વડોદરામાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 2.35 કરોડની ચોરીના કેસમાં ઝોન 4 LCBએ 2 વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે. સાળા બનેવીની ગેંગે લૂંટ કરી હતી. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે વોન્ટેડ આરોપીઓ અત્યાર સુધી ક્યાં છુપાઈ રહ્યા હતા અને અન્ય વિગતો જાણવા પ્રયાસ કરી રહી છે.
ઝોન 4 LCBએ ધરપકડ કરીને ગુનાનો ભેદ ઉકેલ્યો
મુકેશ પરમાર કુખ્યાત ગુનેગાર મનોજ સિંધીનો સાગરીત છે અને સંબંધમાં સાળા બનેવી છે. આ સાળા બનેવીની જોડીએ વડોદરામાં 2.35 કરોડની ચોરી કરીને આંતક મચાવ્યો છે. 2 વર્ષ પહેલાં આ સાળા બનેવીની જોડીએ વડોદરામાં લૂંટ કરવાનું કાવતરું રચ્યું હતું અને અમદાવાદથી અલગ અલગ વાહનો લઈને વડોદરા પહોંચ્યા હતા. આરોપીઓએ વડોદરાની આંગડિયા તેમજ સોનીની દુકાનોને ટાર્ગેટ કરી હતી. 18 જૂન 2021ના રોજ આંગડિયા પેઢીનો કર્મચારી ગાડીમાં સોના-ચાંદીના દાગીના લઈને નીકળ્યો ત્યારે આરોપી મનોજ અને મુકેશ તેમજ તેના સાગ્રિતોએ ડેકીમાંથી સોના-ચાંદીના દાગીના ભરેલી 2.35 કરોડની બેગ ચોરી હતી. આ કેસમાં વોન્ટેડ આરોપીની ઝોન 4 LCBએ ધરપકડ કરીને ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
પૈસાનો વહીવટ કરવાની પણ અનોખી મોડ્સ ઓપરેન્ડી
સાળા બનેવીની જોડીએ ચોરીની સાથે પૈસાનો વહીવટ કરવાની પણ અનોખી મોડ્સ ઓપરેન્ડી છે. બનેવી મનોજ સિંધી ચોરી અને લૂંટ કરતો અને દાગીના વેચતો. પૈસા આંગડિયા મારફતે સાળાને મોકલતો હતો. વડોદરામાં થયેલી ચોરી કેસમાં પણ આરોપી મનોજ સિંધીએ 760 ગ્રામ સોનુ વેચાણ કરી જેના રૂપિયા 33 લાખ મેળવ્યા હતા. જેમાંથી 27 લાખ રૂપિયા જુદા જુદા દિવસે ભુજથી આંગડિયા પેઢી મારફતે બાપુનગરના અલગ અલગ આંગડિયા પેઢીમાં મોકલ્યા હતા. આ કરોડોની ચોરી કેસમાં અગાઉ કુખ્યાત આરોપી મનોજ સિંધી સહિત 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આરોપી મુકેશ પરમાર બે વર્ષથી વોન્ટેડ હતો અને પોલીસથી બચવા ભાવનગર અમદાવાદ અને અન્ય શહેરોમાં છુપાઈને રહેતો હતો. તેની વિરુદ્ધ નામદાર કોર્ટે સીઆરપીસી 70 મુજબનો ધરપકડ વોરંટ કર્યું છે.
વડોદરા પોલીસને કાર્યવાહી સોંપવામાં આવી
ઝોન 4 LCB એ ચોરી કેસમાં પકડેલા આરોપી મુકેશ પરમારની ધરપકડ બાદ વડોદરા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે. આ સાળા-બનેવીની જોડીએ અનેક ગુના આચર્યા છે. ત્યારે આરોપી 2 વર્ષ ક્યાં છુપાયો હતો અને અન્ય કોઈ ગુના આચર્યા છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.