ભાજપે કડવા પાટીદારનું પલ્લું ભારે કર્યું:ગયા વર્ષે 5 લેઉવા પટેલ અને 2 કડવા પટેલને મંત્રી બનાવાયા હતા, આ વખતે CM સહિત 3 કડવા અને 4 લેઉવા પાટીદારનો સમાવેશ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેશુભાઈએ પાટીદારોને સાથે રાખીને ભાજપ સામે બળવો કર્યો હતો
  • પાટીદારોના વિરોધને કારણે 2017માં ભાજપને 182માંથી 100 સીટ પણ નહોતી આવી

ગુજરાતના રાજકારણ પર સમગ્ર દેશની નજર હતી અને અંતે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટે શપથ લીધા. આ વખતે ભાજપે માસ્ટર સ્ટ્રોક મારીને ગુજરાતના મુખ્યમંત્રી જ નહીં, પણ આખું મંત્રીમંડળ જ બદલી નાખ્યું છે. આ મંત્રીમંડળ બદલવા પાછળ સૌથી મોટું કારણ પાટીદાર ફેક્ટર છે. છેલ્લા લાંબા સમયથી એવી વાત ચાલતી હતી કે વિજયભાઈ રૂપાણીને હટાવીને પાટીદારને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. આ વાતનું અવારનવાર ખંડન કરવામાં પણ આવતું હતું. જોકે રાતોરાત ગુજરાતના મુખ્યમંત્રી જ નહીં, આખું મંત્રીમંડળ બદલાઈ ગયું છે, પણ ભારતીય જનતા પાર્ટીએ જ્ઞાતિવાદી સમીકરણોમાં એ વાતનું ચોક્કસ ધ્યાન રાખ્યું છે કે પાટીદારોનું સંખ્યાબળ મંત્રીમંડળમાં વધી ના જાય, એટલે વિજયભાઈના મંત્રીમંડળમાં 2 કડવા પટેલને સ્થાન હતું અને 5 લેઉવા પટેલને સ્થાન હતું, તો આ વખતે CM સહિત 3 કડવા અને 4 લેઉવા પાટીદારને સ્થાન આપવામાં આવ્યું છે.
ગયા વખતે DyCM અને આ વખતે CM કડવા પટેલ

વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ.
વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ.

આનંદીબેન પટેલે રાજીનામું આપ્યા બાદ પાટીદાર મુખ્યમંત્રી તરીકે નીતિનભાઈ પટેલનું નામ સૌથી આગળ હતું. એ સમયે પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું એટલે પાટીદાર જ મુખ્યમંત્રી બનશે, એવું ચર્ચાતું હતું, પણ છેલ્લી ઘડીએ વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી બનાવાતાં પાટીદારોમાં નારાજગી વધી હતી. નીતિનભાઈ પટેલ પણ નારાજ બની ગયા હતા. તેમને મનાવવા પ્રયાસો થયા હતા, પણ નિષ્ફળ ગયા હતા. અંતે, ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રીનું પદ ઊભું કરવામાં આવ્યું હતું અને નીતિનભાઈને નાયબ મુખ્યમંત્રી બનાવાયા હતા. નીતિનભાઈ કડવા પાટીદાર છે. પાટીદારને મહત્ત્વનું પદ મળતાં પટેલોનો રોષ શમ્યો હતો. આ વખતે નવી સરકારમાં મુખ્યમંત્રીનું પદ પાટીદારના ફાળે જ ગયું છે અને ભૂપેન્દ્રભાઈ પણ કડવા પાટીદાર છે.
ગુજરાતમાં ભાજપ અને પાટીદારોનું રાજકારણ
2002ની ચૂંટણીમાં ભાજપે 182 બેઠકમાંથી 127 બેઠકો જીતી હતી, ભાજપનું આ શ્રેષ્ઠ પ્રદર્શન મનાતું હતું, પરંતુ કેશુભાઈને એકાએક સાઈડ લાઈન કરવામાં આવતાં પાટીદારોમાં ભાજપ પ્રત્યે બળવો શરૂ થયો હતો. પછી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બનતાં તેમને કોંગ્રેસી પાટીદારોને ભાજપમાં જોડવાનું શરૂ કર્યું. ધીરુભાઈ ગજેરા અને બાવકુભાઈ ઉંધાડ જેવા ધારાસભ્યો કોંગ્રેસમાંથી અલગ થયા. નરેન્દ્ર મોદીને પાટીદારો દ્વારા પડકારવામાં આવે એવો વ્યૂહ ગોઠવાયો હતો. ગૃહ રાજ્યમંત્રી ગોરધન ઝડફિયાએ 2007માં મહાગુજરાત જનતા પાર્ટીની રચના કરી હતી, પણ તેઓ નિષ્ફળ રહ્યા.
2012માં કેશુભાઈ પટેલ પાટીદારોને કથિત "અન્યાય" નો વિરોધ કરવા જાહેરમાં સામે આવ્યા અને ભાજપને ટક્કર આપવા માટે ગુજરાત પરિવર્તન પાર્ટી શરૂ કરી. ઝડફિયા જીપીપીમાં જોડાયા, પરંતુ નવા સરંજામ એ વર્ષની વિધાનસભા ચૂંટણીમાં માત્ર બે બેઠક જીતી શક્યા. ઝડફિયા પોતે હારી ગયા.
જીપીપી 2014માં ભાજપમાં ભળી ગઈ, ઝડફિયાના ભાજપમાં પાછા ફરવાનો માર્ગ મોકળો થયો અને કેશુભાઈની સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિના સંકેત પણ મળ્યા.
લેઉવા-કડવા કેન્દ્રમાં પણ સચવાયા

પુરુષોત્તમભાઈ રૂપાલા અને મનસુખભાઇ માંડવિયા.
પુરુષોત્તમભાઈ રૂપાલા અને મનસુખભાઇ માંડવિયા.

કેન્દ્રમાં 2014માં ભાજપની સરકાર આવ્યા બાદ ગુજરાત ભાજપના જ હાથમાં સચવાઈ રહે એ માટે પાટીદારોનું પ્રતિનિધિત્વ કરતા સૌરાષ્ટ્રના બે દિગજ્જ નેતા લેઉવા પાટીદાર મનસુખભાઇ માંડવિયા અને કડવા પાટીદાર પુરુષોત્તમભાઈ રૂપાલાને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા. છેલ્લે બંનેને કેન્દ્રમાં પણ કેબિનેટમાં ઊંચું સ્થાન આપવામાં આવ્યું.
2017માં પાટીદાર ફેકટરે ભાજપને નુકસાન કર્યું
2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે માત્ર 99 બેઠક મેળવી હતી, 1995 બાદ ભાજપનું આ સૌથી ખરાબ પ્રદર્શન હતું. 2017માં 'આપ' સક્રિય બની ગયો હતો. ભાજપ પ્રત્યે પાટીદારોનો રોષ પણ ભારોભાર હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ મુખ્યમંત્રી બનશે એવી જાહેરાત થઇ ચૂકી હતી, પણ ભાજપ પૂરી 100 સીટ પણ જીતી ના શક્યો, એટલે ભાજપે ગુજરાતમાં પ્રભુત્વ વધારવા ત્રણ કોંગ્રેસી નેતા કુંવરજીભાઇ બાવળિયા, જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ને કેસરિયો પહેરાવી મંત્રીપદ આપ્યું.
ગયા વખતના અને આ વખતના પાટીદાર મંત્રીઓ
વિજયભાઈ રૂપાણીની સરકારમાં 2 કડવા પટેલ હતા, જેમાં નીતિનભાઈ પટેલ અને કૌશિકભાઈ પટેલ હતા. જ્યારે આર.સી.ફળદુ, સૌરભ પટેલ, જયેશ રાદડિયા, કિશોરભાઈ કાનાણી અને યોગેશભાઈ પટેલ એ પાંચ લેઉવા હતા. આ વખતે ભૂપેન્દ્રભાઈ પટેલની કેબિનેટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે જ કડવા પટેલ છે. આ સિવાય ઋષિકેશ પટેલ અને બ્રિજેશ મેરજા પણ કડવા પટેલ છે, જ્યારે જિતુભાઈ વાઘાણી, રાઘવજીભાઈ પટેલ, અરવિંદ રૈયાણી અને વિનોદ મોરડિયા લેઉવા પટેલ છે. નવા મંત્રીમંડળમાં નરેશ પટેલ અને મુકેશ પટેલનો સમાવેશ કરાયો છે, પણ આ બન્ને પાટીદાર નથી

અન્ય સમાચારો પણ છે...