ઇન્કમ ટેક્સ રિટર્ન(ITR) અને ટેક્સ ઓડિટ રિપોર્ટ(TAR) ભરવાની મુદત લંબાવવા અને લેટ ફી, વ્યાજ કે પેનલ્ટી સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ બાબતે બે અરજીઓ અંગે પ્રાથમિક સુનાવણી બાદ હાઇકોર્ટે CBDT (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ) સહિતના પ્રતિવાદીઓને નોટિસ પાઠવી છે. સાઉથ ગુજરાત ઇન્કમ ટેક્સ બાર એસોસિયેશન અને ચાર્ટડ એકાઉન્ટ વિકાસ જૈને હાઇકોર્ટમાં અરજી કરી છે, જે મામલે આગામી 17 જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરાશે.
નવા પોર્ટલમાં ખામી હોવાની રજૂઆત
હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ નિશા ઠાકોરની ખંડપીઠે આ કેસ બાબતે નોંધ્યું છે કે CBDTએ 11 જાન્યુઆરીએ પરિપત્ર જારી કરીને ટેક્સ ભરવાની મુદત 15મી ફેબ્રુઆરી સુધી લંબાવી દીધી છે એ આવકાર્ય બાબત છે. પરંતુ ટેક્સ અને એ સંબંધિત ફોર્મ વગેરે ભરવા માટેના એમના નવા પોર્ટલમાં કેટલીક ખામીઓ હોવાની ફરિયાદ અરજદાર અને એસોસિયેશન તરફથી કરવામાં આવી છે. આજ પ્રકારે અન્ય એક અરજી પણ કરવામાં આવેલી છે.
નવા પોર્ટલની ખામીઓ દૂર કરવા માગ
જેને લીધે કોર્ટે CBDTને નવા પોર્ટલની ખામીઓને શક્ય એટલી ઝડપે દૂર કરે અને કરદાતાઓની સમસ્યાઓનું સમાધાન કરવા કહ્યું છે. સાથે જ એ પણ નોંધ્યું કે, CBDTએ ટેક્સ ભરવાની મુદત તો લંબાવી છે, પરંતુ જો પોર્ટલ ખામીયુક્ત હશે. તો આ લંબાવેલી મુદતનો કોઇ અર્થ રહેતો નથી. ઉપરાંત પોર્ટલની ટેક્નિકલ ખામીના કારણે કરદાતાઓ ટેક્સ ન ભરી શકે એવું ન થવું જોઇએ. કોર્ટે આ મામલે એડિશનલ સોલિસિટર જનરલને સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી, બની શકે તો ITR અને TAR ફિઝિકલી ભરવાની મંજૂરી અપાવા પણ કહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.