અધિકારીઓની ચૂપકીદી:ડેન્ગ્યુ ચરમસીમાએ છે ત્યારે નેતાઓ-અધિકારીઓ ચર્ચા કરવા જ તૈયાર નથી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
AMC - ફાઇલ તસવીર - Divya Bhaskar
AMC - ફાઇલ તસવીર
  • હેલ્થ કમિટીમાં અધિકારીઓ ચેરમેનને જવાબ આપવા હાજર રહેતા નથી
  • ઉચ્ચ અધિકારીઓ ન હોવાથી હેલ્થ કમિટીના ચેરમેને તમામ કામ આગામી બેઠક પર મુલતવી રાખ્યા

હાલમાં શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગચાળાના કેસમાં વધારો થયો છે ત્યારે શહેરમાં આરોગ્ય વિષયક બાબતોમાં શું થઈ રહ્યું છે અને શું કરવું જોઈએ તે મળેલી મ્યુનિ. હેલ્થ કમિટી બેઠકમાં આરોગ્ય વિભાગના ડીવાયએમસી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડીવાયએમસી તેમજ એક એરોગ્ય ઓફિસર જ હાજર રહ્યા ન હતાં.

આખરે હેલ્થ કમિટીના ચેરમેને બુધવારની બેઠકમાં ટેન્ડર અંગેના કામો સહિત કોઇપણ બાબતે ચર્ચા નહીં કરવાનો નિર્ણય કરીને બેઠક મુલત્વી રાખી હતી. આ અંગેની વિગત એવી છેકે, મ્યુનિ. હેલ્થ કમિટીની બેઠકમાં આરોગ્ય વિભાગના ડીવાયએમસી પ્રવીણ ચૌધરી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ડીવાયએમસી સી.આર. ખરસાણ, તેમજ હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી કોઇક કારણસર આ બેઠકમાં હાજર રહ્યા ન હતા.

એક તરફ શહેરમાં ડેન્ગ્યુ - ચિકનગુનિયા સહિતના મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે, ત્યારે તેવા સમયે મહત્વની બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ ગેરહાજર રહેતાં ચેરમેન ભરત પટેલે એવો નિર્ણય લીધો હતો કે, આ સ્થિતિમાં જો બેઠકને ચાલુ રાખવામાં આવે તો પણ સભ્યોના પ્રશ્નોના જવાબો કોણ આપશે. ઉચ્ચ અધિકારીઓની ગેરહાજરીમાં તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબ મળી શકે તેમ નહીં હોવાથી તેમણે આ બેઠકમાં રજૂ થયેલા તમામ કામ આગામી બેઠક માટે મુલત્વી રાખ્યા હતા. સાથે હેલ્થ કમિટીની બેઠક કોઇપણ બાબતની ચર્ચા સિવાય જ પૂર્ણ થયેલી જાહેર કરી દીધી હતી.

થોડા દિવસ પહેલા એક ચેરમેને અધિકારી સામે ધરણાં પર બેસવું પડ્યું હતું
મ્યુનિ. અધિકારીઓ અને સત્તાધારી પક્ષના નેતાઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદ થઇ રહ્યો છે, જેમાં થોડા દિવસો પહેલાં જ ઘાટલોડિયામાં વિસ્તારમાં સફાઇ, રસ્તાઓ પરના ખાડા સહિતના અનેક મામલે રજૂઆતો થયા બાદ પણ પગલા નહીં લેવામાં આવતાં સ્થાનિક કોર્પોરેટર તથા વોટર સપ્લાય કમિટીના ચેરમેન જતીન પટેલ રજૂઆત કરવા માટે ડીવાયએમસી પાસે પહોંચ્યા હતા. જોકે કેટલીક રજૂઆતોમાં વિવાદ થતાં આ તમામ સભ્યો અધિકારીની ચેમ્બરમાં જ ધરણાં પર બેસી ગયા હતા. તે સિવાય સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કમિશનર અને સભ્ય વચ્ચે ભારે અફડાતફડી થઇ હતી. હેલ્થ કમિટીમાં જ એક સભ્યએ કચરાની ગાડીમાં ગેરકાયદે રીતે હેરાફેરી થતાં મેડિકલ વેસ્ટની ફરિયાદમાં પણ અધિકારીએ સ્પષ્ટ સંભળાવ્યું હતુંકે, મને કોઇએ ફરિયાદ જ ક્યાં કરી છે?

અન્ય સમાચારો પણ છે...