ફેક મેસેજથી અમદાવાદીઓ દોડ્યા:4 દિવસ પેટ્રોલ નહીં મળે' તેવી અફવા ફેલાતા મોડી રાતે પેટ્રોલ પંપ પર લાઈનો લાગી, પંપ માલિકના સમજાવ્યા છતાં લોકો માન્યા નહીં

અમદાવાદ13 દિવસ પહેલા
અમદાવાદમાં પેટ્રોલ પંપ પર લાગેલી લાઈનની તસવીર
  • પેટ્રોલ પંપની લાંબી લાઈનો રોડ સુધી પહોંચી જતા મોડી રાત્રે પણ ટ્રાફિક જામ સર્જાયો

સોશિયલ મીડિયામાં એક ફેક મેસેજના પગલે શનિવારે રાત્રે અમદાવાદના પેટ્રોલપંપો પર પેટ્રોલ પુરાવવા માટે લોકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. ચાર દિવસ સુધી પેટ્રોલ પંપ પર પેટ્રોલની સપ્લાય અટકી જવા અંગેનો ફેક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થતા શહેરના અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલ પંપ ખુબ મોટા પ્રમાણમાં પેટ્રોલ પુરાવવા લોકો પહોંચ્યા હતા. જેથી પેટ્રોલ પંપ પર અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી.

રાત્રે ટુ-વ્હીકર-કાર લઈને પેટ્રોલ પંપે પહોંચ્યા લોકો
બીજી તરફ પેટ્રોલ પંપના માલિકોએ મેસેજ ફેક હોવાનું અને પેટ્રોલ મળવાનું જ છે તે સમજાવવા છતા લોકો પેટ્રોલ પુરાવવાનો આગ્રહ રાખ્યો હતો. શનિવારે મોડી સાંજે સોશિયલ મિડીયામાં મેસેજ ફરતો થયો હતો કે, 'આગામી ચાર દિવસ સુધી અમદાવાદ શહેરમાં પેટ્રોલનો સપ્લાઇ થઇ શકે તેમ ન હોવાથી પેટ્રોલ મળી શકશે નહીં.' જે મેસેજ સોશિયલ મિડીયામાં વાયરલ થવાની સાથે મોડી રાતથી લોકો પેટ્રોલ પંપ પર ટુ-વ્હીલર અને કાર લઇને પહોંચ્યા હતા.

પંપ સંચાલકોએ સમજાવવા છતાં લોકો માન્યા નહીં
મોડી રાતે તો એવી સ્થિતિ થઇ ગઇ હતી કે રસ્તા પર ટ્રાફિક જામ થાય તે રીતે વાહનોની લાઇન લાગી હતી. પેટ્રોલ પંપના સંચાલકોએ જણાવ્યું હતું કે, પેટ્રોલનો પુરવઠો યથાવત છે અને કોઇએ આ પ્રકારની અફવામાં ફસાઇને ગેરમાર્ગે દોરાવવાની જરૂર નથી. જોકે મોડી રાત સુધી પેટ્રોલપંપના માલિકોએ પણ લોકોના પેટ્રોલ પુરાવવાના આગ્રહને પગલે પેટ્રોલ પંપ ચાલુ રાખવો પડ્યો હતો.

12 વાગ્યે પંપ બંધ કરી દેવાતા લોકોનો હોબાળો
​​​​​​​
બીજી બાજુ ગણતરીનો સ્ટોક હોવાને કારણે પેટ્રોલ પંપ સંચાલકોએ રાત્રે 12 વાગ્યે પેટ્રોલ પંપ બંધ કરી દેતા લોકોએ હોબાળો મચાવ્યો હતો અને પેટ્રોલની માગણી કરતા કેટલાક પેટ્રોલ પંપ પર કર્મચારીઓ સાથે તકરારના બનાવો બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...