તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાખલા કઢાવવા વાલીઓની કસોટી:RTE એડમિશનનો છેલ્લો દિવસ, 5 દિવસ સુધી નોકરી-ધંધા મૂકીને દાખલા કઢાવવા ધક્કા ખાય છે

અમદાવાદએક મહિનો પહેલા
વાલીઓ દાખલા કઢાવવા કેટલાય દિવસથી ઘક્કા ખાતા હોવાનો આરોપ
  • 10 દિવસનો જ સમય અપાયો છે અને અમારે ફરીથી દાખલો કરાવવાનો છે, મુદ્દત વધારે તો સારું: વાલી
  • આવકના દાખલા કઢાવવા માટે એક અઠવાડિયાનો સમય લાગ્યો હોવાનો વાલીનું કહેવું છે

RTE હેઠળ એડમિશન પ્રકિયા માટે ફોર્મ ભરવાના શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે આજે અંતિમ દિવસે RTEના ફોર્મ ભરવા માટે જરૂરી આવકનો દાખલો કઢાવવા કલેક્ટર કચેરીએ લોકોની લાઈન લાગી હતી. લોકો કેટલાય દિવસથી દાખલો કઢાવવા ધક્કા ખાય છે. પરંતુ માર્યાદિત ટોકન આપવાના હોવાથી લોકોને દિવસો બગાડવા પડે છે. કેટલાક લોકો 4-5 દિવસથી નોકરીમાં રજા મૂકીને દાખલો કઢાવવા આવે છે, પરંતુ આજે અંતિમ દિવસે પણ નિરાશ થયા હતા.

દાખલો નીકળ્યો પણ ભૂલ હતી એટલે સુધારવું આવવું પડ્યું
નીરવ પટેલ નામના વાલીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, RTE હેઠળ ફોર્મ ભરવા માટે આવકનો દાખલો જરૂરી છે. જે કઢાવવા માટે 4 દિવસથી નોકરીમાં ધક્કા ખાઈને આવું છે, દાખલો નીકળી ગયો હતો પરંતુ તેમાં ભૂલ હોવાથી આજે સુધારા માટે આવ્યો છું. રોજ સવારે 9 વાગે ઉભું રહું ત્યારે 1 વાગે નંબર આવે છે. સરકારે RTEના ફોર્મ ભરવા માટે મુદ્દત વધારવી જોઈએ. આવકના દાખલા માટે એક અઠવાડિયા જેટલો સમય નીકળી જાય છે જેમાં 2 દિવસ સરકારી કચેરીમાં રજા હતી.

આજે RTE હેઠળ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી વાલીઓ ચિંતિત
આજે RTE હેઠળ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી વાલીઓ ચિંતિત

ઘક્કા ખવડાવતા હોવાનો આક્ષેપ
હર્ષદભાઈએ જણાવ્યું હતું કે, અઠવાડિયા અગાઉ હું દાખલો કઢાવવા આવ્યો હતો. ત્યારે પણ 2 ધક્કા ખાવા પડ્યા હતા.આજે પણ 5 ધક્કો ખાઈને આવ્યો છું. કોઈને કોઈ કારણસર મને પરત મોકલવામાં આવે છે. આજે RTE હેઠળ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, તો હું ફોર્મ કેવી રીતે ભરીશ. 500 રૂપિયાનો દિવસ ભરાય છે, જેમાં 5 દિવસ રજા પાડી છે.

4 દિવસ રજા પાડી ત્યારે આજે નંબર આવ્યો
કમલેશભાઈએ જણાવ્યું હતું કે, RTE માટે આવકનો દાખલો કાઢ્યો છે પરંતુ 4 દિવસ રજા પડી ત્યારે આજે નંબર આવ્યો છે. રોજ સવારે 9 વાગે આવી જવું છે અને બપોરે 4 વાગે નંબર આવે છે. 4 દિવસ પછી મારી દાખલો મને મળ્યો છે. હજુ અનેક લોકો દાખલા વિના છે. તો સરકારે તમામનું વિચારીને મુદ્દત વધારવી જોઈએ.

સવારે 9 વાગ્યાથી જ વાલીઓ લાઈનમાં ઊભા રહી ગયા છે
સવારે 9 વાગ્યાથી જ વાલીઓ લાઈનમાં ઊભા રહી ગયા છે

દાખલા માટે મામલતદાર કચેરીએ લોકોની કતાર લાગે છે
દરેક વાળીને ઈચ્છા હોય પોતાના બાળકને સારી સ્કૂલમાં ભણાવીને સારું શિક્ષણ આપે જે માટે સરકાર દ્વારા RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં 1.50 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારના બાળક પણ ખાનગી સ્કૂલમાં વિનામૂલ્યે ભણી શકે. આ પ્રવેશ પ્રક્રિયા માટે ઓનલાઈન અરજી કરવાની રહે છે. જે માટે કેટલીક પ્રક્રિયામાંથી નીકળવું પડે છે અને તે માટે જરૂરી પૂરાવા રજૂ કરવાના હોય છે. જેમાંથી એક આવકનો દાખલો છે, જે કઢાવવા કેટલાય દિવસથી અલગ-અલગ વિસ્તારની મામલતદાર કચેરી પર લોકોની કતારો જોવા મળી હતી. જે આજે RTE હેઠળ ફોર્મ ભરવાના અંતિમ દિવસે પણ જોવા મળી હતી.

વાલીઓ કામધંધા મૂકીને દાખલા કઢાવવા લાઈનોમાં ઊભા રહે છે
સરકારી તંત્રની અવ્યવસ્થાને કારણે અનેક વાલીઓ આવકનો દાખલો કઢાવવા માટે લાઈનમાં ઉભા હતા. પરંતુ વાલીઓએ નોકરીમાં રજા પાડીને બગડેલા દિવસ બાદ નિરાશા સાથે પરત ફરવું પડે છે. છેલ્લા 10 દિવસના અનેક વાલીઓએ 4-5 દિવસ નોકરીમાં રજા પાડીને દાખલો કરાવવા આવવું પડે છે. બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા પણ મર્યાદિત સમય અપાયો હોવાને કારણે એક સાથે અનેક વાલીઓ દાખલો કરાવવા પહોંચ્યા છે. વાલીઓએ 10 દિવસની મુદ્દત વધારવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...