રાજીનામાં પર રાજનેતાઓની પ્રતિક્રિયા:લલિત વસોયાએ કહ્યું, હાર્દિકનું ભાજપમાં જવાનું મન હોય તેવું લાગે છે, નિખિલ સવાણીએ AAPમાં આવકાર્યા

અમદાવાદ2 મહિનો પહેલા
હાર્દિક પટેલની ફાઈલ તસવીર - Divya Bhaskar
હાર્દિક પટેલની ફાઈલ તસવીર
  • ગોપાલ ઈટાલિયાએ કહ્યું, કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે, ગુજરાતની ચુંટણી આપ અને ભાજપ વચ્ચે

વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસમાંથી એક બાદ એક નેતાઓ પક્ષ છોડી રહ્યા છે. ત્યારે હાર્દિક પટેલે પણ આજે ટ્વિટર પરથી કોંગ્રેસ પાર્ટીમાંથી તમામ હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી. હાર્દિક પટેલના કોંગ્રેસ છોડ્યા બાદ તેઓ હવે કયા પક્ષમાં જોડાશે તે વિશે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે હાર્દિક પટેલના કોંગ્રેસમાંથી રાજીનામાં આપવા પર આપ, ભાજપ સહિત કોંગ્રેસના નેતાઓનું વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

નિખિલ સવાણીએ હાર્દિકનું આપમાં સ્વાગત કર્યું
જેમાં આમ આદમી પાર્ટીના યુથ વિંગના પ્રદેશ સેક્રેટરીએ નિખિલ સવાણીએ હાર્દિક પટેલનું 'AAP'માં સ્વાગત કર્યું છે. તેમણે હાર્દિક પટેલનું નામ લખ્યા વિના ટ્વિટ કર્યું કે, ગુજરાતની જનતાને ન્યાય અપાવવા માટે લડતા તમામ ક્રાંતિકારી યુવાનોનું સ્વાગત કરવા માટે આમ આદમી પાર્ટી તૈયાર છે.

લલિત વસોયાએ ભવિષ્ય માટે શુભકામના પાઠવી
હાર્દિકના રાજીનામાં પર ધોરાજી ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા એ જણાવ્યું કે, હાર્દિક પટેલ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા. લોકશાહીમાં સૌ પોતાનો નિર્ણય લઈ શકે છે, હાર્દિકે જોઈ વિચારીને નિર્ણય કર્યો હશે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષનું મહત્વનું પદ કોંગ્રેસે હાર્દિકને આપ્યું છતાં પણ નારાજગી વ્યક્ત કરે તે આશ્ચર્યની વાત છે. હાર્દિકે ભાજપમાં જવાનું મન બનાવી લીધું હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે, ભાજપમાં કોંગ્રેસ જેવી કામ કરવાની સત્તા મળે તેવી શુભકામના પાઠવું છું અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું તે બાબતે દુઃખ પણ વ્યક્ત કરું છું.

ગોપાલ ઈટાલિયાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા
આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રેસિડેન્ટ ગોપાલ ઈટાલિયાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા ટ્વીટ કર્યું કે, ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી માત્ર આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે છે. કોંગ્રેસ પાર્ટી હવે લડી શકે તેમ નથી, કોંગ્રેસ તૂટી ગઈ છે અને આખા દેશ સહિત ગુજરાતમાંથી પણ કોંગ્રેસ ખતમ થઈ ચુકી છે. ગુજરાતમાં આ વખતે ઈમાનદાર આમ આદમી પાર્ટીનો મજબુત વિકલ્પ હાજર છે. ગુજરાતમાં પરિવર્તન નક્કી છે.

'ભાજપ ભાઈને સ્વીકારે તેવું લાગતું નથી'
હાર્દિક પટેલના એક સમયના સાથી વરુણ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, @BJP4Gujarat ના કાર્યકરોએ જે પ્રમાણે ભાઈની સામે સંઘર્ષ કરેલો છે તે જોતાં કાર્યકરો, ભાઈનો સ્વીકાર કરે એવું મને લાગતું નથી. ભાજપમાં જોડાવાની ચર્ચા સંપૂર્ણ પાયા વગરની લાગે છે બાકી જાય જેને જવું હોય ત્યાં. ભાજપનો કાર્યકર મૌન છે માયકાંગલો નથી !!!!

કોંગ્રેસ અને હાર્દિક બંનેને મનોમંથનની જરૂર:અલ્પેશ કથિરિયા
પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાએ જણાવ્યું કે, આ બાબતે મારે એવું માનવું છે કે કોંગ્રેસ પક્ષ અને હાર્દિક ભાઈ બંને વચ્ચે સંવાદ અને સંકલનમાં ઘણીબધી ખામીઓ સર્જાઈ છે. અને ત્યારબાદ આ નિર્ણય લેવાયો છે. ઘણા સમયથી નારાજગીની વાતો ચાલુ હતી. પરંતુ હાલમાં જે પ્રક્રિયા સર્જાઈ છે અને વાતાવરણ સર્જાયું છે, કોંગ્રેસ પક્ષમાં તેમની જવાબદારી હોવા છતાં પણ પક્ષમાં જે માન સન્માનની બાબત હોય, સિક્યોરિટીની બાબત હોય કે પક્ષ તેમને કામગીરી ન આપતો હોય તેવા કારણો તેમના તરફથી ઊભા થયા છે, અને ત્યારબાદ તેમણે નિર્ણય જાહેર કર્યો છે. એટલે હાર્દિકભાઈએ પણ હવે મનોમંથનની જરૂર છે અને કોંગ્રેસ પક્ષમાં પણ રાજીનામાનો દોર શરૂ થયો છે. એ બાબતે તેમને પણ મનોમંથનની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...