તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:અમદાવાદના લાંભા વોર્ડમાં પાણી,રસ્તા અને ડ્રેનેજ લાઈન સુવિધા ન મળતા લોકોએ સબઝોનલ ઓફિસ પર સુત્રોચ્ચાર કર્યા

અમદાવાદ24 દિવસ પહેલા
લોકોએ AMCની ઓફિસે જઈને વિરોધ કર્યો
  • લાંભાના સ્થાનિક કોર્પોરેટર કાળુભાઈ ભરવાડની આગેવાની હેઠળ લાંભા AMC વોર્ડ ઓફીસનો ઘેરાવ કર્યો

અમદાવાદના દક્ષિણ ઝોનમાં પાયાની સુવિધાઓને લઈને નારોલ સબઝોનલ ઓફિસ પર સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. દક્ષિણ ઝોનમાં રહેતા રહીશો મોટી સંખ્યામાં વિરોધ કરવા માટે સબઝોનલ ઓફિસ પહોંચ્યા હતાં. અહીંના લોકોમાં પાણી, રોડ, ડ્રેનેજ લાઈનની સુવિધાઓ નહીં મળતાં ભારે રોષ ફેલાયો છે. અહીંના લોકોએ સ્થાનિક કોર્પોરેટર કાળુભાઈ ભરવાડની આગેવાનીમાં વિરોધ નોંધાવ્યો હતો. લોકોએ સબઝોનલ ઓફિસમાં સુત્રોચ્ચાર સાથે ઘેરાવ કર્યો હતો.

સ્થાનિક અને કોંગ્રેસના કાર્યકર્તા ધરણા પર બેઠા
સ્થાનિક પ્રશ્નોને ઈજનેર ખાતા દ્વારા ન્યાય ન આપવામાં આવતા નારોલ ગામની ઓફિસ ખાતે સ્થાનિક અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ધરણા પર બેસી ગયા હતા. કોંગ્રેસના નેતાઓએ આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, 7 દિવસમાં પ્રજાના પ્રશ્નોનો ઉકેલ જો નહીં લાવવામાં આવે તો કોંગ્રેસ સ્થાનિકોને સાથે રાખીને ગાંધી ચીંધ્યા માર્ગે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ આંદોલન કરશે.

કોંગ્રેસના કોર્પોરેટર અને કાર્યકરોએ પણ સુવિધાઓને લઈને ધરણાં કર્યા હતાં.
કોંગ્રેસના કોર્પોરેટર અને કાર્યકરોએ પણ સુવિધાઓને લઈને ધરણાં કર્યા હતાં.

લાંભામાં ડ્રેનેજ લાઈનના અભાવે ગંદા પાણીનું તળાવ બની ગયું
લાંભા વિસ્તાર આમ પણ વિવિધ સમસ્યાઓને લઈને વગોવાયેલો છે ત્યારે નારોલ સર્કલથી અસલાલી સર્કલની વચ્ચે આવેલી કેટલીક સોસાયટીઓના રહિશો ડ્રેનેજ લાઈનની સમસ્યાને લઈને પરેશાન છે. આ રોડ પર આવેલી ટીપી 79માં ડ્રેનેજ એપ્રુવ્ડ હોવા છતાં ડ્રેનેજ લાઈન નંખાઈ ન હોવાથી આસપાસની 5 જેટલી સોસાયટીઓનું પાણી ખૂલ્લામાં વહી જાય છે. જેથી અહીં ગંદા પાણીનું તળાવ ભરાયું છે. સ્થાનિકો હેરાન થઈ ગયા છે. લાંભાની આ સમસ્યાને લઈને રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યાં છે.

સ્મશાનની હાલત પણ જર્જરિત છે
શહેરના લાંભા વિસ્તારને વિકાસથી વંચિત રાખવામાં આવી રહ્યો હોવાની ફરિયાદો અવાર નવાર થાય છે ત્યારે લાંભાના સ્મશાનની હાલત હજુ પણ જર્જરિત હોવાની ફરિયાદો ઉઠી છે. જ્યાં દીવાલ પણ બનાવવામાં નહી આવતી હોવાને કારણે અનેક સમસ્યા ઉભી થાય છે. આ બાબતે સ્થાનિક રહીશોએ મ્યુનિ. સમક્ષ લેખિતમાં કરેલી રજૂઆત પ્રમાણે લાંભા સ્મશાનગૃહને વ્યવસ્થિત કરવા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. જોકે, સ્મશાનની ફરતે દીવાલ પણ બનાવવામાં આવી રહી નથી. એટલું જ નહી પણ દીવાલ નહી હોવાને કારણે ત્યાં કુતરા અવારનવાર ફરતાં જોવા મળે છે. સ્મશાનની બાજુમાં જ આવેલા તળાવને ડેવલપ કરવા માટે મોટો ખર્ચ કરાય છે. ઉપરાંત સ્મશાનમાં ઇલેક્ટ્રીક ભઠ્ઠી મુકવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. તેમજ સ્મશાનમાં પાણી અને લાઇટ જેવી સુવિધા ઉભી કરવા તેમજ સ્મશાનની છતનું સમારકામ કરવા પણ રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...