આ વર્ષે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજ્યમાં આમ આદમી પાર્ટી(AAP) સક્રિય બની છે. મોટાં શહેરોથી લઈ અને નાનાં ગામડાં સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી નજીક આવતાં જ પક્ષ પલટાની મૌસમ પૂરબહારમાં ખીલે છે. આ વખતે પણ પક્ષ પલટાની સીઝન શરૂ થઈ ગઈ છે. ભાજપ હાલ પોતાના જ પૂર્વ નેતાઓ અને કેટલાક કોંગ્રેસના નેતાઓને પક્ષમાં જોડી રહ્યો છે. તો બીજી તરફ ભાજપને પડકાર ફેંકી રહેલી આમ આદમી પાર્ટી ભાજપના જ અસંતુષ્ટોને પાર્ટીમાં લાવવા વ્યૂહરચના ગોઠવી રહી છે. આ અંગે AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ DivyaBhaskar સાથેની ખાસ વાતચીતમાં ઘટસ્ફોટ કર્યો છે.
દિવ્યભાસ્કર: ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રીનો ચહેરો કોણ?
ગોપાલ ઇટાલિયા: ગુજરાતની જનતા જ અમારો મુખ્યમંત્રીનો ચહેરો છે. જનતાના મુદ્દા જ અમારા ચહેરા છે. ભાજપ જ્યારે મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરશે ત્યારે અમે જાહેર કરીશું.
દિવ્યભાસ્કર:આમ આદમી પાર્ટીનું સંગઠન કઈ રીતે મજબૂત કરશો?
ગોપાલ ઇટાલિયા: સંગઠન મજબૂત કરવા અમે લોકો સુધી પહોંચી રહ્યા છીએ. વિવિધ કાર્યક્રમો, ધરણાં, મશાલયાત્રા, વિરોધપ્રદર્શન, આવેદનપત્ર, રેલી, સભા અને મીટિંગ જેવા કાર્યક્રમો કરીને લોકો સુધી પહોંચી રહ્યા છીએ.
દિવ્યભાસ્કર: ચૂંટણીમાં લોકો સુધી કયા મુદ્દા લઈને જઈ રહ્યા છો?
ગોપાલ ઇટાલિયા: ગુજરાતમાં બેરોજગારી ગંભીર વિષય બની રહ્યો છે. આ સિવાય ખેતીનો મુદ્દો છે. ખેડૂતોને સિંચાઈ માટે પાણી અને વીજળી મળે. શિક્ષણનું તો ગુજરાતમાં જે રીતે ભાજપે ખાનગીકરણ કર્યું છે, શિક્ષણનો વેપાર કર્યો છે, જેનાથી એક એક વ્યક્તિ પીડિત છે. આરોગ્યનો પ્રશ્ન આપણે કોરોનામાં જોઈ લીધો છે. માણસના જીવનના રોજબરોજને સ્પર્શતા મહત્ત્વના મુદ્દાઓ પર આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં કામ કરી બતાવ્યું છે અને પંજાબમાં કામ થઈ રહ્યું છે. ગુજરાતમાં આ જ મુદ્દા પર ચૂંટણીના શ્રી ગણેશ કરાશે.
દિવ્યભાસ્કર: તમે હાર્દિક પટેલનો સંપર્ક કર્યો છે?
ગોપાલ ઇટાલિયા: અમે બધાનો સંપર્ક કર્યો છે. હાર્દિક પટેલનો પણ સંપર્ક કર્યો છે. નરેશભાઈનો પણ સંપર્ક કર્યો છે. તમામ લડાયક અને સંઘર્ષ કરવાવાળી વ્યક્તિઓનો સંપર્ક કર્યો છે અને નિમંત્રણ પણ આપ્યું છે. બધી જ બાબતો કરી છે, હવે નિર્ણય તેમના પર છે.
દિવ્યભાસ્કર: તમે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રીઓને જોડવાનો પ્રયાસ કરશો?
ગોપાલ ઇટાલિયા: લોકોને જોડવાના પ્રયાસ ચાલુ છે. ભાજપના કેટલાક સારા લોકો અમારા સંપર્કમાં છે. ભાજપના તાલુકા અને જિલ્લા લેવલે ચૂંટાયેલા સભ્યો પણ સંપર્કમાં છે. કોંગ્રેસના મિત્રો પણ સંપર્કમાં છે. સમાજનું જે સારું કામ કરે છે તેવા લોકો પણ સંપર્કમાં છે. જેમ જેમ સમય અને સંજોગો આવશે તેમ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈને પરિવર્તનના મિશનમાં યોગદાન આપશે.
દિવ્યભાસ્કર: ચૂંટણી પહેલાં ભાજપના નેતાઓ AAPમાં જોડશે એવું લાગે છે?
ગોપાલ ઇટાલિયા: લાગી રહ્યું નથી, મને તો ખબર જ છે. ભાજપમાં એક એવો પણ વર્ગ છે, જેને ભાજપની તાનાશાહી, ગુંડાગીરી તેમજ ભ્રષ્ટ માનસિકતાથી તકલીફ છે. ભાજપમાં પણ કેટલીક સજ્જન વ્યક્તિઓ છે, જે હવે નિર્ણય લેવાની ક્ષમતા પર આવી પહોંચ્યા છે અને આગામી દિવસોમાં સારા સમાચાર પણ આપશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.