ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઈ ચૂકી છે. આમ આદમી પાર્ટી (AAP)એ જાહેરાત પહેલાં જ 118 ઉમેદવાર જાહેર કરી ચૂકી છે. ત્યારે આજે વધુ 21 જેટલા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. એમાં મહત્ત્વની બેઠકો એવી વિરમગામમાં કુંવરજી ઠાકોર, સુરત પશ્ચિમથી મોક્ષેશ સંઘવી, ઠક્કરબાપાનગરમાં સંજય મોરી, બાપુનગરથી સંજય દીક્ષિતને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આમ, અત્યારસુધીમાં AAP1 39 જેટલા ઉમેદવારો જાહેર કરી ચૂકી છે.
તમામ ઝોનની બેઠક માટે ઉમેદવારો જાહેર કરાયા
આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીની જાહેરાત પહેલાં જ ઉમેદવારો નક્કી કરીને જાહેર કરવામાં આવ્યા હતા. એમાં બે દિવસ પહેલાં 10 ઉમેદવારનાં નામ સાથેની યાદી જાહેર કર્યા બાદ આજે વધુ 21 ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. એમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની બેઠકોનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતની પણ ત્રણ બેઠક પરથી પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
AAPએ આજે 21નું ઉમેદવાર લિસ્ટ જાહેર કર્યું
અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાનું શક્તિપ્રદર્શન
PAASના કન્વીનર અલ્પેશ કથીરિયા આમ આદમી પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયા બાદ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તિરંગો અને આમ આદમી પાર્ટીની ટોપીઓ અને ધ્વજ સાથે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. માનગઢ ચોકથી શરૂ થયેલી યાત્રા ધીરે ધીરે આગળ વધતી ગઈ અને લોકો પણ તેમાં જોડાતા ગયા હતા. પાટીદાર સમાજની લડત લડ્યા બાદ અત્યાર સુધી કોઈ પણ રાજકીય પક્ષમાં અલ્પેશ કથીરિયા જોડાયા નહોતા. સત્તાવાર રીતે ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથેરીયા આપમાં જોડાયા બાદ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. યાત્રામાં આમ આદમી પાર્ટીના કામરેજના ઉમેદવાર રામ ધડુક પણ સાથે જોડાયા હતા.કામરેજ વિધાનસભા સહિત વરાછા, કાપોદ્રા , સર્કલ, કતારગામ સહિતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા.
ઈસુદાન ગઢવી AAPના CMનો ચહેરો
આમ આદમી પાર્ટીએ (AAP)એ આખરે મહાસર્વેના પરિણામની સાથે 4 નવેમ્બરે ઈસુદાન ગઢવીને આગામી વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કર્યા છે. AAPના સર્વેનાં પરિણામોની અમદાવાદમાં જાહેરાત કરતા પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા પાસે કરાવાયેલા સર્વેમાં 16.48 લાખ લોકોએ ભાગ લીધો હતો. આમાંથી 73%એ ઈસુદાનને પસંદ કર્યા છે. આમ, AAPએ ગોપાલ ઈટાલિયાને પ્રદેશ પ્રમુખ અને ઈસુદાનને CMના ઉમેદવાર બનાવીને પાટીદાર અને ઓબીસી બંને સમુદાયનું બેલેન્સ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે દિવ્ય ભાસ્કરે કરેલા સર્વેમાં 36 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો અને 13,202 લોકોએ એટલે 36%એ ઈસુદાન ગઢવીની પસંદગી કરી હતી.
કેજરીવાલે કહ્યું- ગુજરાતમાં મોટું પરિવર્તન આવશે
અરવિંદ કેજરીવાલે આ પ્રસંગે કહ્યું હતું કે, આજે ગુજરાતના ઈતિહાસ માટે મહત્ત્વનો દિવસ છે. અમે લોકોની વચ્ચે જઈએ છીએ. 27 વર્ષ સુધી ગુજરાતમાં કોઈ ત્રીજો વિકલ્પ નહોતો. આજે ગુજરાત પરિવર્તન તરફ જઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આંતરિક સંબંધો હતા. આજે એક નવો વિકલ્પ મળ્યો છે. આમ આદમી પાર્ટી નવી પાર્ટી છે. નવું એન્જિન છે. અમે એસી રૂમમાં બેસી નક્કી નથી કરતા કે સીએમ કોણ હશે. પંજાબની જનતાએ સીએમ ઉમેદવાર નક્કી કર્યા છે. ગુજરાતમાં લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી આવી રહી છે. ગુજરાતમાં દરેક સરવે ખોટા પડશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે.16.48 લાખ લોકોએ સરવેમાં મત આપ્યો અને ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા છે.
રાજનીતિ શોખ નથી મારી મજબૂરી છેઃ ઈસુદાન
અરવિંદ કેજરીવાલે રાજનીતિની આખી તાસીર બદલી નાંખી. તેમણે આટલી મોટી જવાબદારીનો અહેસાસ કરાવ્યો છે. મારે બીજું કશું નથી જોઈતું પણ ઈશ્વરને પ્રાર્થના છે કે ગુજરાતીઓ માટે કંઈક કરું. હું કર્મના સિદ્ધાંતમાં માનવાવાળો વ્યક્તિ છું. અરવિંદ કેજરીવાલનો ફોન આવ્યો કે ઈસુદાન તમે રાજનીતિમાં આવી જાઓ સિસ્ટમનો ભાગ બનો. ત્યાર બાદ મેં દિલ્લીની સ્કૂલ અને મોહલ્લા ક્લિનિક જોયાં.રાજનીતિ શોખ નથી મારી મજબૂરી છે. ગુજરાતની જનતાની પીડા નથી જોવાતી. મેં ખેડૂતો અને બેરોજગારના અવાજ બનવાની કોશિશ કરી. પરંતુ એક લક્ષ્મણરેખા હોય કે હું ન્યૂઝ ચલાવી શકું પરંતુ કરી નથી શકતો. હું સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવું છું.
16.48 લાખ લોકોએ સરવેમાં મત આપ્યો
કેજરીવાલે કહ્યું કે આજે ગુજરાતના ઈતિહાસ માટે મહત્ત્વનો દિવસ છે. અમે લોકોની વચ્ચે જઈએ છીએ. 27 વર્ષ સુધી કોઈ વિકલ્પ નહોતો. આજે ગુજરાત પરિવર્તન તરફ જઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સંબંધો હતા. આજે એક નવો વિકલ્પ મળ્યો છે. આમ આદમી પાર્ટી નવી પાર્ટી છે. નવું એન્જિન છે. અમે રૂમમાં બેસી નક્કી નથી કરતા કે સીએમ કોણ હશે. પંજાબની જનતાએ સીએમ ઉમેદવાર નક્કી કર્યા છે.ગુજરાતમાં લાગી રહ્યું છે છે કે આમ આદમી પાર્ટી આવી રહી છે. ગુજરાતમાં દરેક સરવે ખોટા પડશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે.16.48 લાખ લોકોએ સરવેમાં મત આપ્યો અને ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા છે.
ઈસુદાન ત્યાગ કરી AAPમાં આવ્યા છેઃ ઈટાલિયા
આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, ઈસુદાન ત્યાગ કરીને આમ આદમી પાર્ટીમાં આવ્યા છે અને મહેનત પણ કરી છે. સાબરમતી જેલમાં અમે સાથે હતા ત્યારે અમને ઘણું જ્ઞાન મળ્યું છે. હું ઈસુદાન ગઢવીની સૌથી નજીક છું. તેમને જનતાએ પસંદ કર્યાં છે. ઈસુદાનનાં માતાએ જય મા મોગલ અને જય દ્વારકાધીશ કહીને જણાવ્યું હતું કે, માતાજી તેને આશીર્વાદ આપે, બધા ભાઈઓ બહેનો તેને આશીર્વાદ આપજો. ઈસુદાનનાં પત્ની હિરલ ગઢવીએ કહ્યું હતું કે, બધા મહાનુભાવોને મારા પ્રણામ, ઈસુદાનજીને આટલી મોટી તક આપી છે ત્યારે બધાનો આભાર માનું છું. મા મોગલ અને દ્વારકાધીશ એમને આશીર્વાદ આપે.
FB લાઈવમાં કહ્યું-હા, મહિપતસિંહ ચૂંટણી લડી રહ્યા છે
AAP દ્વારા આજે જે ઉમેદવાર જાહેર કરાયા તેમાં મહિપતસિંહ ચૌહાણનું નામ છે. ત્યારે ફેસ બુકના માધ્યમથી લાઈવ થઈને મહિપતસિંહ ચૌહાણ કહ્યું હતું કે મહિપતસિંહ ચૂંટણી લડે છે. માતર સીટ પરથી પોતે ચૂંટણી લડશે એમ જણાવ્યું હતું, પરંતુ સાથે સાથે ખંભાતની બેઠક પરથી પણ ચૂંટણી લડવા માગતા હોવાનું તેમણે જણાવ્યું હતું, સાથે સાથે પોતાના વ્યક્તિગત સમર્થનની પોતાના સમર્થકો પાસે માગ કરી હતી.
ખેડાની 6 પૈકી 5 બેઠક પર ઉમેદવારો જાહેર
ખેડામાં આમ આદમી પાર્ટીની ફોજ તૈયાર થઈ ચૂકી છે. આજે વધુ એક માતર બેઠક પરથી યુવા નેતા મહિપતસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે મહોર મારી દેતાં મહિપતસિંહના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ફક્ત નડિયાદ વિધાનસભા બેઠક માટે ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. AAPએ ખેડા જિલ્લાની 6 વિધાનસભા પૈકી 4 વિધાનસભા માટે અગાઉ ઉમેદવારો જાહેર કર્યા છે, જેમાં 4થી યાદીમાં ઠાસરા વિધાનસભા બેઠક પરથી નટવરસિંહ રાઠોડને ઉમેદવાર જાહેર કર્યા હતા. ત્યાર બાદ 5મી યાદીમાં મહુધા વિધાનસભા બેઠક પરથી રાવજીભાઈ સોમાભાઈ વાઘેલાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. છઠ્ઠી અને 7મી યાદીમાં કપડવંજ વિધાનસભા બેઠક પરથી મનુભાઈ રામાભાઈ પટેલ અને મહેમદાવાદ વિધાનસભા બેઠક પરથી પ્રમોદભાઈ ચૌહાણને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.