અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા એક દાયકાથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે. વિપક્ષ કોંગ્રેસના એકપણ સભ્યોને સ્ટેન્ડીંગ કમિટી સહિત અન્ય 12 કમિટીઓમાં ન સમાવવા મામલે વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે અન્ય કોર્પોરેટરો સાથે ગુરુવારે સ્ટેન્ડીંગ કમિટી પહેલા ભાજપના સભ્યોને ફૂલ આપી અને વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કમિટીમાં સમાવવાની માગના GET WELL SOON કાર્યક્રમના થોડા સમયમાં વિપક્ષના નેતાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જ BRTS બોર્ડમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે. વિપક્ષના નેતાની સ્થાને ડેપ્યુટી મેયરનો ભાજપે સમાવેશ કર્યો છે.
વિપક્ષના નેતાને BRTS બોર્ડમાંથી દૂર કરવાની દરખાસ્તને મંજૂરી
સ્ટેન્ડિંગ કમિટીએ કોંગ્રેસ ઉગ્ર વિરોધ ન કરે તેના માટે તાકીદમાં કામ લાવી મંજુર કરી દીધું છે. એકતરફ કોંગ્રેસ પોતાને સમાવવા માટે આંદોલન કરવાની વાત કરી ને ભાજપે સમાવેશ નહીં પરંતુ દૂર કરવાનો મક્કમ નિર્ણય લઈ લીધો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોદ્દાની રૂએ વિપક્ષના નેતાનો BRTS અને રિવરફ્રન્ટ બોર્ડમાં સમાવેશ કરવામાં આવે છે. કોંગ્રેસના વિપક્ષના નેતા તરીકે શહેઝાદખાન પઠાણે તમામ કમીટીઓમાં વિપક્ષના સમાવેશ કરવાની ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટિ પહેલા ચેરમેન હિતેશ બારોટ, મેયર કિરીટ પરમારને ગુલાબના ફૂલ આપ્યા હતા. જો કે સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટે કોંગ્રેસના કોર્પોરેટરોને સમાવેશ કરવાની વાત તો દૂર તેમના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણને જ BRTS બોર્ડમાંથી દૂર કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી હતી.
BRTS બોર્ડ ઓફ ડીરેક્ટરના માળખામાં ફેરફાર કરાયા
વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે બહાર વિરોધ કર્યો પરંતુ તેમને તાકીદમાં પોતાને જ એક બોર્ડમાંથી સભ્ય તરીકે દૂર કરવામાં આવશે તેવા તાકીદના કામ મંજુર માટે લાવવામાં આવ્યા છે તેની ગંધ પણ આવી ન હતી. વિપક્ષના નેતાને દૂર કરી તેમના સ્થાને ડેપ્યુટી મેયરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે વિપક્ષના નેતાને ક્યાં કારણોસર દૂર કરાયા છે તેની કોઈ માહિતી કે કારણ જાહેર કરાયું નથી. ભવિષ્યમાં નાગરિકોને મુસાફરી કરવામાં સરળતા રહે તે માટે જનમાર્ગ સેવાઓનું “મેટ્રો રેલ”, “ઈ-રીક્ષા” તથા માય બાઈક જેવી સેવાઓ સાથે ઈન્ટીગ્રેશન કરવું જરૂરી છે જેના માટે ઝડપથી નિર્ણય થઈ શકે તે માટે BRTS બોર્ડ ઓફ ડીરેક્ટરના માળખામાં ફેરફાર કરવામાં આવ્યા હોવાના કારણો જાહેર થયા છે.
રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા બે સભ્યો રહેશે
BRTS બોર્ડના ચેરમેન તરીકે મ્યુનિસિપલ કમિશનર, કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીના ડિરેક્ટર રાજ્ય સરકારના બે પ્રતિનિધિ તરીકે નાણાંવિભાગ અને સ્ટેટ અર્બન ડેવલપમેન્ટના પ્રિસિપલ સેકેટ્રરી નિષ્ણાંતો તરીકે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા બે સભ્યો રહેશે.સભ્યોમાં મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, ડેપ્યુટી મ્યુનિ.કમિશનર (BRTS), AMTS ચેરમેન, એડિશનલ કમિશનર ઓફ પોલીસ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (ઔડા) વગેરેને યથાવત રાખવામાં આવ્યા છે.
કોંગ્રેસે શરૂ કરેલી પરંપરા અમે જાળવી રાખી: સ્ટે. કમિટી ચેરમેન
સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે આજે શુક્રવારે આ મામલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ દ્વારા જ વર્ષ 2010માં ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીમાં વિપક્ષના એકપણ સભ્યને ન રાખવાનો નિર્ણય કર્યો હતો. તેઓએ પરંપરા શરૂ કરી હતી. જેથી ભાજપના શીર્ષ નેતૃત્વએ નિર્ણય લીધો છે કે હવે ભાજપ શાસનમાં હોય ત્યારે કોંગ્રેસને પણ એકપણ કમિટિમાં સ્થાન આપવામાં નહીં આવે. મહાનગર કે જિલ્લા પંચાયતમાં વિપક્ષને સ્થાન ન આપવામાં આવે તેની તેમણે શરૂઆત કરી હતી જે અમે જાળવી છે.
કોંગ્રેસની કોર્ટમાં જવાની ચીમકી
વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આ મામલે જણાવ્યું હતું કે, પ્રોટોકોલ મુજબ રિવરફ્રન્ટ, MET, BRTS કે અન્ય કમિટીમાં વિપક્ષના નેતા ડાયરેક્ટર તરીકે હોય છે પરંતુ ભાજપ પક્ષે વિપક્ષના નેતાને હટાવી દીધાં છે. જે વિપક્ષને દબાવવાનો પ્રયાસ છે. કોર્પોરેશનની અન્ય કમિટીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે. કોંગ્રેસ પક્ષ હવે આ મામલે ઉગ્ર અવાજ ઉઠાવશે. કોંગ્રેસ કમિટીઓમાં સ્થાન મેળવવા માટે કાયદાકીય લડત માટે કોર્ટમાં પણ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.