મહંતસ્વામી તથા સદગુરુ સંતોનો રાજીપો મેળવી લેવા માટે હરિભક્તોમાં પડાપડી છે. સેવા માટે આવેલી દરેક વ્યક્તિની જુદી જુદી વાતો છે. દરેક વાત સાંભળનાર અને જાણનારાઓને અચંબા અને આશ્ચર્યમાં મૂકી દે એવી છે, પરંતુ કોઈના મન પર લગીરે નિરાશા નથી. બધામાં ઉત્સાહની સાથોસાથ મનમાં એક જ વાત છે કે પ્રમુખસ્વામી મહારાજની સેવા કરીને ઋણ અદા કરવું છે અને ગુરુ હરિ મહંતસ્વામીનો રાજીપો મેળવવો છે. આવા કંઈ-કેટલાયે સેવાર્થીઓમાંથી દિવ્ય ભાસ્કરે ત્રણ મહિલા સહિત કુલ સાત લોકો સાથે વાત કરી હતી. તેમની વાતો અહીં રજૂ કરી છે, જેમાં કેન્યાથી આવેલા એનઆરઆઈ, ગુજરાતના સાયન્ટિસ્ટ, શિક્ષક, ડોક્ટર સહિતનાની ભક્તિનું વર્ણન કર્યું છે. આમાં ઘણાએ તો પોતાની લાખો રૂપિયાની નોકરી છોડી દીધી હતી તો ઘણા પોતાનો ધીકતો ધંધો માણસોના ભરોસે મૂકીને સેવા કરવા આવ્યા છે.

તો ચાલો આ વિશાળ મહોત્સવમાં ક્યાં શું છે અને કઈ રીતે છે તેની વિશેષતાઓ સહિત આપને સફર કરાવીએ...

ગ્લો ગાર્ડન એટલે કે મંત્રમુગ્ધ કરતો જ્યોતિ ઉદ્યાન
આ મહોત્સવ સ્થળે અદભુત રંગબેરંગી ડિઝાઈન તેમજ પ્રેરક સંદેશા સાથે પ્રમુખ જ્યોતિ ઉદ્યાન એટલે કે ગ્લો ગાર્ડન તૈયાર કરાયો છે. છ મહિના સુધી 2100 સ્વયંસેવકોની દિવસ-રાતની મહેનતથી અદભુત રીતે ગ્લો ગાર્ડનને સજાવવામાં આવ્યો છે. 10 એકર વિસ્તારમાં ફેલાયેલા આ ગ્લો ગાર્ડનમાં અંદરથી પ્રકાશિત થાય તેવા અને સ્વયંસેવકોએ હાથે બનાવેલાં વિશાળ કદનાં આઠ હજારથી વધુ ફૂલો મહેકી ઊઠ્યાં છે. ગ્લો ગાર્ડનમાં 150થી વધુ વિવિધ સંદેશાઓ લઈને જાત મહેનતથી રચવામાં આવેલી વિશાળકાય પ્રાણીઓ, પક્ષીઓની પ્રતિકૃતિ વગેરે સૌની આંખોને જકડી રાખશે. ગ્લો ગાર્ડન પ્રકૃતિમાં શ્રદ્ધા, પરમાત્મામાં શ્રદ્ધા, શાસ્ત્રોમાં શ્રદ્ધા, ગુરુમાં શ્રદ્ધા, રાષ્ટ્રમાં શ્રદ્ધા અને વિશ્વમાં શ્રદ્ધા જેવા વિષયોની રચનાત્મક પ્રસ્તુતિ કરે છે.

ફૂલ છોડના મોનિટરિંગ કરવા માટે ટેક્નિકલ નિષ્ણાત
પ્રમુખસ્વામી નગરમાં ગ્લો ગાર્ડન, પ્રમુખસ્વામીની મૂર્તિની ફરતે, અક્ષરધામની આસપાસ ઉપરાંત બાળનગરી તેમજ મુખ્ય પ્રવેશ દ્વારથી માંડીને પ્રમુખસ્વામી નગરમાં પ્રવેશવા માટે ઊભા કરવામાં આવેલા અન્ય ગેટ મળીને કુલે 13 જેટલાં સ્થળોએ જાતજાતનાં અને વિવિધ પ્રકારનાં ફૂલ-છોડ રોપવામાં આવ્યાં છે. આ ફૂલ છોડને પણ માનવીની માફક બદલાતાં જતાં તાપમાનની અસર થઇ શકે છે. તેનાથી તે કરમાઇ જવા તેમ જ સુકાઇ જવાની સંભાવના રહે છે. તેની સતત માવજત તથા જતન કરવામાં આવે છે. તેનું મોનિટરિંગ કરવા માટે ટેક્નકિલ નિષ્ણાતો રાખવામાં આવે છે. જે સતત દરેક ફૂલ-છોડ પર દેખરેખ રાખે છે. કયાંક કોઇ ફૂલ છોડને બીમારીની અસર જણાય તો તેના પર જરૂર પડ્યે દવાનો છંટકાવ કરવામાં આવે છે. ખાસ કરીને ઓર્ગેનિક તથા ગૌ મૂત્ર તેનો અકસીર ઇલાજ છે. તેનો ઉપયોગ કરીને તેની સારવાર કરવામાં આવે છે.

ભૌગોલિકતા આધારિત 7 પ્રવેશદ્વાર અને 'સંતદ્વાર'
તમે ચાહે સૌરાષ્ટ્રથી આવી રહ્યા હોવ કે સુરતથી... મહેસાણાથી આવી રહ્યા હોવ કે માણસાથી.. તમારા રૂટથી જ મહોત્સવ સ્થળે સહેલાઈથી પ્રવેશવા માટે કુલ 7 પ્રવેશદ્વાર બનાવાયા છે. આમાંથી મુખ્ય પ્રવેશદ્વાર સંતદ્વાર તરીકે સૌથી વધુ કલાત્મક રીતે તૈયાર કરવામાં આવ્યો છે. સંતદ્વાર 380 ફૂટ પહોળો તેમજ અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભી રહ્યો છે. તદુપરાંત આ પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપી રહી છે. શ્રીમદ્ આદિ શંકરાચાર્ય, શ્રીમદ્ વલ્લભાચાર્ય, શ્રીમદ્ રામાનુજાચાર્ય, તુલસીદાસજી, નરસિંહ મહેતા, મીરાંબાઈ તેમજ ભગવાન બુદ્ધ અને શ્રી મહાવીર જેવા મહાન અવતારી પુરુષો અને સંતોની આ 28 પ્રતિકૃતિઓ સૌને પવિત્ર પ્રેરણાઓ આપશે.

પાંચ વિશાળકાય ડોમમાં સંસ્કૃતિનાં દર્શન
મહોત્સવ સ્થળના કેન્દ્રમાં 40 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી પીઠિકા પર સ્થાપવામાં આવેલ પ્રમુખસ્વામી મહારાજની સ્વર્ણિમ મૂર્તિ 30 ફૂટ ઊંચી છે. આ મૂર્તિની ચારે તરફના વર્તુળમાં અહર્નિશ સેવામય પ્રમુખસ્વામી મહારાજના અદભુત પ્રેરક પ્રસંગો છે. દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામની હુબહુ પ્રતિકૃતિ રૂપે રચવામાં આવેલા 67 ફૂટ ઊંચા મહામંદિરમાં કુલ પાંચ વિશાળકાય ઘુમ્મટો નીચે સનાતન ધર્મનાં દિવ્ય દેવસ્વરૂપો દર્શન આપે છે. ભગવાન સ્વામિનારાયણ – અક્ષરપુરુષોત્તમ મહારાજ, ભગવાન રાધા-કૃષ્ણ, ભગવાન સીતા-રામ, ભગવાન ઉમા-મહાદેવ વગેરેની અદભુત મૂર્તિઓનાં દર્શન કરીને લાખો લોકોમાં શ્રદ્ધા દૃઢાવશે. આ ઉપરાંત આ મંદિરના મંડોવર અને સ્તંભોમાં 48 ગણપતિજી, 104 ઋષિમુનિઓ-સંતો-ભક્તોની કલાત્મક મૂર્તિઓ કંડારાયેલી છે.

બાળકોએ રચેલી બાળનગરી કરશે મંત્રમુગ્ધ
મહોત્સવનું એક વિશિષ્ટ આકર્ષણ એટલે BAPS બાળનગરી. આ બાળનગરી એ બાળકો દ્વારા વિચારાયેલી, બાળકો માટે બનાવાયેલી, બાળકો દ્વારા સંચાલિત એક અલગ નગરી છે. અહીંની વિવિધ પ્રસ્તુતિઓ મુલાકાતી બાળકોને જીવનમાં વધુ સારી વ્યક્તિ બનવાની પ્રેરણાથી છલકાવી દેશે. સંસ્થાનાં 4,500થી વધુ બાળ-બાલિકા સ્વયંસેવકો દ્વારા સંચાલિત આ બાળનગરીને સજાવવામાં 6,500થી વધુ બાળપ્રવૃત્તિ કાર્યકરો સેવા આપી રહ્યા છે. કલાત્મક મેસ્કોટ, 3 પ્રદર્શન ખંડો, સંસ્કૃતિરત્નો, શાંતિનું ધામ, બાળસ્નેહી ઉદ્યાન, બાળમંડળ એક્સપ્રેસ જેવી વિવિધ રચનાઓ ઉપરાંત બાળનગરીના બે કલામંચોમાં 150થી વધુ બાળકો નૃત્ય, ગીત-સંગીત, વક્તવ્યોની રમઝટ બોલાવશે અને બાળકોને મોજ કરાવશે. આ ઉપરાંત આ કાર્યક્રમોથી મુલાકાતી બાળકોની ભીતરની સુશુપ્ત શક્તિઓ ખીલવવાની પ્રેરણા આપશે.

અનેકવિધ કાર્યક્રમોથી નગર ગુંજતું રહેશે
ભાડજ સર્કલથી ઓગણજ સર્કલ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડ પર 600 એકર જમીનમાં પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે સતત 30 દિવસ સુધી અનેકવિધ કાર્યક્રમોથી મહોત્સવ સ્થળ- પ્રમુખસ્વામી મહારાજ નગર ગુંજતું રહેશે. પ્રમુખસ્વામી મહારાજના જીવન કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસના વિવિધ વિષયો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રોજ મધ્યાહને અલગ અલગ કાર્યક્રમો, સવારે વિવિધ વિષયક એકેડેમિક કોન્ફરન્સ તથા એસોસિયેશનોની કોન્ફરન્સ જેવા વિવિધ કાર્યક્રમોની ભરમાર દિવસભર રહેશે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગુહમાં નિત્ય ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરના સંતો, વિદ્વાનો, મહાનુભાવો વગેરેની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાશે.

પાર્કિંગની વ્યવસ્થા માટે 2500થી વધુ સ્વયંસેવકો
વિશાળ મહોત્સવ સ્થળની સ્વચ્છતા માટે પણ આગવું આયોજન કરવામાં આવ્યું છે. પ્રમુખસ્વામી મહારાજ નગરના પ્રત્યેક વિભાગની સ્વચ્છતા માટે વિવિધ પ્રકારની સ્વચ્છતા-મશીનરીઓ સાથે અઢી હજાર સ્વયંસેવકો સજ્જ છે. અહીં કચરામાંથી ખાતર કે અન્ય વસ્તુઓ એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે પણ વિવિધ આયોજનો કરાયાં છે. જેમાં ફેંકી દેવાયેલી પાણીની બોટલોમાંથી કચરા ટોપલીઓ જેવી રચનાઓ બનાવીને પર્યાવરણની સંભાળનો પણ ખ્યાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નગરમાં પ્રવેશતાંની સાથે જ બંને બાજુ મહિલા અને પુરુષ માટે વોશરૂમ રહેશે. ત્યાંથી આગળ આવતાં જ પ્રેમવતી તેમજ બુક સ્ટોલ રહેશે. પ્રેમવતીનું સંચાલન મહિલાઓ જ કરશે. કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી ચાલનારી પ્રેમવતીમાં સામાન્ય દરથી ભોજન વાનગીઓ પીરસાશે. મહોત્સવ સ્થળના નિર્માણમાં 60,000થી વધુ સ્વયંસેવકો જોડાયા છે. જ્યારે મહોત્સવ સ્થળની આ તમામ વ્યવસ્થાઓને જાળવવા 80,000થી વધુ સ્વયંસેવકો સમાપન સુધી કાર્યરત રહેશે.

'શતાબ્દી સેવામાં ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપી'
એક એવા ખેડૂત જેમણે પ્રમુખ સ્વામી મહારાજનું નામ સાંભળ્યું અને તેમના સેવાકીય કાર્યોની માહિતી હતી. એવા ભીખાભાઈ પટેલે પણ સેવાનો મોકો જતો ના કર્યો અને શતાબ્દી સેવામાં ફૂલ નહિ તો ફુલની પાંખડી આપીને પોતાનું જીવન ધન્ય બનાવી લીધું છે. શતાબ્દી મહોત્સવમાં દરેક ખેડૂતોની માફક આ અદના માનવી જેને નિ:સ્વાર્થ સેવા કરવાનું મનોમન બીડું ઉઠાવ્યું અને પોતાની 5 વીઘા જમીન શતાબ્દી મહોત્સવ મનાવવામાં માટે આપી દીધી. ભીખાભાઈએ જણાવ્યું હતું કે, પ્રમુખ સ્વામીનું જીવન દિવ્ય હતું અને જ્યારે તેમના સંતોને ભીખાભાઈ મળ્યા, જે જમીન પર શતાબ્દી મહોત્સવની ઉજવણીનું પ્લાનિંગ ચાલતું હતું. ત્યારે મનોમન પોતાની જમીન પણ સારા કામમાં ઉપયોગી થાય તેમ માનીને જમીન આપીને સેવા કરવાનો મોકો ભીખાભાઈએ ઉઠાવી લીધો હતો.

'કોરોના કાળમાં પણ જમીન સફાઇની કામગીરી કરી હતી'
ત્રિકમભાઇ જમનાદાસ પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, હું મહેસાણા જિલ્લાનો છું. પરંતુ અમદાવાદમાં ઘણાં વર્ષોથી અમે સ્થાયી થયા છીએ. બાપદાદાના સમયથી બી.એ.પી.એસ. સંસ્થા સાથે જોડાયેલા છીએ. હું કન્સ્ટ્રકશન તથા જમીન લે-વેચના ધંધો કરું છું. ઓગણજ, લપકામણ, રકનપુરની જગ્યા અનંતકાળથી તપ કરી રહી હતી. એના કારણે આ જગ્યાને સામૈયાનો લાભ મળ્યો છે. જે ખરેખર આ ગામના બધા લોકો ધન્યતા અનુભવશે. વિશ્વ કક્ષાએ આ જગ્યા પ્રચલિત થઇ જશે. એટલું જ નહીં પરંતુ આ જગ્યા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ માટે આપનારા લોકોને ચમત્કારનો અનુભવ થયો છે. જેવો કે તેમની જમીનના ભાવો ઊંચકાઇ ગયા છે. રોડ-રસ્તા ખૂલી ગયા છે. આ જગ્યા પર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવાનું નક્કી કર્યું ત્યારે આ જગ્યા સૌ કોઇએ હોંશેહોંશે આપી છે. ડિસેમ્બર-2021માં કાર્યક્રમ હતો. બાવળ કાઢીને સફાઇ પણ શરૂ કરી હતી. કોરોના આવી ગયો અને ચોમાસું આવ્યું એટલે બાવળ પાછાં ઊગી ગયા હતા. નક્કી બે વર્ષ પહેલાં થયું હતું. કોરોનાના કારણે એક વર્ષ મોડું થયું હતું. દોઢેક વર્ષથી નગરની રચના કરવાનું શરૂ કર્યું હતું. સાક્ષાત્ પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી દિવ્ય દેહે હાજર હોય તે રીતે કાર્ય થયું. મારી 14 વીઘા જમીન ઉપયોગમાં આવી છે. તેની અમે ધન્યતા અનુભવીએ છીએ.

'નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે, તેમના મોટાભાઇ સોમાભાઇએ સેવા આપી'
સરદાર ધામના ટ્રસ્ટી ત્રિકમભાઇ પટેલે જણાવ્યું કે, ખેડૂતો, બિલ્ડરોએ તો પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં સેવા આપી જ છે. પરંતુ આસપાસમાં આવેલી સંસ્થાઓએ પણ સેવા કરી છે. મેં સરદાર ધામમાં ટ્રસ્ટીઓ માટે રહેવા રૂમો બનાવેલા છે. સંસ્થાના ચેરમેન ગગજીભાઇ અને તેમની ટીમે નગરની મુલાકાત લીધી. તેનાથી પ્રભાવિત થઇને તેઓ રૂમો સેવામાં આપવા તૈયાર થયા છે. આ ઉપરાંત વૈષ્ણોદેવી સર્કલ પાસે મોદી સંકુલ (હોસ્ટેલ)નું તાજેતરમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું હતું. 12 માળના બિલ્ડિંગમાં 6 માળ તૈયાર થઇ ગયા છે. 6 માળનું કામ ચાલુ છે. તેમને પણ આ મહોત્સવની વાત કરી હતી. મહોત્સવમાં સંતો-મહંતો આવવાના છે. તેમના રહેવા માટે રૂમો આપવાની વાત કરી હતી. મોદી સંકુલના ચેરમેન કાન્તિભાઇ અને સોમાભાઇ મોદીએ મોદી સંકુલના ત્રણ માળ અમને આપ્યા છે. જેમાં 75 મહાનુભાવો રહી શકે તે માટે તે પ્રકારની સુવિધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સોમાભાઇ તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટાભાઇ છે. જ્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને પણ સહયોગ આપ્યો છે. તો ઉમિયા ધામ, સોલાએ પણ સહયોગ આપ્યો છે. આ ઉમિયા ધામનો અંક બહાર પડે છે. તેમાં પ્રમુખસ્વામી મહારાજનો આખોય અંક બહાર પાડયો છે.

'સંતો-મહંતો આવવાના હોવાથી અમે આ જમીન સેવામાં આપી'
રકનપુરના રહીશ નારણભાઇ કાન્તિભાઇ પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, મારી રકનપુરમાં 5 વીઘા જમીન છે. આ જમીન અમે સેવામાં આપેલી છે. આ જમીન પર પહેલાં ખેતી કરતાં હતા. ખેતી પર જ મારો જીવન નિર્વાહ ચાલતો હતો. પરંતુ કોવિડના કારણે ખેતી બંધ થઇ ગઇ હતી. અહીંયા પ્રમુખસ્વામી મહારાજનો સામૈયો થવાનો હતો. આ મહોત્સવમાં સંતો-મહંતો આવવાના હોવાથી અમે આ જમીન સેવામાં આપી છે. આ જમીન આપવા માટે અમારા પરિવારના તમામ સભ્યો તૈયાર હતા. અમે મહોત્સવ સંપન્ન થયા બાદ જમીન પાછી મળશે એટલે તેમાં ખેતી કરીશું.

અન્ય સમાચારો પણ છે...