અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં સ્મૃતિ મંદિર પાસે કેનાલ રોડ ઉપર આવેલી પાણીની પાઇપલાઇનમાં છેલ્લા ચાર દિવસથી પાણીનું લીકેજ થયું છે. જેના કારણે લાખો લિટર પાણી રોડ ઉપર વહી ગયું હતું. રોજ સવારે જ્યારે પાણીનો સપ્લાય શરૂ થાય ત્યારથી પાણી રોડ ઉપર ઉભરાવવાનું શરૂ થતું હતું. ચાર દિવસથી આ લાઇનની લીકેજ હોવા છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના દક્ષિણ ઝોનના અધિકારીઓ દ્વારા ધ્યાન આપવામાં આવ્યું ન હતું. સ્થાનિક લોકો દ્વારા આજે સવારે જ્યારે પાણીની પાઇપલાઇનમાં લીકેજ અને રોડ પર પાણી ભરાયેલું હોય તેવી તસવીરો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવ્યા ત્યારે દક્ષિણ ઝોનના ઇજનેર વિભાગના અધિકારીઓ જાગ્યા હતા અને તેઓએ તાત્કાલિક પાણીના પાઇપલાઇનની લીકેજની કામગીરી શરૂ કરી હતી.
ચાર દિવસ પાણીનો વ્યય થયો
સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઘોડાસર વિસ્તારમાં કેનાલ રોડ પર સ્મૃતિ મંદિરની દિવાલ પાસે પાણીની પાઇપલાઇન પસાર થાય છે. આ પાણીની પાઇપલાઇનમાં છેલ્લા ચાર દિવસથી લીકેજ થયું હતું. દરરોજ સવારે જ્યારે પાણીનો સપ્લાય શરૂ થાય ત્યારે પાણી આ લીકેજમાંથી બહાર આવી અને રોડ ઉપર વહી જતું હતું. દરરોજ સવારે આખો રોડ પાણીથી ભરાઈ જતો હતો. ચાર દિવસમાં લાખો લીટર પાણી રોડ ઉપર વહી ગયું હતું. આ રીતે સતત પાણીનો વ્યય થતો હતો છતાં પણ દક્ષિણ ઝોનના અધિકારીઓના ધ્યાન ઉપર આ વાત આવી ન હતી. છેવટે આજે સવારે સ્થાનિક લોકો દ્વારા ત્યાં ફરિયાદ કરવામાં આવી અને ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવ્યા ત્યાર બાદ અધિકારીઓ જાગ્યા હતા અને તેઓ દ્વારા પાઇપલાઇનના લીકેજની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
AMC કમિશનરની વોર્ડમાં બે કલાક રાઉન્ડ લેવા અધિકારીઓને સૂચના
મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરેક વિભાગના અધિકારીઓને સવારે હવે વોર્ડમાં બે કલાક રાઉન્ડ લેવા માટે થઈને જાણ કરવામાં આવી છે. તો અધિકારીઓના ધ્યાને આ બાબત કેમ ન આવી. ચાર દિવસથી આ પાણીનું લીકેજ થઈ રહ્યું છે, ત્યારે વોર્ડના ઇજનેર વિભાગના અધિકારીઓના ધ્યાને આ બાબત કેમ ન આવી તે એક મોટો પ્રશ્ન છે. શું ઇજનેર વિભાગના અધિકારીઓ સવારે વોર્ડમાં રાઉન્ડ લેતા નથી કે પછી ધ્યાનમાં હોવા છતાં પણ તેઓએ આ લીકેજની કામગીરી શરૂ કરાવી ન હતી? એકતરફ કમિશનર પરિપત્ર કરી અને અધિકારીઓને આદેશ તો કરી દે છે, પરંતુ ખરેખર તેઓ રાઉન્ડમાં નીકળે છે કે કેમ તે હવે સવાલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.