AMCનું પ્લાનિંગ:અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો ઓવરબ્રિજ બનશે, નરોડા પાટિયાથી ગેલેક્સી ચાર રસ્તાનો સળંગ 2.5 કિલોમીટરનો ઓવરબ્રિજ બનશે

અમદાવાદ5 મહિનો પહેલા
  • ઉત્તર ઝોનના નરોડા પાટિયા ખાતે બ્રિજ બનાવવાની દરખાસ્ત છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી હતી
  • મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કુલ 20 જેટલા ઓવરબ્રિજ બનાવવા આયોજન કરવામાં આવ્યું
  • રૂ. 165 કરોડના ખર્ચે ત્રણ વર્ષમાં ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ જશે

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં શહેરનો સૌથી મોટો ફ્લાય ઓવરબ્રિજ નરોડા પાટિયાથી ગેલેક્સી ચાર રસ્તા સુધી બનવા જઈ રહ્યો છે. આજે મળેલી રોડ એન્ડ બિલ્ડિગ કમિટીમાં સળંગ ઓવરબ્રિજ બનાવવાની રૂ. 165 કરોડની રિવાઈઝ્ડ દરખાસ્ત ફિઝિબિલિટી રિપોર્ટ સાથે સરકારના શહેરી ગૃહ નિર્માણ ખાતામાં મોકલવાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવા મંજૂર કરવામાં આવી છે. આ ઓવરબ્રિજ 2.5 કિલોમીટર લાંબો હશે. વર્ષ 2025 સુધીમાં આ ફ્લાય ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ જશે.

આધુનિક ડિઝાઈન સાથે ઓવરબ્રિજનું નિર્માણ કરાશે
રોડ એન્ડ બિલ્ડિગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ માહિતી આપવામાં આવી હતી કે, શહેરનો સૌથી મોટો ઓવરબ્રિજની અમદાવાદીઓને ભેટ મળવા જઇ રહી છે. અમદાવાદ શહેરનો સૌથી લાંબા ઓવરબ્રિજ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામા આવી છે આધુનિક ડિઝાઇન સાથે આ બ્રિજ રૂ. 165 કરોડના ખર્ચે નરોડા પાટિયા જંક્શનથી નરોડા ગેલેક્ક્ષી ક્રોસ રોડ સુધી બનશે. જે ત્રણ નરોડા પાટિયા જંકશન, નરોડા દેવી સિનેમા અને નરોડા ગેલેક્સી ક્રોસ રોડ ત્રણ જંક્શન ઉપરથી આ બ્રિજ પસાર થશે.

શહેરમાં 7 ઓવરબ્રિજ બનાવવા સરકારની મંજૂરી મળી છે
અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વકરતા સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કુલ 20 જેટલા ઓવરબ્રિજ બનાવવા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 7 નવા બ્રિજ બનાવવાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. નરોડા પાટિયાથી ગેલેક્સી સિનેમા ચાર રસ્તા અને નરોડા દેવી સિનેમા એમ ત્રણ જગ્યાએ વધુ ટ્રાફિક થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તરઝોનના નરોડા પાટીયા ખાતે બ્રિજ બનાવવાની દરખાસ્ત છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી હતી. વર્ષ 2020-21ના બજેટમાં નરોડા પાટિયાથી ગેલેક્સી ચાર રસ્તા સુધી બ્રિજ બનાવવાને લઈ ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાની મંજૂરી આપતી દરખાસ્ત મંજૂર કરી હતી.

ઓવરબ્રિજનું 3ડી ગ્રાફિક્સ
ઓવરબ્રિજનું 3ડી ગ્રાફિક્સ

સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ ટેન્ડર બહાર પડાશે
કુલ 7 બ્રિજ માટે રૂ. 445 કરોડની રિવાઇઝ્ડ દરખાસ્ત સરકારે કોર્પોરેશનના સ્થાયી સમિતિના ઠરાવ સાથે રજૂ કરવાનું કહેતા બ્રિજની ડિઝાઇન કન્સલ્ટન્ટ દ્વારા ફિઝિબિલિટી રિપોર્ટ મુજબ નરોડા પાટિયાથી ગેલેક્સી ચાર રસ્તા સુધી સળંગ બ્રિજ બનાવવાને લઇ રૂ. 55 કરોડની જગ્યાએ હવે રૂ. 165 કરોડના ખર્ચ થશે. જેના માટે રિવાઈઝડ દરખાસ્ત ફિઝિબિલિટી રિપોર્ટ સાથે સરકારના શહેરી ગૃહ નિર્માણ ખાતામાં મોકલવામાં આવશે. આ માટેની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી માટે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં મંજૂર થઈ છે. જે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયા બાદ ટેન્ડર બહાર પાડી બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થશે.

હાઈવેનું 3ડી ગ્રાફિક્સ
હાઈવેનું 3ડી ગ્રાફિક્સ