તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિન ક્યારે મળશે?:ફરજિયાત વેક્સિનેશનનો આજે છેલ્લો દિવસ, પણ વેક્સિનનો જથ્થો મર્યાદિત, અમદાવાદમાં સવારથી લાઇનમાં ઊભેલા લોકોનો 4 કલાકે નંબર આવ્યો

અમદાવાદ2 મહિનો પહેલા
વેક્સિનેશન સેન્ટરની તસવીર.
  • મોટા ભાગના વેક્સિનેશન સેન્ટર પર 100થી 200 ડોઝ ફાળવાયા
  • રવિવારે જેમનો માત્ર બીજો ડોઝ બાકી હોય તેમને રસી આપવામાં આવશે
  • વેક્સિનેશન સેન્ટર બહાર દરરોજ 100 લોકો ટોકન માટે વેઇટિંગમાં ઊભા રહે છે

રાજ્યમાં ત્રીજી વેવ સામે લડવા માટે સરકારે અસરકારક વેક્સિનેશન પર ભાર મૂક્યો છે. રાજ્યમાં સ્પોટ રજિસ્ટ્રેશન પર તમામ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ AMC દ્વારા વેક્સિનેશન ડ્રાઈવ ચલવવામાં આવી રહી છે. અમદાવાદમાં લગભગ 100 જેટલાં વેક્સિનેશન સેન્ટર પર વેક્સિન આપવામાં આવી રહી છે. લોકો થર્ડ વેવના ડરથી વેક્સિન લેવામાં ઘણો ઉત્સાહ દર્શાવી રહ્યા છે. વેક્સિન લેવા માટે વહેલી સવારથી જ વેક્સિનેશન સેન્ટર પર દોડી જાય છે. સરકારની માર્ગદરશિકા મુજબ તમામ સુપરસ્પ્રેડરની કેટેગરીમાં આવતા વેપારીઓને 31 જુલાઈ સુધી ફરજિયાત વેક્સિન લેવા આદેશ કરાયો છે. જો તેઓ વેક્સિન 31 જુલાઈ પહેલાં નહીં લે તો તેમને વાણિજય પ્રવૃત્તિ કરવા દેવામાં નહીં.

વેક્સિન માટે સવાર 6 વાગ્યાથી લાઈનમાં લાગ્યા લોકો
ત્યારે આજે મોટી સંખ્યામાં લોકો વેક્સિનેશન સેન્ટરે વેક્સિન લેવા પહોંચ્યા હતા, પરંતુ મોટા ભાગના સેન્ટર પર 100થી 200 વેક્સિનના મર્યાદિત જથ્થાને કારણે લોકોને આજે પણ વેક્સિન લેવામાં મુશ્કેલી પડી હતી. લોકો સવારે 6-7 વાગ્યાથી વેક્સિનેશન સેંટરની બહાર લાઈન લગાવીને ઊભા હોય છે, પરંતુ તેમને ટોકન મળ્યા છતાં પણ 11:30 વાગ્યા સુધી નંબર આવતો નથી, જેથી સિનિયર સિટિઝન અને સામાન્ય લોકોને વરસાદમાં પણ 6થી 12 વાગ્યા સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બને છે. જોકે આજે ફરજિયાત વેક્સિન માટેની છેલ્લી તારીખ હોવાથી લોકોને લાગ્યું કે આજે વધારે વેક્સિનનો જથ્થો આવશે, પરંતુ મર્યાદિત વેક્સિનનો જથ્થો આવ્યો છે, સાથે જ રવિવારે પણ શહેરમાં તમામ વેક્સિનેશન સેન્ટર પર 2 ડોઝ જ આપવામાં આવશે, જેથી આવતીકાલે પણ પહેલા ડોઝવાળા લોકોને વેક્સિન નહીં મળે.

વેક્સિન માટે સેન્ટર બહાર રાહ જોતા લોકો.
વેક્સિન માટે સેન્ટર બહાર રાહ જોતા લોકો.

રાણીપમાં વેક્સિન માટે લોકોની લાઈનો
રાણીપ વિસ્તારના જોઈતારામ વેક્સિનેશન સેન્ટર પર જગદીશભાઈએ Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું સિનિયર સિટિઝન છું છતાં હું 6 વાગ્યે સવારે આ વેક્સિનેશન સેન્ટરની બહાર છત્રી લઈને ઊભો રહ્યો, ત્યારે અત્યારે 11 વાગ્યે મારો નંબર આવ્યો છે. મેં પહેલો ડોઝ લીધો હતો, ત્યાર બાદ કોઈ મેસેજ પણ નથી આવ્યો. અહીં અંદર આવ્યા પછી સુવિધાઓ સારી છે, પણ મારી સાથે ઘણા લોકો સવારથી ઊભા છે તેમનો નંબર આવ્યો નથી. તેમને ટોકન મળે પછી નંબર આવે. મારી ઉંમર વધારે છે એટલે ઘણી તકલીફ પડી, પણ વેક્સિન તો લેવી પડે એમ હતી.

વેપારીઓને વેક્સિનમાં રાહત આપવા માગ
વેક્સિન લેવા માટે આવેલા સ્થાનિક મિતેષભાઈએ Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું આ વિસ્તારમાં રહું છું. અહીં ઘણા સમયથી વેક્સિનેશન ચાલે છે. આજે વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે વેક્સિનેશનનો છેલ્લો દિવસ છે, એટલે થોડી ભીડ છે, પણ આ સેન્ટર પર વેક્સિનેશન ચાલુ છે. મને લાગે છે સરકાર આમાં વેપારીઓને સાંજ સુધી રાહત આપશે અને લોકો થર્ડ વેવમાં સપડાય નહીં એ માટે બહાર લાઈનોમાં ઊભા રહે છે. એ જ દર્શાવે છે કે વેક્સિનેશન માટે તેમનામાં કેટલો ઉત્સાહ છે.

નવાવાડજમાં પણ વેક્સિન લેવા લોકો ઊમટ્યા
નવાવાડજ વેક્સિનેશન સેન્ટર પર વેક્સિન લેવા આવેલા દિનેશભાઈએ Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ સવારે 7 વાગ્યાના વેક્સિન માટે લાઈનમાં ઊભા હતા. 12 વાગ્યે તેમનો નંબર આવ્યો. મારે રાહ જોવી પડી પણ આખરે મારો નંબર આવ્યો. હજી લોકો લાઈનમાં ઊભા છે. તેમનો નંબર ક્યારે આવશે એ ખબર નહીં. મને આ વેક્સિનેશન સેન્ટર પર સારો સહકાર મળ્યો.