ઉન્નતિ રાઠોડ
મહિલાઓ માટે સેનેટેરી પેડ તેમની જિંદગીનો જ એક ભાગ બની ચૂક્યા છે. કપડાંમાંથી હવે સેનેટેરી પેડનો ઉપયોગ કરતી મહિલાઓની સંખ્યા વધી રહી છે. ‘દિવ્ય ભાસ્કર’એ ચાર બ્રાન્ડના સેનેટરી પેડને ગુજરાત યુનિવસર્ટીના કેમિસ્ટ્રી અને ફોરેન્સિક સાયન્સ વિભાગમાં ટેસ્ટ કરાવ્યા હતા, જેમાં જાણવા મળ્યું કે સેનેટરી પેડમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થયો છે.
હાલમાં માર્કેટમાં મળતા પેડમાં કોટન અને પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે. મોટા ભાગની કંપનીઓ 6થી 12 કલાક સુધીનું પ્રવાહી શોષી શકવાની ક્ષમતા ધરાવે છે. આ સાથે જ ઘણી એનજીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા સેનેટરી પેડને પણ ઇકોફ્રેન્ડલી, શરીરને નુકસાન ન થાય તેવા મટીરિયલ સાથે મુકાઈ રહ્યા છે, પરંતુ તજજ્ઞોના મતે, પ્રવાહી શોષી શકે તેવા મટીરિયલને કારણે શરીરને લાંબા સમયે ચામડીના રોગ જેવી આડઅસરો થઈ શકે છે. માર્કેટમાં મળતી વિવિધ 4 બ્રાન્ડના એક–એક સેમ્પલના વોટરપ્રૂફ લેયર, બ્રેથેબલ લેયર અને કવર મળીને કુલ ત્રણ લેયરનો ટેસ્ટ કરાયો હતો, જેમાં એબસોર્બિન્ટ કોર, સુપર એબસોર્બિન્ટ પોલિમર, કોટન, રેયોન, બામ્બુ જેવા મટીરિયલ મળ્યા હતા.
પ્રવાહીને પેડમાં જ સાચવી રાખવા માટે વપરાતાં તત્ત્વોમાં પણ પ્લાસ્ટિક
પોલિઇથીલીન શરીરના ભાગે ઘસાય છે
સેનેટરી પેડના ટેસ્ટ દરમિયાન જાણવા મળ્યું કે, પ્રવાહીને સેનેટરી પેડમાં લોક કરવા માટે વાપરવામાં આવતું પોલીઇથીલીન શરીરના ભાગ સાથે ઘસાય છે. ઉપરાંત આ પ્લાસ્ટિક બાયોડિગ્રેબલ છે, જેનો નાશ થઈ શકતો નથી. આ સ્થિતિમાં શરીરને પણ લાંબા ગાળે નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત ચામડીના પણ રોગ થઈ શકે છે.
પેડમાં વપરાતાં કેમિકલથી ઇન્ફેક્શનનું જોખમ
સેનિટરી પેડ પહેરવાથી સેન્સિટીવ સ્કિનમાં રેશિશ, ખંજવાળ આવવી, સોજો, ઇરિટેશન જેવી સમસ્યાઓ થાય છે. સેનેટરી પેડમાં ઉપયોગમાં લેવાતા કેમિકલ્સથી ભેજ-ગરમી થવાથી બેકટેરિયા ઉદભવે છે, જે ઇન્ફેકશનના ચાન્સ વધારે છે.- ડો. માધુરી અલવારી, પ્રોફેસર અને હેડ ડિપાર્ડમેન્ટ, GMERS ઓબ્સ એન્ડ ગાયનેક મેડિકલ કોલેજ હિંમતનગર
ત્રણેય લેયર વિવિધ ટેકનિકથી ચેક કરાયા
પેડના ત્રણેય લેયરનો વિવિધ ટેકનિકથી અભ્યાસ કરાયો હતો. પેડની બનાવટમાં પોલિઇથીલીન જેવા પ્લાસ્ટિકનો ઉપયોગ થયો જણાયો, જે હાનિકારક છે. પ્રવાહીને પેડમાં જ સાચવી શકે તેની માટે વપરાતાં તત્ત્વોમાં પણ પ્લાસ્ટિક મળ્યું છે.- ડો. કલ્પેશ સોલંકી, ફેકલ્ટી-બાયોકેમિસ્ટ્રી-ફોરેન્સિક વિભાગ, જીયુ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.