ભાજપ-RSSની 'ચૂંટણી પે ચર્ચા':શિક્ષણમંત્રીની કાર પર વાંદરાઓએ કૂદકા માર્યા, કાચના કુચ્ચા કરી નાખ્યા, સમન્વય બેઠકમાં હાજરી આપવા આવ્યાં હતા

અમદાવાદએક મહિનો પહેલા
  • સમન્વય બેઠકમાં સી.આર પાટીલ, ગૃહરાજ્યમંત્રી સહિતના નેતાઓ હાજર
  • બેઠકમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠનના આગેવાનો હાજર રહેશે

શહેરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાતના મુખ્ય કાર્યાલય હેડગેવાર ભવનમાં આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સમન્વય બેઠક યોજાઈ છે. આ બેઠકમાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પણ ભાગ લેવા માટે હેડગેવાર ભવન ખાતે પહોંચ્યા હતા, તેઓની કાર બહાર રોડ ઉપર પાર્ક કરવામાં આવી હતી. દરમિયાનમાં કેટલાંક વાંદરાઓનું ટોળું રોડ પર ભેગું થયું હતું. વાંદરાઓના ટોળાએ જીતુ વાઘાણીની કારના આગળના કાચ પર કૂદકો મારીને જતા કારનો કાચ તૂટ્યો હતો. ડ્રાઈવરની સાઈડની તરફ આગળનો કાચ તૂટી જતાં ત્યાં આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા.

બેઠકમાં સી.આર પાટીલ, ગૃહરાજ્યમંત્રી સહિતના નેતાઓ હાજર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સમન્વય બેઠકમાં સી.આર પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ હાજર રહ્યા છે. બેઠકમાં રાજકીય, સામાજિક સ્થિતિ પર ચર્ચા થશે. પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક જયંતિભાઈ ભડેસિયા પણ હાજર રહ્યા છે. જ્યારે થોડીવારમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બેઠકમાં હાજર રહેશે. દર વર્ષે જૂન અને નવેમ્બર મહિનામાં આ સમન્વય બેઠક યોજાતી હોય છે.

બેઠકમાં સી.આર પાટીલ હાજર
બેઠકમાં સી.આર પાટીલ હાજર

આગામી ચૂંટણીમાં સંઘની ભૂમિકા મહત્વની રહેશે!
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ મામલે ભાજપે ફાસ્ટ્રેક મોડ પર તૈયારીઓ શરૂ કરી દેતા વહેલી ચૂંટણીની ચર્ચાએ જોર પકડ્યું છે આવા સમયે જ આજે અમદાવાદમાં RSS અને ભાજપના રાજ્ય એકમની એક બેઠક મળી હતી. જેમાં રાજ્યની ચૂંટણીઓમાં સંઘની ભૂમિકા તથા સંઘ પાસે જે કાંઇ વિચારો છે તેની ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતમાં RSSના અનેક અગ્રણીઓ ઉપરાંત બેઠકમાં ભાજપ તરફથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહ્યા હતા. ખાસ કરીને દિલ્હીથી આ બેઠકમાં હાજરી આપવા ભાજપના સંગઠન મહામંત્રી બી.એલ સંતોષ પણ ખાસ હાજર હતા. લગભગ અઢી કલાક સુધી આ બેઠક ચાલી હતી.

સંઘ-ભાજપ વચ્ચે નિયમિત બેઠકોનો દોર
સુત્રોના જણાવ્યા મુજબ ભાજપ એ RSSની રાજકીય પાંખ છે અને દેશભરમાં આ રીતે સંઘ અને ભાજપ વચ્ચે નિયમિત રીતે બેઠકો યોજાતી રહે છે. તે વચ્ચે વર્ષમાં બે વખત ગુજરાતમાં પણ બેઠકો યોજાઈ હતી. જોકે સૌપ્રથમ વખત ભાજપમાં મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ બંને RSSનું બેકગ્રાઉન્ડ ધરાવતા નથી, જેથી એ મુદ્દો પણ મહત્વનો છે. આમ છતા પણ RSS દ્વારા રાજ્યમાં રાજકીય, સામાજિક સહિતના મુદ્દાઓ પર ભાજપને માર્ગદર્શન અને સરકારને પણ સૂચનો આપવામાં આવે છે અને તેનો અમલ પણ થાય છે. આ સ્થિતિ દેશભરમાં સંઘ અને ભાજપ વચ્ચે એક સમન્વય તરીકે જોવામાં આવે છે.

ચૂંટણીની રણનીતિ માટે કાર્યકરોની ફોજ તૈયાર થશે
થોડા દિવસ પહેલા ગુજરાત આવેલા ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે સરકાર અને સંગઠનના ટોચના આગેવાનો સાથે બેઠકો કરી 2017ની વિધાનસભા અને 2019ની લોકસભા ચૂંટણીની સમીક્ષા કરી અન્ય રાજ્યોની ચૂંટણીની રણનીતિ ગુજરાતમાં પણ લાગુ કરવા ચુનંદા કાર્યકરોની ફોજ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી.

બેઠકમાં સીએમની કામગીરીનું કાર્ડ મુકાયું
તે સમયે બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના કામગીરીનું કાર્ડ મુકવામાં આવ્યું હતું. જેમાં ખેડૂત યુવાન મહિલા ગરીબો માટેની યોજના અંગેની જાણકારી આપવામાં આવી હતી. દરેક મંત્રીને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, માત્ર પોતાના મતવિસ્તારની નહીં, પરંતુ આસપાસના વિધાનસભા વિસ્તારને પણ ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવે અને આગામી 18 સપ્તાહનો સમય તમારી પાસે છે તેમાં સરકારી યોજના લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે આયોજનબદ્ધ રીતે આગળ વધવા તાકીદ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...