ઈન્વેસ્ટમેન્ટ અંગે ચર્ચા:લક્ષ્મી મિત્તલે કરી CM રૂપાણી સાથે મુલાકાત, ગુજરાતમાં ગેસ અને એનર્જી ક્ષેત્રે રૂ.50 હજાર કરોડનું રોકાણ કરશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાબેથી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રી રૂપાણી અને લક્ષ્મી મિત્તલ - Divya Bhaskar
ડાબેથી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રી રૂપાણી અને લક્ષ્મી મિત્તલ
  • આગામી દિવસોમાં કુલ 1 લાખ કરોડનું રોકાણ કરવા માટે ઉત્સુકતા બતાવી

સ્ટીલ કિંગ અને આર્સેલર મિત્તલ ગ્રૂપના ચેરમેન લક્ષ્મી મિત્તલ અને CEO દિલીપ ઉમાને આજે(20 ઓગસ્ટ) મુખ્યમંત્રી વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી સાથેની આ મુલાકાતમાં તેમણે સુરતના હજીરા પ્લાન્ટ નજીક તેમના યુનિટના એકસપાન્સન માટે 50 હજાર કરોડનું વધારાનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે આગામી દિવસોમાં કુલ 1 લાખ કરોડનું રોકાણ કરવા માટે ઉત્સુકતા બતાવી છે.

સોલાર એનર્જી, વિન્ડ એનર્જી અને હાઇડ્રોજન ગેસ ક્ષેત્રે રોકાણ કરશે
આ ઉપરાંત લક્ષ્મી મિત્તલે મુખ્યમંત્રી સાથેની મુલાકાતમાં કહ્યું કે આવનારા દિવસોમાં સોલાર એનર્જી, વિન્ડ એનર્જી અને હાઇડ્રોજન ગેસ ઉત્પાદન ક્ષેત્રે પણ તેમનું ગ્રૂપ 50 હજાર કરોડનું રોકાણ કરવાની નેમ ધરાવે છે. આગામી દિવસોમાં કુલ 1 લાખ કરોડનું રોકાણ તેઓ ગુજરાતમાં કરવા ઉત્સુક છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી રૂપાણીએ આ અંગે સકારાત્મક પ્રતિસાદ આપતા રાજ્ય સરકાર દ્વારા જરૂરી મદદની ખાતરી આપી હતી અને આ રોકાણ માટે તેમને આવકાર્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા જરૂરી મદદની ખાતરી આપવામાં આવી હતી
રાજ્ય સરકાર દ્વારા જરૂરી મદદની ખાતરી આપવામાં આવી હતી

લક્ષ્મી મિત્તલે મુખ્યમંત્રીની કોરોનાકાળની કામગીરીને બિરદાવી
લક્ષ્મી મિત્તલે કોરોના કાળમાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન અને દ્વષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે વિકાસ ગતિ અટકવા દીધી નથી અને ઉદ્યોગોને સાથે રાખીને કોરોનાના કપરાકાળમાં પણ જે કામગીરી કરી છે તેને બિરદાવી હતી. આ શુભેચ્છા મુલાકાત સમયે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.