તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાલજી થયા 'લાલઘૂમ':'ચૂંટણી આવવા દો, મતનું હથિયાર ઉગામીશું', જે પાર્ટી પાટીદારોનું સમર્થન નહીં કરે તેનો બહિષ્કાર કરવાની ચીમકી

અમદાવાદએક મહિનો પહેલા
લાલજી પટેલની પ્રેસ-કોન્ફરન્સની તસવીર.
  • 26 ઓગસ્ટના રોજ પાટીદાર અનામત આંદોલનમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન
  • વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં ફરી એકવાર પાટીદાર સમાજ મેદાનમાં
  • અનામત આંદોલન ચાલુ જ છે અને આ વખતે આંદોલન માટે કોઈ ચહેરો નહીં હોય

વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય એવા સરદાર પટેલ સેવા દળ ગ્રુપ દ્વારા પાટીદાર આંદોલનમાં મૃત્યુ પામેલા 14 પાટીદાર ભાઈઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. 26 ઓગસ્ટના રોજ આખા ગુજરાતમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં જ્યાં પાટીદારો વસે છે એ પોતાના ઘરે દીવો પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપો. સરદાર પટેલ ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે આજે પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે અમારા અનામત આંદોલનના અનામતના મુદ્દા સરકારે પૂરા કર્યા નથી. ચૂંટણી સમયે જ સરકાર તરફથી નોંધ લેવાતી હોય છે, પણ અમારી રજૂઆત ચાલુ જ છે. ચૂંટણીમાં મત એક જ અમારું હથિયાર છે, એટલે હવે જે રાજકીય પાર્ટી અમારું સમર્થન કે સહયોગ નહીં કરે તેમને મત આપવાનો બહિષ્કાર કરીશું.

'અનામત આંદોલન માટે આ વખતે કોઈ ચહેરો નહીં હોય'
અનામત આંદોલન ચાલુ જ છે અને આ વખતે આંદોલન માટે કોઈ ચહેરો નહીં હોય. આંદોલન સમયે જે સાથીઓ હતા તેઓ જે રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે તેમને રાજકીય નેતા અને અનામત આંદોલનકારી તરીકે બોલાવીશું. નીતિન પટેલ મહેસાણાના છે, અમારા ધારાસભ્ય છે એટલે તેમને સ્થાનિક પ્રશ્નોને લઈને રજૂઆતો કરતા જ હોય છે. આંદોલન વેગ પકડે ત્યારે સામ, દામ, દંડ, ભેદથી અમારા લોકોને પાર્ટીમાં સમાવી લે કે પોતાની તરફ લઈ લે, પણ અમે લડત ચાલુ રાખીશું. ભૂતકાળમાં થયેલી ભૂલો ન થાય એ બાબતને ધ્યાનમાં રાખીશું અને લડત ચાલુ રાખીશું.

પાટીદારો અનામતનો લાભ લેવા માટે સરકાર સાથે ફરીથી ચર્ચા કરશે.
પાટીદારો અનામતનો લાભ લેવા માટે સરકાર સાથે ફરીથી ચર્ચા કરશે.

'અમારી પાસે મત જ અમારું મુખ્ય હથિયાર'
લાલજી પટેલે આગળ ઉમેર્યું હતું કે સરકાર સત્તાનો ઉપયોગ કરીને બધા જ પ્રયાસ કરતી હોય છે, પણ અમને પરિણામ મળશે જ. અમારી પાસે મત એ અમારું મુખ્ય હથિયાર છે, જે એક જ વિકલ્પ છે. રાજકીય પ્રેશરમાં પણ નિવેદનો આવતાં હોય છે, બહુમતી આવે એ નક્કી કરતા હોય છે. સમાજમાં બૌદ્ધિક લોકો છે, એટલે પોતાની તરફ વળવા માટે પ્રયાસ થતા જ હોય છે.

'OBCમાં કાયદાકીય રીતે સમાવેશ માટે સમાજના લોકો સાથે ચર્ચા કરીશું'
તેમણે વધુમાં કહ્યું, કેન્દ્ર સરકારે OBC બિલ પસાર કરી રાજ્ય સરકારને મંજૂરી આપી છે. OBC પંચમાં અનામત લાભ માટે અગાઉ રજૂઆત કરી છે. સમાજના વડીલો અને બૌદ્ધિક લોકો સાથે મીટિંગ કરીને પાટીદાર સમાજને OBCમાં કાયદાકીય રીતે કંઈ રીતે સમાવેશ કરવો એની ચર્ચા કરીશું. સરકાર સત્તામાં હોય ત્યારે સામ-દામ દંડનો ઉપયોગ કરે છે. અમારી સામે થયેલા કેસો હજી પાછા નથી લેવાયા, જેને લઈ અમે તમામ કેસોની ફાઇલ લઈ ગૃહમંત્રીને મળીશું અને કેસો પાછા ખેંચવા રજૂઆત કરીશું.

ખોડલધામ-ઉમિયાધામના ટ્ર્સ્ટીઓને મળીને સહયોગ લેવાશે
લાલજી પટેલે કહ્યું, સરકાર દ્વારા ભૂતકાળમાં સમાજના વડીલોને સાથે રાખી ચર્ચા કરવામાં આવી હતી, જેમાં મૃતક પાટીદાર પરિવારોને સરકારી અને અર્ધસરકારી નોકરી આપવાનું વચન સરકાર ભૂલી ગઈ છે. પાટીદાર સમાજના યુવકો સામે થયેલી ફરિયાદો પણ પાછી ખેંચવામાં આવી નથી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માટે પાટીદાર સમાજની સંસ્થાઓ ખોડલધામ કાગવડ અને ઊંઝા ઉમિયાધામના ટ્રસ્ટીઓને મળીને તેમનો સહયોગ પણ લેવાશે. પાટીદાર સમાજના અન્ય પડતર પ્રશ્નોને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. પુંજ કમિશનનો રિપોર્ટ જનતા સમક્ષ મૂકવામાં આવે એવી પણ એસપીજીની માગ કરવામાં આવી છે.