ભાસ્કર ઇનસાઇડ:ચૂંટણી લડવા તૈયાર હાર્દિક પટેલને ઘેરવા આનંદીબેનના નજીકના નેતાઓની ભાજપમાં ઘરવાપસી, ઘરમાં જ પછાડવા ઘેરાબંધીનો પ્લાન

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: ટીકેન્દ્ર રાવલ
  • 2015થી ભાજપ માટે હાર્દિક પટેલ નડતરરૂપ
  • ચૂંટણી લડવાની જાહેરાત કરતાં જ ભાજપ એક્શન મોડમાં
  • ચૂંટણી નજીક આવતાં જ આનંદીબેન જૂથનો પ્રભાવ વધવા લાગ્યો

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ રાજકીય ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને સત્તા પક્ષ ભાજપનાં બદલાતાં સમીકરણો અને ચાલી રહેલી વ્યૂહરચના આગામી દિવસોમાં મહત્ત્વની બની શકે છે. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની સજા પર સ્ટે આપ્યા બાદ હાર્દિકે 2022ની વિધાનસભા અને 2024ની લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી, જેને પગલે ભાજપે વ્યૂહરચનામાં ફેરફાર કર્યો છે.

હવે ભાજપની સીધી નજર હાર્દિક પટેલની ગતિવિધિઓ પર છે, ત્યારે ભાજપે હાર્દિકને વિરમગામ સહિતની અમદાવાદ જિલ્લાની બેઠકો પરથી ચૂંટણી લડે તો તેને ઘેરવા માટે ભાજપ છોડી ગયેલા અને આનંદીબેનના ખાસ મનાતા પૂર્વ ધારાસભ્યો પ્રાગજીભાઈ પટેલ, કમાભાઇ રાઠોડ તથા બોપલ-ઘુમા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર મહેશ પટેલની ઘરવાપસી કરી દીધી છે.

આંદોલન બાદ હાર્દિકનો ઉદય થયો અને આનંદીબેનની ખુરશી ગઈ
વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલનનું નેતૃત્વ કર્યા બાદ હાર્દિક પટેલનો રાજકીય ઉદય થયો હતો અને કહેવાય છે કે પાટીદાર આંદોલનને કારણે જ આનંદીબેનની ખુરશી ગઈ હતી. ત્યાર બાદ અગાઉ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ નડ્યા હતા. હાર્દિક એ સમયે ચૂંટણી લડ્યા નહોતા તેમ છતાં પાટીદાર અનામત આંદોલનને કારણે 99 બેઠક મેળવવામાં તો ભાજપ હાંફી ગયો હતો. હાલ હાર્દિક પટેલ કૉંગ્રેસમાં છે અને જો ચૂંટણી લડે તો તેમને કેવી રીતે હરાવવા એ માટે ભાજપે કેટલાક સમયથી ગોઠવણો શરૂ કરી હતી.

હાર્દિક પટેલને ઘરમાં જ ઘેરવા વ્યૂહરચના
ભાજપના ગણિત મુજબ, હાર્દિક પોતાના વતન વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડશે, જેથી હાર્દિકને આ બેઠક પરથી હરાવવા હોય તો ભાજપના અસંતુષ્ટ અને ભાજપ છોડી ગયેલા આગેવાનોને ભાજપમાં પાછા લાવી હાર્દિકને વિધાનસભા ગૃહ સુધી પહોંચતાં અટકાવી શકાય. આ વ્યૂહરચનાના ભાગરૂપે જ ભાજપે માંડલના પૂર્વ ધારાસભ્ય અને આનંદીબેનના નજીક ગણાતા પ્રાગજીભાઈ પટેલને તેમની ટીમ સાથે અને સાણંદના પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડને પણ ભાજપમાં પ્રવેશ આપી દીધો હોવાનું મનાય છે. આમ ભાજપે પાણી પહેલાં પાળ બાંધી દીધી છે.

પાટીલને આનંદીબેન જૂથનો ટેકો
આમ તો ભાજપના સિનિયર નેતાઓ એવું પણ માની રહ્યા છે કે અમદાવાદ જિલ્લાના માંડલ અને સાણંદના બે પૂર્વ ધારાસભ્યો, જેઓ આનંદીબેન પટેલના એકદમ નજીકના છે. આ બન્ને પૂર્વ ધારાસભ્યને લઈને બેનને પણ સાચવી લેવામાં આવ્યાં છે. એટલે એવું કહી શકાય કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-પ્રમુખ પાટીલના 150 બેઠક મેળવવાના ટાર્ગેટમાં આનંદીબેન અને તેમના જૂથનો ટેકો મળી રહ્યો છે. આગામી દિવસોમાં હજુ વધુ સમીકરણો બદલાઈ શકે છે.

સિનિયર નેતાઓ વિના જ પાટીલ-પટેલે કમલમમાં બેઠક કરી હતી
તાજેતરમાં જ આનંદીબેન પટેલ ગુજરાત આવ્યા હતા, એ પછી બેનના નજીકના આગેવાનો ફરી પાછા ભાજપમાં જોડાવવા લાગ્યા હતા, ત્યાર બાદ હમણાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ-પ્રમુખ સી.આર.પાટીલે લગભગ 30 મિનિટ સુધી કમલમમાં એક રૂમમાં બંધ બારણે બેસીને ચર્ચા કરી હતી અને પક્ષના એકપણ સિનિયર નેતાને ત્યાં હાજર રાખવા દેવામાં આવ્યા ન હતા. બંને નેતાઓ પોતે અલગથી જ આ રૂમમાં ચાલ્યા ગયા હતા અને કોઈને ન આવવાની સૂચના આપવામાં આવી હતી.

આનંદીબેન જૂથનો દબદબો વધવા લાગ્યો
વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ ભાજપનાં સમીકરણો બદલાઈ રહ્યાં છે. સરકાર અને સંગઠન બંનેમાં આનંદીબેન જૂથનો દબદબો વધી રહ્યો છે. હાલમાં ભાજપમાં નેતાઓની ઘરવાપસીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં એક પછી એક આનંદીબેન પટેલ જૂથના નેતાઓ પરત આવી રહ્યા છે અને સક્રિય થઈ ગયા છે. કમાભાઈ રાઠોડ, પ્રાગજી પટેલ અને મહેશ પટેલ પરત ફર્યા છે, ત્યારે આ તમામ આનંદીબેન પટેલ જૂથના નેતા છે. નવી સરકારમાં મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ પણ આનંદીબેનની ખૂબ નજીક છે અને તેઓ તેમની ઘાટલોડિયા બેઠક પરથી જ ચૂંટણી લડી વિધાનસભા પહોંચ્યા હતા.

કોઈપણ જૂથ વિનાના પાટીલના હાથમાં કમાન
એક સમયે ગુજરાતના રાજકારણમાં આનંદીબેન પટેલની નજીકના નેતાઓને એક બાજુ મૂકી દીધા હતા, જે હવે સરકાર બદલાતાં અને ચૂંટણી નજીક આવતાં જ એક પછી એક નેતાઓ સક્રિય થઈ રહ્યા છે. ગુજરાત ભાજપમાં જૂથવાદ સપાટીએ આવતાં કોઈપણ જૂથ વિનાના સી. આર.પાટીલને પક્ષ-પ્રમુખ બનાવી દીધા હતા. એટલું જ નહીં, પાટીલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સીધા સંપર્કવાળા નેતા માનવામાં આવે છે અને હાલમાં ગુજરાત ભાજપની કમાન તેમના હાથમાં છે.